નિર્દેશક ગુરુંગદાસે વાર્તાને ઉત્તમ રીતે રજૂ કરી છે. ક્યારે રોમાંસ બતાવવો જોઈએ, અને ક્યારે એક્શન કે થ્રિલ એ તેમને સારી રીતે બતાવ્યુ છે. બદલાની વાર્તા ત્યારે જ સફળ જાય છે જ્યારે દર્શકોના મનમાં પણ વિલન માટે નફરત જાગે. નાયકની સાથે સાથે તેમને પણ બદલો લેવાની તમન્ના જાગે અને આ કામ ગુરુંગદાસે ખૂબ જ સફળતાપૂર્વક કર્યુ છે. જે માટે તેમને સંજય અને કલ્પનાની વાર્તાને શ્રેષ્ઠ રીતે બતાવી છે. કલ્પનાના પાત્ર પર તેમણે ઘણી જ મહેનત કરી છે. હંમેશા હસનારી કલ્પના, માસૂમ, બીજાને મદદ કરનારી કલ્પનાને તેમણે ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે કે તે બધાને ગમવા માંડે છે. ત્યારબાદ જ્યારે તેની હત્યા થાય છે તો દર્શકો સન્ન થઈ જાય છે. તેમની બધી સહાનુભૂતિ સંજય તરફ વળી જાય છે અને ગજિની(વિલન) પ્રત્યે નફરત જાગી ઉઠે છે. ફિલ્મમાં હિંસા છે પરંતુ તેની પાછળ પણ મજબૂત કારણ છે. કલ્પનાની હત્યા અન ક્લાઈમેક્સમાં આમિરની એક્શન અદ્દભૂત છે. થોડી ઉણપો પણ છે પરંતુ ફિલ્મની ગતિ એટલી ઝડપી છે કે દર્શકોને આ અંગે વિચારવાનો સમય જ નથી મળતો. ખાસ કરીને શરૂઆતમાં અડધો કલાક સુધી ફિલ્મની ગતિ એટલી ઝડપી છે કે તેની સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી આવી જાય છે.
'તારે જમી પર' પછી આમિરે યૂ ટર્ન લેતા એક શુધ્ધ કોમર્શિયલ ફિલ્મમાં કામ કર્યુ છે. તેમણે સંવાદ ઓછા આપવામાં આવ્યા છે, પરંતુ બદલાની આગમાં તપતી તેમની આંખો બધુ જ કહી નાખે છે. એક્શન દ્રશ્યોમાં પણ તેઓ છવાયેલા રહ્યા. તેમની એટ પેક એબ્સ બોડીનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ તેઓએ પોતાનુ શર્ટ વધુ ન ઉતાર્યુ.
અસીને વધુ બોલનારી અને માસૂમ છોકરીનુ પાત્ર ખૂબ જ સરસ રીતે ભજવ્યું છે. ખાસ કરીને રોમાંટિક દ્રશ્યો અને તેમની હત્યાવાળા દ્રશ્યમાં તેમનો અભિનય વખાણવા લાયક છે. જિયા ખાનનુ પાત્ર પણ રોચક છે જે પહેલા તો આમિર ખાન માટે મુશ્કેલીઓ ઉભી કરે છે અને પછી તેની મદદ કરે છે. ગજિનીના પાત્રમાં પ્રદિપસિંહ રાવતના ચહેરા પર ક્રૂરતા ટપકે છે. તેમનુ પાત્ર સોનાની મોટી ચેન, અંગૂઠી અને સફેદ કપડા પહેરેલ ટિપિકલ વિલન છે, જે દસ વર્ષ પહેલા ફિલ્મોમાં જોવા મળતો હતો અને 'એસા મારેંગે કિ ઉસકા નાખૂન ભી નહી મિલેગા' જેવા સંવાદ બોલે છે.
ફિલ્મના એક્શનમાં બંદૂક નથી. મોટાભાગની ફાઈટિંગ હેંડ ટુ હેંડ છે. લોખંડનો પાઈપ અને ચાકૂનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આમિરે પોતાના મજબૂત શરીરની મદદથી મોટાભાગના વિલનોના હાંડકા ભાંગ્યા છે. એક્શન દ્રશ્યમાં ક્યાંક દક્ષિણ ભારતીય ટચ આવી ગયો છે જેના કારણે તેઓ લાઉડ દેખાયા છે.
ફિલ્મનુ સંગીત સારુ છે. 'ગુજારિશ' અને 'બહકા' ગીતો સારા બન્યા છે, પરંતુ કેટલાક ગીતો એવા છે કે જાણે દક્ષિણ ભારતીય ભાષામાંથી અનુવાદ કર્યા હોય. રવિ ચન્દ્રનની સિનેમોટોગ્રાફી ઉલ્લેખનીય છે.
જબરજસ્ત એક્શન, સરસ રોમાંસ, દિલના ધબકારા વધારનારું થ્રિલ, સુંદર લોકેશન પર ફિલ્માવેલા ગીતો અને તણાવથી ભરેલ ડ્રામાને કારણે 'ગજિની' પૈસા વસૂલ ફિલ્મ છે.