શોએબ-સાનિયા : 'નકટાઓ' ના લગ્નમાં 1700 વિઘ્ન..!
, સોમવાર, 5 એપ્રિલ 2010 (19:32 IST)
મહાન વિચારક પોલ હોર્નર્ગે લગ્ન મુદ્દે એક સરસ વાત કહેલી કે, '' દિવસમાં કયારેય પણ લગ્ન કરશો નહીં કારણ કે, તમે નથી જાણતા કે, રાત્રે તમને કોણ મળવાનું છે.'' કદાચ આ વાત ટેનિસ સનસની સાનિયા મિર્ઝાને ન સમજાઈ અને તે ધોળા દિવસે પોતાના નાનપણના મિત્ર સોહરાબ મિર્જા સાથે લગ્ન નહીં પરંતુ સગાઈ કરવાની ભૂલ જરૂર કરી બેઠી અને તરત જ તેને ખબર પડી ગઈ કે, આ દુબળી કદકાઢી ધરાવતો સોહરાબ આખી જીંદગી તેને રાબ ( ગોળનું પ્રવાહી) પીવડાવવા સિવાય બીજું કોઈ કામ નહીં કરી શકે. પોતાની આ ભૂલને સુધારવા એકરાત્રે જ્યારે સાનિયા દુ:ખી મને ઓસ્ટ્રેલિયાના કોઈ ફૂટપાથ પર આટા મારવા નિકળી હશે ત્યારે અચાનક જ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે તેનો ભેટો થઈ ગયો. ફિલ્મ જબ વી મેટ ના શાહિદ ( સાનિયાનો કથિત બોયફ્રેન્ડ) અને કરીનાની જેમ તેઓ પણ ફુટપાથ પર થોડે સુધી ચાલ્યાં. થોડી જ વારમાં બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. રસ્તામાં તેમણે પોતપોતાની કારકિર્દીની વાત કરી તો ખબર પડી કે, શોએબ પીસીબીના પ્રતિબંધના કારણે એકવર્ષ સુધી નવરો બેઠો છે અને સાનિયાને પણ કાંડાની ઈજાને કારણે હાલ કોઈ કામ નથી. તો તેમને એક વિચાર સુજ્યો કેમ ન લગ્ન જ કરી લઈએ. વાત વાતમાં તેમણે લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી, 15 એપ્રિલ. ખૈર એ વાતનો અફસોસ છે કે, મને હજુ સુધી આ લગ્નનું આમંત્રણ કાર્ડ મળી શક્યું નથી. સાચે જ સાનિયા અને શોએબનું પ્રેમ પ્રકરણ વાસ્તવિકતાથી હજારો જોજન દૂર અને નાટ્યાત્મકતાથી ઘણુ નજીક દૃશ્યમાન થઈ રહ્યું છે. આ પ્રકરણને લઈને ન તો બન્ને દેશ પરંતુ બન્ને દેશના નેતાઓ પણ બીજુ બધુ કામ છોડીને પોતાના રાજકિટ રોટલા શેકવા મંડ્યાં છે. આપણા બાલા સાહેબ ઠાકરેને જ જોઈ લો. તેમણે આ પ્રકરણની જોરદાર નિંદા કરી (જો કે, તેમને દરેક બાબતમાં માથુ મારવાની ટેવ છે.) બાલા સાહેબે કહ્યું કે, પાકિસ્તાનના ક્રિકેટર સાથે સાનિયાના પ્રેમ પ્રકરણે એ વાત સાબિત કરી દીધી છે કે, સાનિયાનું દિલ ભારત માટે ધડકતું નથી. હવે સાનિયા ભારતની રહી નથી. કોંગ્રેસ થોડી ચૂપ રહે તે આ બન્ને પ્રેમી પંખીડાના બચાવમાં ઉતરી પડી. પાકિસ્તાનનું રમત મંત્રાલય પણ તેના બચાવમાં આવી પડ્યું. હું પુછું છું આખરે આ પ્રકરણને ચોરીને ચીકણું કરવાની શી જરૂરિયાત છે. જ્યારે સમગ્ર નિર્ણય કોર્ટ પર જ છોડી દેવામાં આવ્યો છે પરંતુ નહીં આપણને તો દરેક બાબતમાં આપણી ઉપસ્થિતિ નોંધાવવાની જૂની આદત જો છે.આ પ્રકરણની સાથે જોડાયેલા તમામ ઘટનાક્રમો એક પછી એક એવા ઘટવા માંડ્યાં કે, ક્યારે ઊંટ પહાડ નીચે આવી ગયો તેની ખબર જ ન પડી. હવે તમે જ જોવો ને થોડા મહિનાઓ પૂર્વે અચાનક જ સાનિયાના પરિવાર દ્વારા પોતાના નાનપણના મિત્ર સોહરાબ મિર્જા સાથે સાનિયાની જોરશોરથી સગાઈ કરવી, ત્યાર બાદ સાનિયાનું કહેવું કે, લગ્ન બાદ પણ તે ટેનિસ રમવાનું ચાલુ રાખશે, આ બધા વચ્ચે સોહરાબ અને સાનિયાનો સેક્સી એમએમએસ અને છેલ્લે બન્નેના છુટાછેડા અર્થાત ડિવોર્સ (The past tense of marriage) ના સમાચારો. ત્યાર બાદ અચાનક જ શોએબનું સાનિયાના જીવનમાં આવવું અને ટૂકી મુલાકાત બાદ તેની સાથે લગ્નનું ફરમાન કરવું. આખરે સાનિયાને આ મૂરતિયાને પરણવાની આટલી બધી તાલાવેલી કેમ લાગી એ પણ સમજમાં નથી આવતું. સામે છેડે બેટીંગ કરી રહેલા શોએબના જીવનમાં પણ અનેક ગુગલી રૂપી બોલ ફેંકાવા માડ્યાં જેમ કે, હિન્દી ફિલ્મની અભિનેત્રી સયાલી ભગતથી લઈને છેલ્લે હૈદરાબાદની આયશા નામની યુવતી સાથે કરેલા તેના ટેલિફોનિક લગ્ન. ( આશ્વર્ય ન પામશો. ટેલિફોનિક લગ્ન સ્વીકાર્ય છે આવું હું એકલો કઈ રહ્યો નથી જો તમે તેમા ન માનતા હોય તો તમારો ગુનો બાકી દાઉલ ઈફ્તાહ જમિયત ઉલ મોમિનતે તેને કાનૂની ઠેરાવ્યાં છે અને તેમણે તેના માટે એક ફતવો પણ જારી કરી દીધો છે.) દેખાવમાં કઈક વધુ પડતી જ મેદસ્વીપણુ ધરાવતી આયશાનો ફોટોગ્રાફ પણ આજકાલ તમામ વર્તમાન પત્રોમાં પ્રકાશિત થઈ રહ્યો છે. જેને જોતા એક પ્રશ્ન એવો પણ મગજમાં ઉપસ્થિત થઈ રહ્યો છે કે, શોએબને શું સાચે જ આ યુવતી પસંદ પડી હશે ? એ વાત અલગ છે કે, હજુ સુધી આ યુવતી પ્રત્યક્ષ હાજર થઈ નથી અને બીમારીનું બહાનું કરીને મીડિયા સામે સંતાકૂકડી રમી રહી છે. ખૈર, શોએબ ભાઈએ તમામ વિવાદોને નિવાડે મૂકી અંતે હિમ્મત દેખાડી અને પોતાની પ્રિયતમા અર્થાત સાનિયા મિર્જાને મળવા માટે સપરિવાર ભારત આવી ચડ્યાં પરંતુ તેમને ક્યાં ખબર હતી કે, તેઓ ખુદ પોતાના પગ પર જ બેટ (કુલ્હાડી નહીં લખું) મારવા જઈ રહ્યાં છે. શોએબના આગમનની સાથે જ મીડિયા ગોળ પર જેમ માખીઓ મંડરાતી હોય તેમ બન્નેની પાછળ હાથ ધોઈને પડી ગયું. અગાઉ શોએબ સાથે નિકાહ થયાં હોવાનો દાવો કરનારી આયશાના પિતા મોહમ્મદ સિદ્દીકીએ પણ બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાવી દીધી. જે ક્રિકેટર પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અનુશાસન હિનતાનો આરોપ લગાવીને એક વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો એ જ ક્રિકેટ પર અહીં છેતરપીંડી, દહેજ ઉત્પીડન અને ધમકી દેવાના આરોપો મૂકવામાં આવ્યાં. શોએબનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો અને તેમનો ભારતથી બહાર જવા પર અંકુશ મૂકી દેવામાં આવ્યો. ( ભાઈ સાનિયાને જ દુબઈ બોલાવી લીધો હોત તો ! ) ટૂકમાં ભારત આવીને શોએબે બીજુ કર્યુ ન કર્યું પરતું પોતાના કથિત ક્રિમિનલ રેકોર્ડમાં જરૂર વધારો કર્યો. થાકેલા હારેલા શોએબને અંતે મીડિયા અને પોલીસ સમક્ષ સ્વીકારવું પડ્યું કે, તેણે આયશા સિદ્દીકી સાથે લગ્ન કર્યાં હતાં આયશા સાથે તેમની પ્રથમ ટેલિફોનિક વાતચીત શારજાહ મેચ દરમિયાન થઈ હતી જે બાદમાં વધુમાં વધુ ગાઢ બનતી ગઈ. પરંતુ તેના પર ભાવનાત્મક દબાણ બનાવીને નિકાહનામા પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યાં. એટલું જ નહીં જે આયશાનો ફોટો હાલ મીડિયા દેખાડી રહી છે તે યુવતીને શોએબ સમક્ષ આયશાની મોટી બહેન તરીકે રજૂ કરવામાં હતી. ટૂકૂને ટચ શોએબ ભાઈ દુનિયાના એવા પ્રેમી છે જેમણે પ્રેમ તો કર્યો પણ તેમની પ્રેમિકા હકીકતમાં કોણ છે તેની અંત સુધી તેમને ખુદને પણ જાણ ન થઈ. ઘોર આશ્વર્ય !
પોતાની મૂર્ખતા પર સફાઈ આપવા માટે શોએબે એમ પણ કહ્યું કે, તેઓ હૈદરાબાદમાં આયશાને મળવા પણ આવેલા પરંતુ ત્યારે આયેશા સઉદી અરબ ચાલી ગયેલી. તેઓ ખુદ પણ આયેશા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતાં એટલા માટે જ જૂન 2002 માં નિકાહનામા પર તેમણે હસ્તાક્ષર કર્યા હતાં પરંતુ અંતે તેમને ખબર પડી કે, તેમની સાથે મોટી છેતરપીંડી કરવામાં આવી છે. શોએબ પર ઈસ્લામ ધર્મને બદનામ કરવાનો પણ આક્ષેપ મૂકાયો. ઓલ ઈંડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડની અધ્યક્ષ શાઈસ્તા અંબરે કહ્યું કે, નિકાહમાં વ્યક્તિની નીયત ઠીક ન હોય તો તે ગૈરઈસ્લામી છે. તેણે કહ્યું કે, બે આંતરરાષ્ટ્રીય ખેલાડીના પરિવાર ઈસ્લામને બદનામ કરવાનું કામ કરી રહ્યાં છે. વિરોધ માત્ર શોએબનો જ નહીં પરતું સાનિયાનો પણ કરવામાં આવ્યો. કાનપુરમાં ભારતીય એકતા પરિષદના 100 થી વધુ કાર્યકરોએ સાનિયાનું પુતળુ સળગાવ્યું તો બીજી તરફ મદુરાઈમાં હિંદૂ યુથ ફેડરેશનના કાર્યકરોએ પણ સાનિયાનું પોસ્ટર સળગાવ્યું. જ્યારે વિરોધ વધ્યો ત્યારે બન્નેએ સામેથી મીડિયા સમક્ષ આવવાનું નક્કી કર્યું. મીડિયા દ્વારા પુછાયેલા અનેક પ્રશ્નોનો તેમણે બનાવટી હાસ્ય દ્વારા જવાબ આપ્યો. પ્રેસ કોન્ફ્રેસ પણ સાનિયાના ઘરની બહાર રોડ પર આયોજિત કરવામાં આવી અને તે પણ અનેક બોડીગાર્ડની ઉપસ્થિતિમાં. સમગ્ર વાતચીત દરમિયાન સાનિયાનો ચહેરો ઉડી ગયેલા એ લેમ્પ જેવો જોવા મળ્યો જ્યારે પોતાના અસ્તિત્વના અંત પૂર્વે ક્યારેક ક્યારેક જોરદાર આંચકો મારતો હોય છે. બન્ને એક વાત પર અડગ હતાં કે, ગમે તે થાય પણ લગ્ન તો 15 એપ્રિલે જ કરીશું.. કરીશું અને કરીશું.. અને રહી વાત આયેશાની માફી માગવાની તેની શોએબે છડે ચોક ના પાડી દીધી. લાસ્ટ શોટ મરાઠીમાં એક કહેવત છે કે, 'નકટીચ્યા લગ્નાલા 1700 વિઘ્ન' અર્થાત નકટાના લગ્નોમાં 1700 વિઘ્નો આવે છે. ક્યાંકને ક્યાંક પાકિસ્તાનથી ભારત સુધીની સફર ખેડનારા શોએબને રસ્તાઓ પર ઉડતી ધૂળના કારણે નાક પર નકટી વળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે એટલા માટે જ જુવો ને ઉપરાઉપરી અનેક આફતો તેમના પર આવીને ઉભી રહી છે.