મેઘાલયમાં, ભાજપ આ વખતે તમામ બેઠકો પર એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે નાગાલેન્ડમાં પાર્ટી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીને લઈને બુધવારે બીજેપીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠક થઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હતા.
આ બેઠકની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા. નાગાલેન્ડમાં ભાજપ 60માંથી 20 સીટો પર ચૂંટણી લડશે.
ત્રિપુરા માટે ઉમેદવારોના નામ નક્કી
નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. 2 માર્ચે પરિણામ જાહેર થશે. અગાઉ 27 જાન્યુઆરીએ, ભાજપે આગામી ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં CECની બેઠક યોજી હતી. બેઠક બાદ ભાજપે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નાગાલેન્ડ અને મેઘાલયની સાથે 2 માર્ચે મતગણતરી થશે