Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું દિકરી હજુ પણ છે ' સાપનો ભારો' ?

14 કન્યાભ્રૂણ મળવાની ઘટના તેનો તાજો દાખલો

શું દિકરી હજુ પણ છે ' સાપનો ભારો' ?

જનકસિંહ ઝાલા

, સોમવાર, 19 એપ્રિલ 2010 (20:41 IST)
W.D
W.D
દેશની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કન્યા ભ્રૂળ હત્યાને રોકવા અને દીકરીઓને બચાવવા માટે કેટલાયે અભિયાન ચલાવી રહી છે જેના પર દરેક વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં આજે પણ દીકરીને સાપનો ભારો જ ગણવામાં આવી રહ્યો છે. આજ દિન સુધી ન તો કન્યાભ્રૂણ હત્યાના કેસ ઓછા થયાં છે અને ન તો આવનારા ભવિષ્યમાં તેના ગ્રાફમાં ઘટાડો આવવાની સંભાવના છે.

સવારે સવારે ચાનો કપ હાથમાં લેતી વેળાએ જો ભૂલથી પણ એવી ખબર આંખો સામે જોવા મળી જાય છે કે, આ વર્ષે કન્યાભ્રૂણ હત્યાના કેસોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે તો મંદ મંદ હસવાની આપણા પુરૂષપ્રધાન દેશને આદત પડી ગઈ છે. ચા નો કપ લેતી વેળાએ આવા સમાચારોનું માત્ર મથાળુ વાંચ્યા બાદ સામે બેઠેલી પત્ની તરફ એક નજર ફેરવી ધીરે ધીરે છાપાનું પન્નુ ફેરવીને બીજા સમાચાર વાંચવાની આપણી જીવનશૈલી બની ગઈ છે. જો એવું ન હોત તો આજે લક્ષ્મી સમાન દીકરીઓને જન્મ લેતા પહેલા જ માતાના ગર્ભમાં મૃત્યુને હવાલે કરતી વેળાએ આપણે મૌન બેઠા રહ્યાં ન હોત.

જો દિર્ધદૃષ્ટિ દેખાડતું કોઈ દૂરબીન આપની પાસે હોય તો તમે જુવો અહીં હરરોજ કોઈને કોઈ ખાનગી હોસ્પિટલ અથવા તો ક્લિનિકમાં બંધ બારણે મધર ટેરેસા, ઈંદિરા ગાંધી અથવા તો કલ્પના ચાવલાને જન્મ લેતા પહેલા જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. જો આવું જ થતું રહ્યું તો એક સમય એવો આવશે જ્યારે દેશમાં સ્ત્રીઓનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે.

ગુજરાતના બાપુનગરની ઘટના રૂવાળા ઉભી કરી દે છે. આજે અહીંની એક કચરાપેટીમાંથી 14 જેટલા માનવભ્રૂળ મળી આવ્યાં જેમાંથી મોટાભાગના કન્યાભ્રૂણ હતાં. વાત જાણે એમ બની કે, આ વિસ્તારમાં રાખેલી એક કચરાપેટીમાં બપોરના સમયે ચાર-પાંચ કુતરાઓ એક પોલીથીન બેગ માટે અંદરોઅંદર છિનાછપટી કરી રહ્યાં હતાં. શરૂઆતમાં લોકોનું ધ્યાન ન પડ્યું પરંતુ જ્યારે પોલીથીન તુટી ગઈ અને તેમાં રાખેલા માનવભ્રૂણો નજર સામે આવ્યાં તો ચકચાર મચી ગયો.

કોથળીમાં રાખેલા આ 14 ભ્રૂણોમાંથી અમુક પરિપક્વ હતાં તો અમુકના માત્ર અંગો જ હતાં. આ બાળકો કસુવાવડના કારણે મૃત્યુ પામ્યાં કે તેમને જાણી જોઈને મોતને ઘાટ ઉતારી દેવાયા તે પ્રશ્ન પણ હાલ વણઉકેલ્યો છે. આશ્વર્યની વાત તો એ પણ છે કે, આ ભ્રૂણ જે સ્થળેથી મળ્યાં તેનાથી માત્ર 100 પગલાઓના અંતરે એસઈપી ઓફિસ સ્થિત છે જ્યાં ચોવીસ કલાક પોલીસની નાકાબંદી રહે છે. તેમ છતાં પણ કુભનિંદ્રામાં ચોકીદારી કરનારા આ પોલીસકર્મીઓને એ ન ખબર પડી કે, આ ભ્રૂણ કોણ આવીને ફેંકી ગયું. આજે તો કોઈ ભ્રૂણ ફેંકી ગયું કાલે કોઈ બોમ્બ પણ ફેંકી શકે ત્યારે ગુજરાતની જનતાની સુરક્ષાનું શું ? એ પ્રશ્ન પણ આજે મારા મનમાં ચગડોળે ચડ્યો છે.

આ કામ માટે જેટલી ગુજરાત સરકાર જવાબદાર છે તેટલા જ જવાબદાર એ લોકો છે જેણે આ કામને અંજામ આપ્યો છે. જો આ કામ કોઈ ખાનગી હોસ્પિટલના સંચાલકો અથવા ક્લિનિકના કર્મચારીઓએ કર્યું હોય તો તેઓ પણ સજાના પૂરા હકદાર છે. કારણ કે, મેડિકલ વેસ્ટના નિયમો અનુસાર કોઈ પણ ભ્રૂણનો સાર્વજનિક રીતે નિકાલ કરવો એક અપરાધ અને દંડનિય કૃત્ય છે. જ્યારે અહીં તો એક બે નહીં પરંતુ પૂરા 14 માનવભ્રૂણોને કચરાપેટીના હવાલે કરી દેવામાં આવ્યાં.

ગુજરાત સરકાર 'બેટી બચાવો' અભિયાન માટે સમગ્ર રાજ્યમાં અનેક અભિયાનો ચલાવે છે ત્યારે આ ઘટના બાદ વિપક્ષ પાસે મુદ્દો મળી ગયો છે. કદાચ વિપક્ષ એવું પણ કહે કે, જે રાજ્યનો મુખ્યમંત્રી કન્યા બચાવો અભિયાનની વાત કરી રહ્યો છે એ જ રાજ્યમાંથી અનેક કન્યાભ્રૂણો કચરાપેટીમાંથી મળી આવે છે.

મુખ્યમંત્રી પોતાના દરેક પ્રવચનમાં લોકો સમક્ષ પ્રશ્ન કરે છે કે, દીકરી જન્મ લે એ પહેલા માતાના ગર્ભમાં એની હત્યા કરી નાખવાથી સમાજમાં કેવું સમતોલન સર્જાશે ? ત્યારે હવે લોકો પણ મુખ્યમંત્રીશ્રીને પ્રશ્ન કરી શકે છે કે, જે રાજ્યમાં કચરાપેટીમાંથી માનવભ્રૂણોનો કાફલો મળી આવે એ રાજ્યમાં પણ કેવું સમતોલન સર્જાશે.

ખૈર આ આલેખ લખી રહ્યો છું ત્યાં સુધી આ માનવભ્રૂણ ક્યાંથી આવ્યાં અને તેને ફેંકનારો કોણ તે અંગે જાણી શકાયું નથી. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત સરકારને જરૂર અપીલ કરીશ કે, આ અધમ કૃત્ય કરનારા લોકોને જેમ બને તેમ જલ્દી લોકોની સામે હાજર કરીને તેમની સામે કાયદેસરના પગલા લે. કારણ કે, આ ભ્રૂણ હત્યાં કોઈ શિશુની નહીં પરંતુ આ ભ્રૂણહત્યા આવનારી પેઢીના સ્વાસ્થ્યની ભ્રૂણહત્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati