ફિલ્મ સમીક્ષા : ડિપાર્ટમેંટ
કલાકાર : અમિતાભ બચ્ચન, સંજય દત્ત, રાણા દગ્ગુબત્તી, વિજય રાજ, અંજના સુખાની, અભિમન્યુ સિંહ, મધુ શાલિનીડાયરેક્શન: રામ ગોપાલ વર્મા રેટિંગ: 2 સ્ટાર્સ કાયદાની બહાર જઈને અંડરવર્લ્ડને નાથવા માટે મુંબઈ પોલિસ એક ડિપાર્ટમેન્ટની રચના કરે છે- શું થાય છે જ્યારે આ ડિપાર્ટમેન્ટ જ ભ્રષ્ટ થઈ જાય છે? રામ ગોપાલ વર્માની અન્ય ફિલ્મોની જેમ 'ડિપાર્ટમેન્ટ'માં પણ- કાનૂનની બહાર જઈને અંડરવર્લ્ડનો ખાત્મો કરવાનો મુદ્દો કેન્દ્રમાં છે. અલબત્ત, આ ફિલ્મ પણ રામુની અન્ય ફિલ્મોની જેમ જ કર્કશ કેમેરાવર્ક, ફિલ્મી એક્ટિંગ અને હિંસાત્મક દ્રશ્યોથી ભરપૂર છે. ઈન્સપેક્ટર મહાદેવ ભોંસલે (સંજય દત્ત) મોહમ્મદ ઘોરી અને સવાતિયા (વિજય રાજ) દ્વારા સંચાલિત માફિયા ગેન્ગને નાથવા માટે મુંબઈ પોલિસની બહાર એક ડિપાર્ટમેન્ટની રચના કરે છે. ભોંસલે પોતાની સાથે શિવનારાયણ (રાણા)ને લે છે અને અંડરવર્લ્ડ પર પોતાનો રોફ જમાવે છે. ગુંડાઓને દિવાલ સાથે અથડાવવા, બાળકોને બારીમાંથી બહાર ફેંકવા અને ક્રિમિનલ્સને સળિયા ઝિંકવા જેવી બધી જ હરકતો તેમના માટે સામાન્ય હોય છે. ત્યા સુધી ફિલ્મ સારી ચાલે છે, ખાસ કરીને રાણા દગ્ગુબત્તી પોતાની માચો ઈમેજને કારણે ફિલ્મને થોડો સમય ખેંચી કાઢે છે પણ થોડી વાર માટે જ. સફેદ વાળ, કાળા ચશ્મા, લૂચ્ચુ હાસ્ય અને કાંડે રણકતી ઘંટડી સાથે ડોનમાંથી પોલિટિશયન બનેલા સરજીરાઓ ગાયકવાડ, અમિતાભ બચ્ચને પોતાના પાત્ર મજા માણી છે પણ દર્શકોને મજા કરાવી નથી શકતાં.
'
ડિપાર્ટમેન્ટ'ના પ્રોમો પરથી લાગતું હતું ફિલ્મ અમુક મજબૂત અને દમદારો એક્ટર્સ વચ્ચેના એન્કાઉન્ટર પર આધારિત હશે પણ ફિલ્મમાં ઘણા બધા નબળા એક્ટર્સને મોટા મોટા રોલ આપી દેવાયા છે, જેઓ ફિલ્મને કોઈ ખાસ લેવલ સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યા છે. વિજય રાજને કોઈ કોમેડી ફિલ્મનો ડોન બનાવ્યો હોય તો ઠીક છે પણ ઝૂંપડપટ્ટીમાં પાતળી એવી ધોતી પહેરીને ફરતો કોઈ દૂબળો-પાતળો વ્યક્તિ માફિયા કે ડોન હોય તે વાત ગળે ઉતરતી નથી. તેના બે ચમચા ડીકે (અભિમન્યુ) અને નસીર (શાલિની) પડદા પરની સૌથી અનાકર્ષક જોડી છે. તેઓ નિરસ રીતે સંવાદો બોલે છે, હાવભાવ વગર જ ગોળીઓ મારે છે, એકબીજાના મોં પર સિગારેટનો ધૂમાડો છોડે છે અને તોય અમિતાભ બચ્ચન કરતા પણ વધુ વાર પડદાં પર દેખાય છે. આ સિવાય શિવની પત્ની ભારતી (અંજના) સારી લાગે છે પણ તેના ભાગે ખાસ કરવાનું નથી આવ્યું.
વાર્તાને જોતા હિંસાત્મક દ્રશ્યો યોગ્ય લાગી શકે પણ વિચિત્ર કેમેરાવર્ક તમને એ બધુ ભૂલાવી દેશે. રામુએ અલગ અલગ એન્ગલ પર કેમેરા ગોઠવીને, માથામાં ફટકારાતી બોટલનો ક્લોઝ-અપ લઈને, સિગારેટનો કશ મારતા હોઠ દેખાડીને અને સંજયદત્તની હેરલાઈનને ઝૂમ કરીને કેમેરાવર્ક સાથે અખતરા કર્યા છે. અમુક દ્રશ્યોમાં કેમેરા ઉપરથી નીચેની તરફ ફેરવવામાં આવ્યો છે, આ કારણે સંજય દત્ત અને અમિતાભ બચ્ચન વચ્ચે વધતી ઉગ્રતા ફીકી પડી જાય છે. નતાલિયા કૌરનું આઈટમ સોન્ગ હોટ કરતા ચીતરી ચડે તેવું વધારે લાગે છે. 3 મજબૂત સ્ટાર્સ સાથેની નબળી પટકથા કારણે 'ડિપાર્ટમેન્ટ' પોતાના જ પગ પર કૂહાડી મારે છે.