Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરુષો પણ રડી શકે છે...હસતા હસતા રડી પડે ભઇ....માણસ છે...

પુરુષો પણ રડી શકે છે...હસતા હસતા રડી પડે ભઇ....માણસ છે...
, મંગળવાર, 17 માર્ચ 2015 (14:36 IST)
વરસ પહેલાં મે મહિનામાં જ્યારે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતીથી જીત બાદ પાર્લામેન્ટના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં પ્રથમ પ્રવચન આપતી વખતે આંસુને રોકવાના પ્રયત્નો કર્યા હતા, તે સમયે મોદી શું બોલ્યા હતા તે કદાચ કોઈને યાદ નહીં હોય પરંતુ, છપ્પનની છાતી ધરાવનાર મોદીની આંખો ભીંજાઈ હતી તે દરેકને યાદ હશે. એ જ સેશનમાં પહેલાં લાલકૃષ્ણ અડવાણી પણ રડ્યા હતા. પુરુષો પણ રડી શકે છે તેમાં હવે કોઈને નવાઈ નથી રહી, કારણ કે અનેક મહાનુભાવોને આપણે રડતાં જોયા છે. પુરુષો રડે નહીં તે બાબત હવે મિથ એટલે કે માન્યતા હતી એમ કહેવું પડે. અથવા લખવા માટે આ સારો ટોપિક બની શકે એમ છે. પરંતુ, હજી જાહેરમાં કોઈ પુરુષ રડે ત્યારે તેની ચર્ચા થાય છે. લોકોને કુતૂહલ થાય છે, કારણ કે જાહેરમાં રડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી એ હવે સહજતાથી સ્વીકારાય છે. પણ રડનાર માટે કે તેઓ જે તે સમયના સાક્ષી બને છે તેના માટે પણ ઓકવર્ડ પરિસ્થિતિ કેટલીકવાર પેદા થતી હોય છે.

અમેરિકાનો પ્રથમ બ્લેક રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આંખમાંથી પણ પ્રેસિડેન્સિયલ ઇલેકશનની છેલ્લી સ્પીચ આપતાં આંસુની ધાર વહી રહી હતી. એટલું જ નહી, તેમની જીત બાદના પ્રથમ વક્તવ્ય સમયે પણ ઓબામાની આંખો ભીની થઈ હતી અને સાથે ત્યાં હાજર કે ટીવી દ્વારા જોતાં શ્રોતાઓની આંખો પણ ભીની થઈ હતી. દુખમાં જ નહીં સુખમાં મોટાભાગના પુરુષો આંસુને રોકી શકતા નથી. અરવિંદ કેજરીવાલનું રુદન પીડામાંથી આવ્યું હતું પરંતુ, પીડામાં રડતાં પુરુષની સાથે મોટેભાગે કોઈને સહાનુભૂતિ નથી થતી, કારણ કે મર્દ કો દર્દ નહીં હોતા એ માન્યતા જાણે-અજાણે ભાગ ભજવતી હશે. પણ ખુશીમાં ભીની થતી આંખો પુરુષની પ્રતિભામાં વધારો કરે છે. ઓબામા પ્રેસિડેન્સિયલ ઇલેકશન જીત્યા બાદ પોતાના કાર્યકરોનો આભાર માનતી સમયે રડી પડ્યા હતા તેની નોંધ દરેક અખબાર અને ટેલિવિઝનવાળાએ લીધી હતી. તો પાર્લામેન્ટના પગથિયે માથું ટેકવીને દાખલ થયા બાદ પ્રથમવાર વક્તવ્ય આપતાં રડવાને ખાળવાના પ્રયત્નો અંગે પણ નોંધ લેવાઈ હતી.

આજે ભલે આમ આદમી પાર્ટી સાથે કેજરીવાલને યાદ કરવામાં આવે પણ આમ આદમીને મશહૂર બનાવનાર કાર્ટૂનિસ્ટ સ્વ. આર કે લક્ષ્મણ એક એવૉર્ડ સ્વીકારતી સમયે જાહેરમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. હાલમાં જ્યોતિન્દ્ર જૈન જે મ્યુઝિયોમોલોજિસ્ટ છે તેઓ પોતાના સ્વ. ભાઈ પવનકુમાર જૈનના પુસ્તક વિમોચન સમયે સ્ટેજ પર રડી પડ્યા હતા. તેમને અફસોસ હતો કે તેઓ ભાઈ જ્યારે જીવતા હતા ત્યારે તેમની નજીક નહોતા રહી શક્યા. તેની સાથે સંવાદ નહોતા સાધી શક્યા. મોટેભાગે પુરુષો પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી શકતા નથી. પ્રેમ કે કાળજી પણ તેઓ એક ડિસ્ટન્સ સાથે કરતાં હોય છે. પરંતુ, જીવનમાં જ્યારે એ વ્યક્તિ ન રહે કે કોઈ આઘાત લાગે ત્યારે એ બાંધ તૂટી પડતો હોય છે. જ્યારે સામે પક્ષે વાત વાતમાં રડી પડતી સ્ત્રીઓ આવા પ્રસંગોએ કઠોર થઈ જતી હોય છે.

આપણે અનેકવાર આસપાસના લોકોની નિવૃત્તિના સમયે કે કોઈ આભાર માનતા આંખો ભીની થયેલી જોઈ હશે. સારી-નરસી દરેક વાતે કેટલાકની આંખો ભરાઈ આવતી હોય છે. એવો પ્રશ્ર્ન થઈ શકે કે એવું કેમ હશે કે કેટલીક વ્યક્તિઓને વારંવાર રડવું આવી શકે ? તો કેટલીક વ્યક્તિઓ માટે રડવું સહેલું નથી હોતું. ખાસ કરીને જ્યારે તેને રડવાની જરૂર લાગતી હોય. તો વળી ક્યારેક રડવાનું યોગ્ય ન હોય છતાં રડવું આવે ને તેને ખાળવું કેટલું કઠિન બની રહે છે. શા માટે રડવું ? અને શા માટે ન રડવું ? આ અંગે અનેક સંશોધનો થયા છતાં કેટલાય સવાલોના જવાબો હજી પણ સંશોધનકારોને નથી મળ્યા.

સાન્ટા મોનિકા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્ટાફ સાયકોલોજિસ્ટ ડૉ. સ્ટિફન સાઈડઓફ્ફનું કહેવું છે કે રડવું તે લાગણી વ્યક્ત કરવાનો એક પ્રકાર છે, ખાસ કરીને જ્યારે તમે દુખી હો કે કોઈપણ પ્રકારની પીડા અનુભવતા હો. પણ ક્યારેક સૌંદર્ય જોતાં પણ આંખ ભરાઈ આવતી હોય છે. અદ્ભુત સંગીત સાંભળતા કે દૃશ્ય જોતાં પણ આંખોમાં પાણી આવી જાય છે, કારણ કે તમે ત્યારે પોતાની જાતને વીસરી ગયા હો છો. તે ક્ષણોમાં વહી ગયા હો છો. તો કેટલાક સાયકોલોજિસ્ટ- સાયન્ટિસ્ટો કહે છે કે જ્યારે આનંદમાં કે ખુશી વ્યક્ત કરતાં રડી પડીએ છીએ, કારણ કે આપણું શરીર મનની લાગણીઓની સાથે સંતુલન સાધતું હોય છે. દરેક લાગણીઓ આપણા શરીરમાં કેમિકલ ફેરફાર કરતું હોય છે. એ કેમિકલ ફેરફારની સામે આપણું શરીર બેલેન્સ રાખવાની કરામત જાણે છે. એટલે જ ભયમાં આપણા શરીરની ગતિવિધિ બદલાય છે અને આનંદમાં પણ બોડી લેંગ્વેજ બદલાય છે. એ જ રીતે આંસુ પણ લાગણીઓની પ્રતિક્રિયા છે. પુરુષો રડે નહીં એ માન્યતાને કારણે તે લાગણીઓની પ્રતિક્રિયાના વેગને રૂંધે છે. બાકી લાગણીઓ પુરુષ કે સ્ત્રી શરીરમાં સરખી જ હોય છે.

વ્હાય મેન નોટ કમિટ પુસ્તકના લેખક સાયકોલોજિસ્ટ જ્યોર્જ વેઈનબર્ગ સ્ત્રીઓને ચેતવણી આપતાં કહે છે કે પુરુષોના દરેક આંસુને લાગણી માની લેવાની ભૂલ પણ ન કરવી, કારણ કે એવું પણ બની શકે કે બીજી કોઈ જ રીતે લાગણીઓ વ્યક્ત કરી ન શકતા હોવાને કારણે તે ફક્ત કામ કઢાવી લેવા પૂરતો આંસુઓનો ઉપયોગ કરતાં હોય છે. આવા પુરુષો પોતાની રીતે વાત ન બને ત્યારે નાનું અમથું રડી લેતા હોય છે. ટોક્સિક લાગણીઓ આ રીતે શરીર રિલીઝ કરતું હોય છે. કદાચ આ જ કારણે આપણે ત્યાં પુરુષોના આંસુને મગરના આંસુ પણ કહેવાતા. આવા પુરુષો સેક્સ અને ક્રોધને આક્રમક રીતે વ્યક્ત કરવો એ પૌરુષીય હોવાનું માને છે.

દરેક પુરુષ મગરનાં આંસુ નથી વહેડાવતા. સંવેદનશીલ પુરુષની આંખો કરુણ ફિલ્મ જોતાં કે કોઈ ભાવનાત્મક પ્રસંગે કે આનંદના પ્રસંગોએ ભરાઈ આવતી હોય તો જાણજો કે એ પુરુષ પોતાના પૌરુષત્વને યોગ્ય ન્યાય કરી રહ્યો છે. તે પોતાની લાગણીઓને સંતુલિત રીતે જાળવી શકે છે અને તે પુરુષ સામી વ્યક્તિની યોગ્ય રીતે કાળજી પણ કરી શકે છે. સંવેદના વ્યક્ત ન કરી શકે તે માણસ નહીં પણ રોબોટ જ હોઈ શકે.

Share this Story:

Follow Webdunia gujarati