Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવુ વર્ષ....ઉત્સાહ, ઉમંગોનો દરિયો

સુખ, શાંતિ, સમૃધ્ધિ રાહ જોઇ રહી છે....

નવુ વર્ષ....ઉત્સાહ, ઉમંગોનો દરિયો

હરેશ સુથાર

, ગુરુવાર, 1 જાન્યુઆરી 2009 (13:30 IST)
P.R

નવા વર્ષના સોનેરી પ્રભાતે ઉમંગ, ઉત્સાહ, ખુશીઓનો સાગર ઘુઘવાઇ રહ્યો છે. સમસ્યાઓથી ઘેરાયેલા, પીંખાયેલા, કચડાયેલા વર્ષ 2008ના અંધારીયા દિવસોને ઉલેચી ફેંકવા થનગની રહ્યો છે. ગત વર્ષની સાપેક્ષમાં આવનાર સમય સૌના માટે ઉજળો છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ ભૂતકાળમાંથી ભવિષ્ય માટે બોધ લેવાની જરૂર છે. નિર્બળતાઓને જ પોતાની શક્તિ બનાવવાની શીખ આપણે લેવા જેવી છે. નવી પ્રભાતે શક્તિરૂપી દરિયાના મોજા બની સમસ્યારૂપી પથ્થરો સાથે ટકરાવાનું છે અને રસ્તો કરવાનો છે.

માનવ મન શક્તિનો ભંડાર છે. એમાં ગજબની તાકાત છે. સર્જનશીલતા છે. જરૂર છે માત્ર એને ઢંઢોળવાની. આવનાર સમયને પોતાની ઝોળીમાં સમાવવો હશે તો દરેક વ્યક્તિએ આ કળા શીખવી પડશે અને એમાં પારંગત થવું પડશે. આપણે જ આપણા ગુરૂ બનવાની જરૂર છે. પોતાની કમજોરીઓ જાણી એને સુધારવાની છે. સાથોસાથ આવનાર સમયમાં એકસ્ટ્રા સ્કિલ પણ વધારવી પડશે. નવા વર્ષ દરમિયાન હું મારા કામની સાથે સાથે મારી અંદર કોરાણે મુકાઇ ગયેલા સારા શોખને વિકસાવીશ એવો નિશ્વય કરવાનો છે. અંગેજી નહી જાણનારે અંગ્રેજી શીખવાની તથા અંગ્રેજી જાણનારે વધુ એક વિદેશી ભાષા જાણવાનો નિશ્વય કરવાનો છે. આમ કરવાથી આત્મવિશ્વાસ વધશે.

આર્થિક મંદી, આતંકવાદ, બેરોજગારી સહિતની વૈશ્વિક સમસ્યાઓ સામે સૌ કોઇ લાચાર છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત તો સારી બની છે કે, આ સમસ્યાઓનો સામનો કરવા માટે સૌ કોઇ એક થઇ રહ્યા છે. સહકારની ભાવના કેળવી સમસ્યાઓના પડકાર માટે સજજ બની રહ્યા છે. આધુનિકતાની આડમાં એક તબક્કો એવો આવ્યો હતો કે, માણસ આસપાસના વાતાવરણને ભુલી ગયો હતો. જોકે ગત વર્ષમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જેમાં લોકો પોતાના વાદ-વિવાદ ભુલી એકબીજાને મદદ માટે દોડી આવ્યા હતા.

વિતેલા વર્ષની કાલીતો જોયા બાદ રાજકીય, ધાર્મિક કે પંથના વાડાઓની ઝંઝટમાં પડ્યા સિવાય આપણે સૌ એક માનવી છીએ એ સમજ કેળવી તકવાદીઓને લપડાક આપવાની છે. રાષ્ટ્ર ભક્તિ બતાવી દેશના દુશ્મનોને ખુલ્લા પાડવાના છે. તો આવો સૌ સાથે મળી પરસ્પર નૂતન વર્ષની શુભેચ્છાઓની આપલે કરી, સમસ્યાઓના સમાધાન માટે એક થઇએ....મજબૂત બનીએ.....સુખ, શાંતિ સમૃધ્ધિ આપણી રાહ જોઇ રહી છે....

Share this Story:

Follow Webdunia gujarati