Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચારિત્ર્યનું થયું જાહેરમાં ચિરહરણ..!

પટનામાં નરાધમો ભાન ભૂલ્યાં..!

ચારિત્ર્યનું થયું જાહેરમાં ચિરહરણ..!

જનકસિંહ ઝાલા

''નારી કા સન્માન કરો, મત ઉસકા અપમાન કરો, નારી તો હૈ નારાયણી''

W.D
W.D
પટનાનાના એક્જિબિશન રોડ પર ધોળા દિવસે એક મહિલાઓનું જાહેરમાં ચિરહરણ કરનારા નરાધમો આ વાત ભૂલ્યાં અને એક એવું હિન્ન કૃત્ય કરી બેઠા જેણે સમગ્ર દેશમાં ઉહાપોહ મચાવી દીધો.

અહીં જાહેરમાં એક મહિલાની આબરૂ ઉતારવામાં આવી. તે હાથ જોડી રહી હતી, પગે પડી રહી હતી તેમ છતાં પણ પોતાને મરદ (મર્દ) કહેનારી પુરૂષોની એક ટોળી તલાશી લેવાના બહાને જાહેરમાં તેના કપડા ઉતારી રહી હતી. કેટલાક પુરૂષો તો પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ ખેંચી રહ્યાં હતાં.

આવી જ એક અન્ય ઘટના મુંબઈના ઘાટકોપર રેલવે સ્ટેશન પર ઘટી જ્યાં ઔરંગાબાદથી આવેલી એક યુવતી સાથે પ્રથમ છેડતી અને ત્યારબાદ બળાત્કાર કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાક્રમ પણ કેટલાક સીસીટીવી કેમેરાઓ પર કેદ થઈ રહ્યો હતો તેમ છતાં પણ હમેશા કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાનું બીડું ઝડપનારું પોલીસ તંત્ર કુંભનિંદ્રામાં સુતેલું રહ્યું.

જ્યારે દબાણ આવ્યું ત્યારે અહીંના પ્રશાસને પોતાની કહેવાતી કામગિરીના ભાગરૂપે તપાસનો આદેશ આપી દીધો અને કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરી દીધા.

પટનાની ઘટનાએ તો દેશભરના મહિલા સંગઠનો વચ્ચે ઘણી હલચલ મચાવી દીધી છે. મહિલા પંચે આ ઘટનાની ન તો માત્ર નિંદા કરી છે પરંતુ ન્યાય પણ અલગ રીતે દેવા માટે માગણી કરવામાં આવી. વિપક્ષી પક્ષોએ રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદની કાર્યવાહી અટકાવી દીધી. રાજ્ય માનવાધિકાર આયોગ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ અને રાષ્ટ્રીય મહિલા પંચે રાજ્ય સરકારને નોટિસ ફટકારી દીધી. જેના કારણે રાજ્યના મુખ્યમંત્રી નિતીશ કુમારના કપાળે પણ આ ઘટનાના કારણે ચિંતાના વાદળો દેખાવવા લાગ્યાં.

નરાધમોએ પણ પોતાના સ્વબચાવમાં કોઈ કસર ન છોડી તેઓએ પીડિત યુવતીને 'વેશ્યા' કહીને સંબોધિત કરી. 24 કલાક ચટાકેદાર અને મસાલેદાર ખબરો પીરસનારી અને હમેશા ટીઆરપી વધારવાના ચક્કરમાં રહેનારી કેટલીક સમાચાર ચેનલોએ તો આ ઘટનાક્રમનું જીવંત પ્રસારણ દેખાડ્યું. હા તેમણે પોતાના હેડિંગ્સમાં 'વેશ્યા' ને બદલે 'કોલગર્લ' નામનો આધુનિક અંગ્રેજી શબ્દ જરૂર વાપર્યો.

આખો દિવસ આ સમાચાર પ્રસારિત થતાં રહ્યાં પરંતુ કોઈ એ બતાવવા માટે તૈયાર ન થયું કે, આખરે પીડિત મહિલાનું જાહેરમાં ચિરહરણ શા માટે કરવામાં આવી રહ્યું છે. ગુજરાતીમાં એક કહેવત છે કે, 'ટોળું ન પડે કદી મોળુ'' અર્થાત ટોળાએ કોઈ ન પહોંચી શકે તેનો પોતાનો એક અલગ કાયદો હોય છે તેને કાબૂમાં લેવું ઘણું કઠીન છે. ત્યાં કોઈનું પણ ચાલતું નથી. અહિયા પણ એક ટોળું જ હતું જેમાં વ્યક્તિ માનવ મટીને હૈવાન બની ગયો હતો અને પશુઓ કરતા પણ ઘણું નિચ્ચ કૃત્ય કરી રહ્યો હતો.

કહેવાનું એ થાય છે કે, એ યુવતીનો પેશો કોઈ પણ હોય પરંતુ કાયદો હાથમાં કઈને કોઈ પણ સ્ત્રીને જાહેરમાં નિવસ્ત્ર કરવાનો પ્રયાસ સમાજને પડતી તરફ લઈ જનારા મૂલ્યો તરફ ઈશારો કરી રહ્યાં છે. અધુરામાં પુરુ આવી ઘટનાઓને ટીવી પર જોયા બાદ દેશની કરોડો મહિલાઓના મનમાં ભય ફેલાઈ ચૂક્યો છે.

તેઓના મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠ્યો હશે, મહાભારતમાં જ્યારે જુગઠું હારી ગયેલા પાંડવોની પત્ની દ્રોપદીનું ભરસભામાં ચિરહરણ કરવામાં આવ્યું ત્યારે તેની વ્હારે સ્વયંભૂ ભગવાન શ્રીકૃષ્ણ આવેલા પરંતુ જો આવી કોઈ ઘટના તેઓની સાથે ઘટિત થશે તો તેમની વ્હારે કોણ આવશે ? કોણ ?

Share this Story:

Follow Webdunia gujarati