ખરેખર તો ઝાડુ જ રાષ્ટ્રનું અંતિમ સત્ય છે, ઝાડુ સનાતન છે કારણ કે કચરો આપણે ત્યાં શાશ્ર્વત છે. જયાં સુધી દેશમાં કચરો રહેશે ત્યાં સુધી ઝાડુનો મહિમા રહેશે અને આ સ્વચ્છતાનું અભિયાન યુગો યુગો સુધી ચાલ્યા જ કરશે. અને એટલે જ અમે ઝાડુ લઇને ફોટા પાડવાની ઉતાવળ નથી કરી. ગમે ત્યારે પાડી લેશું! કચરાની કયાં કમી રહેવાની છે?
પણ હા, નેતાઓ અને સેલેબ્રિટીઓની નજર બીજા બધા કામોમાં એવી તે બીઝી હોય છે કે એમને આખા ભારતમાં કયાંય કચરો દેખાતો જ નથી એટલે એમનાં માટે કાર્યકર્તાઓ ખાસ કચરો રોડ પર બિછાવે છે અને પછી તેઓ ઝાડુ વાપરીને ફોટા પડાવે છે. ઘણા લોકોને આમાં દંભ કે નાટક લાગે છે. પણ ના, અમે સાવ એવું નથી માનતાં. તમે લગ્નનાં જમણમાં એકમેકને ગુલાબજાંબુ ખવડાવતાં ફોટા નથી પડાવતાં? તેથી શું લગ્નની મહિમા ઓછો થઇ જાય છે? નહિ ને? તમે મેકઅપ કરીને ફોટા નથી પડાવતાં? કચરો એ રસ્તાનો મેકઅપ છે. ઝાડુ એ સત્તાનો મેકઅપ છે. કચરો આપણે ૧૨૦ કરોડ લોકો કરીએ છીએ, રાધર આપણે લોકો જ છીએ. ઝાડુ, નેતાઓ વાપરીને સાફ કરી આપે છે. એમને એનો હક છે.
અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે હવે દેશમાં નવા નવા ડિઝાઇનર ઝાડુઓ વેચાવા જોઇએ. અરમાની, ગુચી જેવી ઇન્ટરનેશનલ ફેશન કંપનીઓએ હવે લેધરનાં, સિલ્કનાં, સ્માર્ટ ઝાડુઓ બનાવીને માર્કેટમાં મૂકવા જોઇએ. ડેનીમનાં બ્લૂ જીન્સનાં છૂછાં વાળા ઝાડુ કેવા સરસ લાગી શકે! સિલ્કનાં રેશાવાળા લહરોતાં ઝાડુ દેશની ગંદી સડક પર ફરે તો દેશની ગંદી શાન વધે! અને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ કે એમનાં ઘરનાં સભ્યો રોડ પર ઝાડુ વાળવા નીકળે તો સાદું સળીઓવાળું ઝાડુ એમને શોભે? એમણે તો ગોલ્ડન હાથાવાળા સોનાનું ઝાડુ અને એમાંથી લેઝર કિરણો નીકળતાં હોય એવું ઓટોમેટિક ઝાડુ વાપરવું જોઇએને? આમ જેવી જેની આર્થિક સ્થિતિ એવાં મોંઘા ઝાડુ વાપરવાનાં.
વળી જેમ ફેરિયાઓ માટે સ્પે.ઝોન હોય છે એમ સૌને ઝાડુ મારવાની તક મળે એ માટે સરકારે ઠેરઠેર કચરા ઝોન બનાવવા જોઇએ જેથી સૌને પૂરતી તક મળે. વળી ક્યાં ક્યાં કચરો છે એની એક ગાઇડ કે પુસ્તિકા ગામ-શહેરનાં સ્ટેશન-બસડેપો-એરપોર્ટ પર ઉપલબ્ધ પણ કરાવવી જોઇએ.
સડક સાફ કરીને સરસ ફોટા પડાવવા માટે ટેલિફોન બૂથની જેમ ગલીગલીએ ઝાડુ બૂથ ખોલીને સૌને ઝાડુ ભાડે પણ આપી શકાય. અથવાતો પહેલાનાં જમાનામાં ફોટોગ્રાફરો પોતાનાં નાનકાં સ્ટુડિયોમાં સિંહાસન, ફૂલદાની વગેરે રાખતા અને ત્યાં ચીતરેલાં પડદા પાસે બેસીને લોકો ફોટો પડાવતાં એ રીતે ફોટોગ્રાફરોએ પોતે જ ઝાડુ લઇને નીકળવાનું અને જેને સફાઇ કરવાનો મૂડ આવે એને આપી દેવાનાં! આજે આપણે જેમ આપણા બાપ-દાદાના ઘોડેસ્વારી કરતાં, ગોલ્ફ રમતાં ફોટાઓ જોઇને હરખાઇએ છીએ એમ આવનારી પેઢી આપણને હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતા જોઇને હરખાશે: ‘લૂક એટ ધીઝ, ચાય દાદુ, હી ક્લીન્ડ રોડ! શું કમીટેડ અને આદર્શવાદી લોકો હતાં ૨૦૧૪-૧૫માં! પોતાનાં કામધંધા છોડીને સફાઇ કરવામાં એમણે લાઇફ આપી દીધી!’
તો યારો સફાઇ કરો, મિથ-દંતકથા-ઇતિહાસ આમ જ રચાય. એટલે સૌ તૈયાર રહો. કાળાનાણાં છોડો, સફેદ કપડાં કાઢો. નવું ઝાડુ ઉપાડો, સાફ રસ્તો શોધો. થોડો કચરો વેરો. પણ ઝાડુ જરા દિલથી ઘુમાવો. અને હા, ચહેરો ગંભીર. હૈયામાં એક આશા ઉમંગ અને ૧-૨-૩ ક્લીક! વાઉ! સૌ કૂલ નો?