'' ગુજરાતની ભૂમિ સંતોની ભૂમિ છે અહીં વર્ષોથી સંતોને માન અને દાન આપવામાં આવે છે એવામાં જો કોઈ સંત સામેથી અહીં આવીને રાજ્યના કન્યા કેળવણી ખર્ચમાં દાન આપે તો તેનો અર્થ એ જ થયો કે, રાજ્ય સાચી દિશામાં જઈ રહ્યું છે. ''
માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કદાચ એ સમયે જાણ ન હતી કે, તેમના મુખેથી જે વાક્ય નિકળી રહ્યું છે, જે વ્યક્તિના ગુણગાન તેમની જીભ કરી રહી છે એ જ વ્યક્તિ ભવિષ્યમાં તેમના માટે મુશ્કેલીઓ લઈને આવવાનો છે. એ વ્યક્તિના નામનો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં મીડિયા અને વિપક્ષ એકજૂથ થઈને તેમને અડફેટે લેવા તૈયાર થઈ જશે. આ વ્યક્તિનું નામ એટલે સ્વામી નિત્યાનંદ જેમની સેક્સ સ્કેન્ડલની સીડી આજે ભારતભરમાં ફરી રહી છે. આ વીડિયોમાં તમિલનાડુના 'તકસાધુ' નિત્યાનંદને બે તમિલ અભિનેત્રીઓ રંજિતા અને રાગસુધા સાથે કઢંગી હાલતમાં સેક્સ માણતા દર્શાવામાં આવ્યાં છે. જો કે, સ્વામીની સેક્સ સીડીમાં કેટલી સત્યતા છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, સ્વામી નિત્યાનંદના એક મિત્ર પરમાનંદને જૂનુ મનદુ:ખ રાખીને ઈન્ફોરમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ બનાવટી સીડી તૈયાર કરી છે. ખૈર આપણે આપણી મૂળ વાત પર આવીએ. વાત જાણે એમ છે કે, સપ્ટેમ્બર 2009 માં ગુજરાતના વડોદરા શહેરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ સ્વામી નિત્યાનંદનો એક સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દુનિયાને ભક્તિ મારફત મુક્તિનો માર્ગ દેખાડનારા સ્વામી નિત્યાનંદને ગુજરાતની જનતા સામે ભક્તિ, મુક્તિ, શક્તિની વાતો કરી હતી. મંચ પર માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હતાં. અતિથિસત્કારમાં નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત કથન ઉચ્ચાર્યુ જે મેં લેખના પ્રારંભમાં લખ્યું છે. બસ.. પછી તો મીડિયા અને વિપક્ષને મસાલો જ મળી ગયો. હવે મીડિયા કહ્યું રહ્યું છે કે, આવા પાખંડી બાબાઓ સામે નેતાઓ (નરેન્દ્ર મોદી) પોતાનું માથુ ઝુકવે છે જ્યારે બીજી તરફ કોગ્રેસના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ પણ મીડિયાના સૂરમાં સૂર પૂરાવીને કહી રહ્યાં છે કે, ' નરેન્દ્ર મોદીએ વડોદરામાં જઈને એક પાંખડી સાધૂના એટલા બધા ગુણગાન કર્યા કે, લોકલ એડમિનીસ્ટ્રેશન કઈ કરી જ ન શક્યું આ એ જ જણાવે છે કે, ગુજરાતમાં નેતાઓ અને સાધૂઓ વચ્ચે કેવુ ષડયંત્ર ચાલી રહ્યું છે.' અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, આખરે નરેન્દ્ર મોદીએ ખોટુ શું કર્યું છે ? ગુજરાતની ભૂમિ સંતોની ભૂમિ છે અહીં વર્ષોથી સંતોને માન-સન્માન અપાય છે. મોદીએ પણ એક સંતના આગમન સમયે તેમને માન અને સન્માન આપ્યું હવે એ સંત સારો વ્યક્તિ જ નિકળશે તેનું સર્ટીફિકેટ થોડી નરેન્દ્ર મોદી પાસે હતું ? રહી વાત તેમના કાર્યક્રમમાં હાજરી આપવાની. તેમા પણ મોદીએ કંઈ ખોટુ કર્યું નથી. આ નિત્યાનંદે ગુજરાતની કન્યા કેળવણી માટે લાખો રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી. ભાઈ કયા રાજ્યનો મુખ્યમંત્રી એવો હશે જે પોતાના રાજ્યમાં આવતી આર્થિક સહાયનો સ્વીકાર કરવા માટે રાજી ન થાય. તાજેતરમાં જ પ્રકાશિત એક સમાચારમાં, નરેન્દ્ર મોદી 23 કરોડની સિલીબ્રિટી જાહેર કરવામાં આવ્યાં. અર્થાત તેઓ જે પણ વ્યાવસાયિક સંસ્થાનોના ઉદ્ધઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહે છે ત્યાથી તેઓ અમુક રકમ લઈને બાદમાં તેનો ઉપયોગ રાજ્યના કન્યા કેળવણી ખર્ચ પાછળ કરે છે. મોદી આ પ્રકારે અત્યાર સુધીમાં 23 કરોડથી પણ વધુ રકમ એકત્રિત કરી ચૂક્યાં છે. ભાગ્યે જ ભારત દેશનો કોઈ મુખ્યમંત્રી હશે જે આ પ્રકારે કરતો હશે. મીડિયાને તો હમેશા મસાલો જોઈતો હોય છે. અય્યાશ ચિત્રકૂટ બાબાના દિલ્હીના નોર્થ એવન્યુમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના કીર્તિ આઝાદની હાજરી બાદ હવે નિત્યાનંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિને લોકો સામે રજૂ કરીને તે નરેન્દ્ર મોદીની છબીને બગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મીડિયા કદાચ એ વાત જાણતું નથી કે, આપણા આ દેશમાં છેલ્લા ઘણા સમયથી આવા ધર્મગુરૂઓ સફેદ વસ્ત્રો પહેરીને બંધ બારણે પોતાના કાળા કામ કરતા આવ્યાં છે. પછી ભલે તે ધીરેન્દ્ર બ્રહ્વચારી હોય કે, ચંદ્રા સ્વામી, આસારામ બાપૂ હોય કે, પછી સુધાંશુ મહારાજ, કોઈ સત્ય સાઈ હોય કે, એવા જ સ્વામી પરમ હંસ. તમામ બાબા લોકો ક્યારેક ક્યારેક, કોઈને કોઈ રીતે અનૈતિક અને આપરાધિક કૃત્યમાં સંડોવાયેલા મળી જ આવે છે. મીડિયા પણ પોતાની જૂની ટેવ મારફત તેઓની વાત ઉછાળે છે,કોઈ નિર્દોષ નેતા અથવા મોટી સેલીબ્રિટીને આ પ્રકરણમાં પરાણે ઘસેડવાનો પ્રયત્ન કરે છે. પોલીસ કેસ નોંધાય છે. પાંખડી બાબાઓની ધરપકડ પણ થાય છે અને છેલ્લે તેઓ છુટી જાય છે. આવા સમયે જો કોઈ રાજનેતા અથવા મોટી સેલીબ્રિટી આવા પાંખડી બાબાઓના કાર્યક્રમમાં પોતાના ફરજના ભાગરૂપે હાજરી આપે તો અંતે દોષનો ટોપલો તેમના પર ઢોળી નાખવો કેટલી હદ સુધી વ્યાજબી ગણાશે ? લાસ્ટ શોટ આ કળયુગમાં ધર્મના નામ પર જો કોઈએ પ્રગતિ કરી હોય તો તે છે મંદિરો, મઠો અને આ પ્રકારના ધાર્મિક સંસ્થાનોના ટ્રસ્ટ્રી અને દેખરેખ કરનારા લોકોએ અને તેમનાથી પણ વધુ પ્રગતિ કરી છે આ ધાર્મિક સંસ્થાઓના ધર્મગુરૂઓની જમાતે. કમાલની વાત તો એ છે કે, અધર્મનો પર્યાય ગણાતા આ યુગમાં આ ધર્માત્માઓ અને ધર્મગુરૂઓની સંખ્યા તો હવે એટલી થઈ ગઈ છે કે, કદાચ એટલી શતયુગ અને દ્વાપર યુગમાં પણ ન હતી.