Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝાંકળના બુંદ જેવી તારે જમીન પર

ઝાંકળના બુંદ જેવી તારે જમીન પર
PRP.R

યૂ*18 રીલ
નિર્માતા-નિર્દેશક : આમિર ખાન
ગીત : પ્રસૂન જોષી
સંગીત : આમિર ખાન, દર્શીલ સફારી, ટિસ્કા ચોપડા, વિપિન શર્મા, સચેત ઈંજીનીયર
રેટીંગ : 4/5

બાળકો ઝાકળની બુંદોની જેમ એકદમ શુધ્ધ અને પવિત્ર હોય છે. તેમને કાલના નાગરિક કહેવામાં આવે છે પરંતુ દુ:ખની વાત એ છે કે બાળકો પર અનુશાસનના નામ પર ઘણા બધા નિયંત્રણો લગાડી દેવામાં આવે છે. આજકાલ તેમનું બાળપણ ગુમ થતું જઈ રહ્યું છે. નાનપણથી જ તેમને આવનાર મુસીબતોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવે છે. દરેક ઘરેથી ટોપર્સ અને રૈંકર્સ તૈયાર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોઈ એ નથી વિચારતું કે તેમના મનમાં શું છે? શું વિચારે છે? તેમના શું વિચારો છે?

આ જ સવાલો અને તેની પરની વાતોને આમીરે પોતાની ફિલ્મ તારે જમીન પરમાં ઉઠાવી છે. આ કોઈ બાળકો માટે બનેલી ફિલ્મ નથી અને વૃતાંત ચિત્ર જેવું પણ નથી. ફિલ્મમાં મનોરંજનની સાથે સાથે ખુબ જ ઉંડા સંદેશ પણ છુપાયેલા છે. કંઈ પણ કહ્યા વિના આ ફિલ્મ ઘણું બધું કહી જાય છે. દરેક વ્યક્તિ આ ફિલ્મ દ્વારા પોતાની જાતને એ પુછવા લાગે છે કે શું તે પણ કોઈ માસુમ બાળકના બાળપણને ઉજાડી તો નથી રહ્યાં ને!

આઠ વર્ષના ઈશાન અવસ્થી (દર્શીલ સફારી)નું મન ભણવાની જગ્યાએ કુતરાઓ, માછલીઓ અને પેઈંટીંગ કરવામાં લાગે છે. તેના માતા-પિતા ઈચ્છે છે કે તે ભણવા પર ધ્યાન આપે પરંતુ તેનું કોઈ જ પરિણામ નથી આવતું. ઈશાન ઘરેથી માતા-પિતાનો ઠપકો સાંભળે છે અને સ્કુલમાંથી શિક્ષકોનો. કોઈ પણ એ જાણવાનો પ્રયત્ન નથી કરતું કે ઈશાન ભણવા પર ધ્યાન કેમ નથી આપી રહ્યો. આ જાણ્યા સિવાય તે ઈશાનને હોસ્ટેલમાં મોકલી દે છે.

ખિલખિલાતો ઈશાન ત્યાં જઈને કરમાઈ જાય છે. તે હંમેશા એકલો અને ઉદાસ રહેવા લાગે છે. તેની પર નજર જાય છે આર્ટ ટિચર રામશંકર નિકુંભની (આમિર ખાન). નિકુંભ તેના ઉદાસીનું કારણ શોધી કાઢે છે અને તેમને જાણવા મળે છે કે ઈશાન ખુબ જ પ્રતિભાશાળી છે પરંતુ ડેસલેક્સીયાથી પીડિત છે. તેને અક્ષરો વાંચવામાં તકલીફ થાય છે. પોતાના પ્રેમ અને દુલારથી નિકુંભ સર તેની અંદર છુપાયેલ પ્રતિભાને બધાની સામે લાવે છે.

ઈશાનનું સ્કુલેથી ભાગી જઈને રસ્તાઓ પર ફરવું. તાજી હવામાં શ્વાસ લેવો. બિલ્ડીંગને કલર થતો જોવો. ફુટપાથ પર રમતાં બાળકોને આઝાદીથી રમતાં જોઈને ઉદાસ થવું. બરફનો ગોળો ખાવો. આ દ્રશ્યને જોઈને ઘણાં લોકોને પોતાના બાળપણની યાદ તાજી થઈ જાય છે.

આમિરની આ ફિલ્મ તે માતા-પિતાને સવાલ પુછે છે જે પોતાની મહત્વકાંક્ષા બાળકોના નાજુક ખભાઓ પર લાદી છે. આમીર એક સંવાદ બોલે છે ' બાળકો પર પોતાની મહ્ત્વકાંક્ષા લાદવી એ બાળશ્રમ કરતાં પણ ખરાબ છે'

દરેકને પરિક્ષામાં પહેલા નંબરે આવવું છે. 95 ટકા કરતાં ઓછા માર્ક લાવવા એટલે કે જાણે કોઈ સજા થઈ જાય છે. ઈશાનનો ભાઈ ટેનિસ હરીફાઈમાં હારી જાય છે તો તેના માતા-પિતા ગુસ્સે થઈ જાય છે. આગળ નંબર લાવવો તે ખરાબ નથી પરંતુ તેના માટે બાળકોને ત્રાસ આપીને તેમનું બાળપણ છીનવી લેવું તે ખરાબ છે.

સવાલ તો તે માતા-પિતાઓને પુછવો જોઈએ કે શું તેમને બાળકો તેમના સપનાં પુરા કરવા માટે પેદા કર્યા છે? શું તેઓ જીંદગીમાં જે બનવા માંગતાં હતાં તે બની શક્યાં? જો ના બની શક્યાં હોય તેમને પણ કોઈ હક નથી કે તેઓ તેમનો ગુસ્સો બાળકો પર ઉતારે.

શું આપણે ક્યારેય પણ ઢાબા પર કે ચાની દુકાનમાં કામ કરી રહેલા બાળકો વિશે વિચારીએ છીએ? શું આપણને એવો વિચાર આવે છે કે જે બાળક આપણને જમવાનું પીરસી રહ્યો છે તેનું પેટ ભુખ્યું છે કે ભરેલું?

અનુશાસન અને નિયમનો દંડો બતાડીને બાળકોને ડરાવનાર શિક્ષક પોતાની જીંદગીમાં કેટલા અનુશાસિત છે? તેઓ કેટલા નિયમોનું પાલન કરે છે? બધા જ બાળકોના મગજ અને શિખવાની ક્ષમતા એક જેવી નથી હોતી. શું બધા જ બાળકોને બકરીઓની જેમ એક જ ડંડાથી હાંકી શકાય છે?

કોઈ પણ સંવાદ વિના આ વાત આમીરે થોડીક જ મિનીટો દ્રારા પોતાના દ્રશ્યોમાં જણાવી છે. ક્યાંય પણ ઉપદેશ કે નકામું ભાષણ નથી. ફિલ્મ જોતી વખતે દરેક દર્શક આ વાતને અનુભવે છે. દરેક માતા-પિતા અને શિક્ષકોને આ ફિલ્મ જોવી જોઈએ. કદાચ તેઓ બાળકોને વધારે પ્રેમ કરવા લાગશે સમજવા લાગશે.

ઈશાન બનેલ દર્શિલ સફારી આ ફિલ્મનો જીવ છે. વિશ્વાસ જ નથી થતો કે આ બાળક અભિનય કરી રહ્યો છે. માસૂમ દેખાતા આ બાળકે હાસ્ય, ભય, ક્રોધ, ઉદાસી વગેરે ભાવોને પોતાના ચહેરા દ્વારા દર્શાવ્યા છે. કદાચ એટલા માટે જ તેને સંવાદ ઓછા આપવામાં આવ્યાં છે.

આમીર ખાન મધ્યાંતરથી આવે છે અને છવાઈ જાય છે. ટીસ્કા ચોપડાએ એક માની બેચેનીને ખુબ જ સારી રીતે રજુ કરી છે. વિપિન શર્મા (ઈશાનના પપ્પા), સચેત એંજીનીયર અને બધા જ અધ્યાપકોનો રોલ સારો છે.

કોઈ પણ તૈયારી વિના નિર્દેશકના મેદાન પર ઉતરેલા આમિરે જણાવી દિધું કે ફિલ્મ માધ્યમ પર તેમની સમજ અને પકડ અદભૂત છે. આ ફિલ્મની અંદર કોઈ પણ નકામી એક્શન નથી, ન વગર કામની કોમેડી અને ના અંગ પ્રદર્શન. આ બધા જ તત્વો વિના પણ એક ઉમદા ફિલ્મ બનાવી શકાય છે એવું આમિરે જણાવી દિધું. એક બાળકની જીંદગી પર ફિલ્મ બનાવીને તેમણે સાહસનું કામ કર્યું છે.

પ્રસૂન જોશી દ્વારા લખાયેલ ગીત ઘણું બધું કહી જાય છે અને પડદા પર તેને જોતી વખતે તેનો પ્રભાવ વધારે વધી જાય છે. શંકર-અહસાન-લોયનું સંગીત પણ ઘણું સારૂ છે. ફિલ્મની ફોટોગ્રાફી ઘણી સારી છે.

Share this Story:

Follow Webdunia gujarati