Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'સ્વાઈન ફ્લૂ' સામે 'ટેમિફ્લૂ' નું ગણિત

'ટેમિફ્લૂ' નો ઉપયોગ કરતા પહેલા થોડા ચેતજો...

'સ્વાઈન ફ્લૂ' સામે 'ટેમિફ્લૂ' નું ગણિત

જનકસિંહ ઝાલા

ભારતમાં 'સ્વાઈન ફ્લૂ' નામની નવી બીમારીએ હવે પૂરતો પગપેસરો કરી લીધો છે. સરકાર તથા મીડિયાએ આ બીમારીને જરૂરિયાત કરતા વધુ પડતી ખતરનાક જણાવતા હવે તો થોડી પણ શંકા ઉદ્દભવતા
PTI
PTI
લોકો હાફળા-ફાફળા થઈને હોસ્પિટલ તરફ નાસભાગ કરવા લાગ્યા છે. હોસ્પિટલોમાં પણ દરદીઓની સંખ્યા અપેક્ષા કરતા વધુ થઈ ગઈ છે અને જે દરદીઓને સાચે જ સારવારની જરૂરિયાત છે તેવા દરદીઓ સારવારથી વચિંત રહેવા લાગ્યાં છે.


દુ:ખની વાત છે કે, હજુ સુધી આ ફ્લૂ સામે લોકોને સહયોગ આપવા માટે કોઈ સામાજિક સંસ્થાઓ અને જવાબદાર લોકો આગળ આવ્યાં નથી. ભારત સરકાર પાસે પણ આ બીમારી સામે પૂરતુ રક્ષણ આપે તેવી કોઈ દવાઓ નથી અને ડિસેમ્બર-જાન્યુઆરી માસ પહેલા આ પ્રકારની કોઈ દવા ભારતમાં નિર્માણ પામશે તેની પણ કોઈ સંભાવના નથી.

જો આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાના દેશમાં 'સ્વાઈન ફ્લૂ' વિરોધી રસીનું નિર્માણ કરશે તો કદાચ ભારતમાં આ દવા સત્વરે પહોંચી શકશે. દેશની સીરમ ઇંસ્ટીટ્યૂટ, ભારત બાયોટેક અને પૈનેશિયા જેવી કંપનીઓ હાલ દિવસ રાત જોયા વગર આ દવાની શોધમાં લાગી ગઈ છે.

હકીકતમાં જોઈએ તો ઇન્ફલુએન્ઝા (તાવ) કોઈ નવી બીમારી નથી. આ તો વર્ષોથી અસ્તિત્વમાં છે અને આ બિમારીના કારણે સમગ્ર દુનિયામાં દર સો વ્યક્તિએ એક વ્યક્તિનું (એ પણ સમયસર સારવાર ન મળવાથી) મૃત્યુ નિપજે છે. સામાન્ય રીતે એક વયસ્ક વ્યક્તિ જે ઈન્ફ્લુએન્ઝાનો ભોગ બન્યો છે તે પર્યાપ્ત આરામ અને દ્વવ્ય (લિક્વીડ)નું સેવન કરીને આ બીમારીથી છુટકારો મેળવી શકે છે. હા જે લોકોને હોસ્પિટલમાં ભરતી કરવા જરૂરી જ છે તેઓ પણ અમુક તબીબી સારવારને અંતે ઈન્ફ્લ્યૂએંઝાને 'આવજો' કહી શકે છે. બાળકો અને વૃદ્ધોની શારીરિક રચનાને કારણે તેમના બિમાર પડવા પર વધુ ખતરો રહે છે.

'સ્વાઈન ફ્લૂ' ફ્લૂ વાયરસનું એક નવું સંસ્કરણ છે અને તેની સામે લડવા માટેની પ્રાકૃતિક રોગક્ષમતા કોઈ પાસે નથી. જો કે, એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિની પ્રતિરક્ષા પ્રણાલી સામાન્ય રીતે આ વિષાણુથી લડવા માટે અને બચવા માટે સક્ષમ છે.

અગાઉ જણાવ્યું એ મુજબ આ વાયરસના સંક્રમણ વિરુદ્ધ કોઈ પ્રભાવી દવાઓ પણ નથી. અમુક દવાઓ છે જે અન્ય તબીબી શરતો સાથે રોગીઓની મદદ કરી શકે છે. જો સંક્રમણ ફેલાયું હોય અને તરત જ આ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો તે અમુક હદ સુધી ફાયદાકારક નિવડી શકે છે.
webdunia
ND
N.D
'ટેમિફ્લૂ' એક એવી જ દવા છે જે આ વાયરસના સંક્રમણને રોકવામાં મદદરૂપ થાય છે. જો કે, આ દવાની અમુક સાઈડ ઈફેક્ટ્સ પણ છે. પ્રથમ તો એ કે, આ દવાનું સેવન બાળકોને તો કદી પણ ન કરાવવું જોઈએ અને બીજું એ કે, જો વધુ પડતું આ દવાનું સેવન કરવામાં આવે તો ક્યારેક તે 'સ્વાઈન ફ્લૂ' વાયરસના સંક્રમણને જરૂરિયાત કરતા વધુ ફેલાવી નાખે છે. એક વાત જરૂર જાણી લો કે, ભારતમાં જેટલા પણ લોકો 'સ્વાઈન ફ્લૂ' ના કારણે મૃત્યુ પામ્યાં તેમાથી મોટાભાગના લોકો 'ટેમિફ્લૂ મેડિકેશન' હેઠળ હતાં.


ભારત સરકારની બુદ્ધિમતાની અહીં હું જરૂર પ્રશંસા કરીશ કારણ કે, તેણે હજુ સુધી માર્કેટમાં 'ટેમિફ્લૂ' ની દવાઓના વેચાણ પર અંકુશ રાખ્યો છે. જો તે સમગ્ર મેડિકલ સ્ટોર્સમાં મળી રહેતી હોત તો ડરના માર્યા આપણા દેશના લોકોએ 'સ્વાઈન ફ્લૂ'ના લક્ષણ દેખાયા ન હોવા છતાં પણ તેની બહોળા પ્રમાણમાં ખરીદી કર્યા બાદ તેનું સેવન પણ કર્યું હોત. જેના મુખ્યત્વે બે ભયાનક પરિણામો આપણી સામે આવી શકતા હતાં.

* પ્રથમ તો એ કે, દેશના મોટાભાગના લોકોમાં આ દવાના પરિણામે કોઈના કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી હોત.
* બીજું એ કે, 'ટેમિફ્લૂ' ના લગાતાર સેવનથી 'સ્વાઈન ફ્લૂ' નું એક નવું જ રૂપ લોકો સામે ખતરો બનીને આવ્યું હોત.

'સ્વાઈન ફ્લૂ' સામે લડવાનો શ્રેષ્ઠ વિકલ્પ માત્ર એક જ છે કે, આ વાયરસ મુદ્દે દેશની દરેક જનતામાં જાગૃતતા કેળવવામાં આવે. અન્ય તાવની જેમ આ તાવને ફેલાવનારા સંક્રમણને રોકવાના નક્કર પગલા ભરવામાં આવે.(હાથ ધોવા,મો-નાક આડે રૂમાલ રાખવો, માસ્ક પહેરવું, ટોળા વચ્ચે ન ઉભું રહેવું વગેરે..વગેરે..) બાળકો અને વૃદ્ધો જો કોઈ સારવાર હેઠળ હોય તો તેને અન્ય કોઈ બીજી સારવાર ન આપવામાં આવે તેમજ લોકોના મનમાંથી અફવાઓ અને ડરને દૂર કરવામાં આવે.

મીડિયા અને વર્તમાન પત્રોને પણ અપીલ કે, તે વારંવાર મૃતાંક સંખ્યાના મોટા મોટા હેડિંગ આપવાનું બંધ કરે, પ્રસિદ્ધ યોગ બાબાઓ પણ ટીવી ચેનલો પર આવીને લોકહિતને ધ્યાનમાં રાખીને જો તેમને પૂરતો વિશ્વાસ હોય તો જ આ ફુફ્ફ્લુસ શ્વાસ રોગ (સ્વાઈન ફ્લૂ'નું આયુર્વેદિક નામ) વિષે કોઈ આર્યુવેદિક દવાનું સૂચન કરે.

ઉપરોક્ત તમામ પગલાઓ જો હાથ ધરવામાં આવશે તો કદાચ 'સ્વાઈન ફ્લૂ' ના કથિત રીતે કહેવાતા આ ભયાનક ફાંસામાથી આપણને મુક્તિ મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati