ભલું થજો દેશની સુપ્રીમ કોર્ટના એ જજનું કે જેમણે દિવાળી ઉપર ફટાકડા ફોડવાની મનાઈ ન ફરમાવી અને લોકોને સાયલેન્સરવાળા ફટાકડા ફોડવાની ફરજ ન પડી બાકી આ દેશમાં ગમે તે બાબત ઉપર ગમે ત્યારે ગમે તેવો પ્રતિબંધ આવી શકે છે. ઉતરપ્રદેશના દાદરીમાં કોઈ વ્યક્તિ મીટ ખાય કે દિલ્હીના કેરલ હાઉસમાં બીફ ખાય તો આવા બીફ ઉપર પ્રતિબંધ આવી જાય છે. ગુજરાતમાં હાર્દિક પટેલ છીંક ખાય તો ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ આવી જાય છે. એકાદી અમ્માનો ‘મુંડો’ બગડી જાય તો પોર્ન ફિલ્મો ઉપર પ્રતિબંધ આવતા વાર નથી લાગતી. જાતજાતના અને ભાતભાતના પ્રતિબંધોના વાતાવરણ વચ્ચે કેટલાક નાના બાળકોએ આ વખતે સુપ્રીમકોર્ટમાં એક અરજી કરીને દેશમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવાની અરજી કરી દીધી હતી. આમ તો 6 મહિનાથી 14 મહિનાની વયના ત્રણ ભુલકાઓના વાલીઓએ ભુલકાઓના નામે અરજી કરીને દિલ્હીમાં ફટાકડાને કારણે થતા પ્રદુષણ સામે દાદ માગી હતી. તેમનો મુદો દશેરા અને દિવાળીમાં ફોડાતા ફટાકડા બંધ કરીને પ્રદુષણમુકત વાતાવરણ પુરુ પાડવા માગણી કરી હતી.
પ્રથમ દ્રષ્ટિએ આ પ્રકારની માગણી થોડી આંચકો આપે તેવી પણ જણાઈ રહી હતી. ફટાકડા વગરની દિવાળી કેવી હોય તેની કલ્પ્ના માત્ર થઈ શકતી નથી. નાના હોય ત્યારે સાણસીની વચ્ચે ભરાવીને ફોડવામાં આવતા ચાંદલીયા અને બાકસ જેવી પેટીમાંથી નીકળતી ઘનવટી જેવી ટીકડીના આકારના સાપ સળગાવવાનો આનંદ કંઈક અનોખો હોય છે અને થોડા મોટા થયા પછી થમ્સઅપ કે પેપ્સીની બાટલીમાં રાખેલું રોકેટ ઉંચે ચડાવવું, સાવ સસ્તી મળતી ઉંદરડી હાથમાં રાખીને કોઈના ઉપર છોડવી કે પછી પતરાના ડબ્બા નીચે સુતળી બોમ્બ મુકીને તેનો ગેબી અવાજ કરાવવો એ દિવાળીના આનંદની ચરમસીમા હોય છે. દર વખતે બજારમાં નવા નવા પ્રકારના ફટાકડાઓ આવતા જોવા મળી રહ્યા છે. સાઈલેન્ટ મોડમાં રહેતી ફુલઝરથી શરૂ કરીને કાનમાં ધાક પાડી દેતાં લક્ષ્મી છાપ ટેટાની ભરમાર જોવા મળે છે. દશેરાના દિવસે રાવણના શરીરમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા ફટાકડાની ગુંજ દેવદિવાળી સુધી સંભળાતી રહે છે. આ દિવસો દરમિયાન હવાનું પ્રદુષણ પેદા થાય છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી અને નાના ભુલકાઓએ જે ફરિયાદ કરી છે તે મુજબ આ ધૂમાડો શરીરમાં જાય તો અમુક સંજોગોમાં તે નુકસાનકારક પણ હોય છે પરંતુ દિવાળીને બાદ કરતાં આખું વર્ષ વાહનોમાંથી જે ધૂમાડા ઓકવામાં આવે છે તેનું શું ? કે પછી મેક ઈન ઈન્ડિયાના આજના જમાનામાં મોટી મોટી ફેકટરીઓની ચીમનીમાંથી જે ચોવીસેય કલાક ધૂમાડાનું ઉત્સર્જન થતું રહે છે તેનું શું ? કેરોસીનથી ચાલતી રિક્ષાઓ પ્રત્યે કોઈએ કેમ ધ્યાન નથી આપ્યું ? આપણે ત્યાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાગળ ઉપર સરસ મજાનું કામ કરે છે અને છાશવારે જુદા જુદા ઉદ્યોગોને પ્રદુષણ ફેલાવવા બદલ નોટીસ પણ ફટકારે છે પરંતુ આ નોટીસને કારણે પ્રદુષણ ઓછું થયાનું કયારેય જોવા મળ્યું નથી. જો ફેકટરીઓ, વાહનો કે ચીમનીઓમાંથી નીકળતા ધૂમાડાઓ આરોગ્યને નુકસાન પહોંચાડતા ન હોય તો ફટાકડાનો ધૂમાડો કઈ રીતે નુકસાન પહોંચાડે ? અર્જુન ગોપાલ, આરવ ભંડારી અને ઝોયા રાવ ભસીન નામના બાળકોએ સુપ્રીમ કોર્ટમાં જે પીટીશન કરી હતી તેમાં તેમણે (અલબત તેમના વકિલોએ) લખ્યું હતું કે તહેવારોની મોસમમાં ફટાકડાઓના વ્યાપક વપરાશથી થતા પ્રદુષણને કારણે સંવેદનશીલ શિશુઓ દમ-અસ્થમા જેવા ગંભીર રોગોનો શિકાર બને છે અને તેમની ફેફસાની સ્થિતિ વકરે છે. એક એવી દલીલ પણ કરવામાં આવી હતી કે નાના બાળકો અસ્થમા, ઉધરસ, બ્રોન્કાઈટીસ, મજ્જાતંતુઓના તંત્રના મંદ કે નબળા વિકાસ જેવા ફેફસાના રોગોના સૌથી વધુ નિશાન બને તેવા હોય છે. વળી કાયમી નુકસાન થવાની પણ સંભાવના હોય છે. આ બાળકોએ પોતાની પીટીશનમાં મુખ્ય માગણી ફટાકડાનો અવાજ, તેનો ધૂમાડો અને આતશબાજી રોકવાની કરી હતી. એક રીતે જોવા જઈએ તો ફટાકડા ફોડવાના કારણે સામાન્ય માણસને પણ ખાંસી આવતી હોય તેવું આપણને જોવા મળ્યું છે. તહેવારોના દિવસોમાં નાના બાળકોને લઈને માતા-પિતા ડોકટરના દવાખાનાઓમાં પણ જતા હોય છે પરંતુ કોઈ મા-બાપ બાળકને ખાંસી થશે તેવી બીકમાંને બીકમાં તેને ફટાકડા જોવા ન લઈ જતા હોય તેવું બનતું નથી. એક એવી દલીલ થાય છે કે બાળકો જ નહીં પરંતુ કેટલાક સંજોગોમાં વૃધ્ધ લોકોને પણ ફટાકડાની સિઝન અસ્વસ્થ કરી દે છે. આ દલીલ સામે કેટલાક જાણકારો એવું પણ કહે છે કે ફટાકડા ન ફોડયા હોય અથવા તેના ધૂમાડાનો અનુભવ ન કર્યો હોય તેવા લોકો પણ શ્ર્વાસ, દમ અને અસ્થમાથી પીડાતા હોય છે. સુપ્રીમ કોર્ટ પાસે જે પીટીશન આવી હતી તે જજ માટે પણ મુંઝવણ ઉભી કરે તેવી હતી. આ પીટીશન ઉપર દિવસો સુધી સુનાવણી થયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવાની માગણી ફગાવી દીધી હતી. જો કે કોર્ટે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા નહીં ફોડી શકાય તેવું કહીને આંશિક પ્રતિબંધ જર મુકયો છે. કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે ફટાકડા ફોડવા તે દરેક વ્યક્તિનો બંધારણીય અધિકાર છે અને તેને છીનવી શકાય નહીં. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજય અને કેન્દ્ર સરકારનો કાન આમળતા કહ્યું હતું કે તેઓએ હવાના પ્રદુષણથી થતા રોગો સામે જનજાગૃતિ લાવવી જોઈએ અને આ માટે અખબારોમાં જાહેરખબરો આપવી જોઈએ. એક રીતે જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે ફટાકડા વાળો મામલો તો લગભગ પુરો થઈ ગયો છે પરંતુ આવનારા દિવસોમાં વળી કોઈ ધૂળેટીના રંગને કારણે અમારા કપડા બગડે છે, સંક્રાંતમાં પતંગ ઉડાડવાને કારણે પક્ષીઓ મરી જાય છે, નવરાત્રીમાં ઢોલ પીટાતા હોવાથી શાંતિને ખલેલ પહોંચે છે અને શ્રાવણ મહિનામાં મેળાઓને કારણે ગંદકી ફેલાય છે તેવા કારણો આપીને પ્રતિબંધ મુકવાની માગણી કરે તો પણ નવાઈ પામવા જેવું નહીં રહે.
આ તો છે આપણા બકાનું ગણિત .. આ અંગે તમારી શુ દલીલ છે ... ? જો બકા દરેકનું સાંભળવાની ટેવ તો હોવી જ જોઈએ હો...