રામગોપાલ વર્માની કોન્ટ્રાક્ટ ફિલ્મ રજુ થયાના ગણત્રીના દિવસો બાદ તેના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. ફિલ્મના એક સીન મુજબ શહેરમાં અન્ય સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કર્યાના એકાદ કલાક બાદ હોસ્પિટલમાં બ્લાસ્ટ કરી ઘાયલોને પણ મોતની ચાદરમાં લપેટી દીધા હતા. આવી જ એક ફિલ્મ શૂટ આઉટ એટ લોખંડવાલા ફિલ્મનો સીન આજે દિલ્હીમાં બન્યો. દિલ્હી આખુ સ્તબ્ધ બની ગયું.
મળેલી બાતમીને આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ આજે સવારે જામીયા વિસ્તારમાં આવેલા એલ-18 ફ્લેટમાં પહોંચી પણ. આ શુ પેલી ફિલ્મની જેમ પોલીસનું સ્વાગત ગોળીબારીથી કરાયું. પોલીસ સતેજ બની અને આતંકીઓ ઉપર તૂટી પડી. ક્ષણવારમાં રહેણાંક વિસ્તારમાં ગોળીઓના ધમાકા ગૂંજી ઉઠ્યા. બે આતંકીઓ ઠાર થયા, એક પકડાયો બે નાસી ગયા, સામે પક્ષે આપણે બાહોશ પોલીસ અધિકારી શર્મા ગુમાવ્યા.
સીમા બહાર થતું યુધ્ધ જાણે કે ઘરમાં પહોંચ્યું છે. પાડ માનો ભગવાનનો કે પોલીસને બાતમી મળી અને વધુ એક સિરિયલ બ્લાસ્ટનો ખેલ થતો અટક્યો. નહીતો આ આતંકીઓ ભીડભાડવાળા વિસ્તારમાં કેટલાય દિવસોથી આરામ ફરમાવી રહ્યા હતા. પણ કોઇને ભડક ના પડી. ક્યાં છે આપણી સલામતી ?
ચોંકાવનારી વાત તો એ છે કે આ અથડામણ બાદ ફ્લેટની તલાસી લેતાં પોલીસની આંખો પહોળી થઇ જવા પામી છે. ફ્લેટમાંથી મળી આવેલો સામાન અંદાજે 12 શખ્સોનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો આમ હોય તો બાકીના નવ શખ્સો ક્યાં ગયા, એ મોટો પ્રશ્ન છે. આ શખ્સોએ અહીં બેઠા બેઠા કયા કયા શહેરોને ટારગેટ બનાવ્યા હશે? આ નરાધમોના વિકૃત મગજમાં હજુ કયા શહેરોને લોહીવાળા કરવાનો મનસુબો ઘડાયો હશે ?
આ નાસી ગયેલા શખ્સોમાં સૌથી ખૂંખાર શખ્સ તૌકીર પણ હોવાનું બહાર આવી રહ્યું છે. હારેલો જુગારી બમણું રમે એમ જો માનવતાના આ દુશ્મનોનો વળતો ઘા કેવો અને ક્યાં હશે એ વિચારવુ જ રહ્યું ?
કાયરતા, લાલચ તેમજ મારે શુ? એ જ આપણો જ દુશ્મન છે. આપણી આસપાસ બનતી પ્રવૃતિઓથી જો આપણે સભાન નહી થઇએ તો આવનારા દિવસો આના કરતાં પણ ખરાબ હશે એ નક્કી છે. લોખંડવાલામાં તો માયાનો ખાત્મો થયો હતો અહીંયા માયા નાસી છુટવમાં સફળ રહ્યો છે. શૂટ આઉટ લોખંડવાલા બાદ સર્જાયેલ શૂટ આઉટ એલ-18 બાદ હવે શુ ?