Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકો સ્વાઈન ફ્લૂને ભૂલ્યા કે શું ?

લોકો સ્વાઈન ફ્લૂને ભૂલ્યા કે શું ?

જનકસિંહ ઝાલા

દિવાળીનો પર્વ નજીક આવતો હોવાના કારણે આજકાલ
ND
N.D
બજારોમાં લોકોની ભરચક ભીડ જોવા મળી રહી છે. સીનેમા હોલમાં પણ દર્શકોની સંખ્યા વધતી નજરે ચડી રહી છે. સ્કૂલ બસોમાં પણ દરરોજ નાના નાના બાળકો ઢોર-બકરાની જેમ ઠસોઠસ ભરીને જતા નજરે ચડે છે.


આ બધા ભારત દેશના એ જ નાગરિકો છે જેઓ એ કદાચ હવે સ્વાઈન ફ્લૂની ભયાનક બીમારી સામે લડત લડવાનું શીખી લીધું છે. એક એવી ભયાનક બિમારી જેણે અત્યાર સુધીમાં દેશમાં 389 લોકોના પ્રાણ હરી લીધા છે અને જેના ઓછાયા અને સંકજા હેઠળ આજે આશરે 11,874 લોકો ફસાઈ ચૂક્યાં છે.

આજકાલ કોઈ પણ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની તપાસ અર્થે લોકોની ભીડ પણ જોવા મળતી નથી જે અમુક સપ્તાહો પહેલા નજરે ચડતી હતી. દેશનું કોઈ પણ એરપોર્ટ કેમ ન હોય ત્યાં પણ આજકાલ મોઢે માસ્ક લગાડીને જનારા પ્રવાસીઓ દેખાતા બંધ થઈ ચૂક્યાં છે. 3 ઓગસ્ટના રોજ જ્યારે પુણેની 14 વર્ષીય બાળા રીદા શેખનું આ ભયાનક બિમારીના કારણે મૃત્યુ નિપજ્યું હતું ત્યાર બાદ તમામ એરપોર્ટ્સ અને રેલવે સ્ટેશનોમાં માસ્ક પહેરનારા લોકો પુષ્કળ જોવા મળતા હતાં. રીદા એ જ બાળકી હતી જે આપણા દેશમાં ઈન્ફલ્યુએન્ઝા એ (એચવનએનવન) નો ભોગ બની હતી.

સાચે જ આ વિચિત્ર વિરોધાભાસ છે કે, જે વ્યક્તિઓ આજથી અમુક સપ્તાહો પહેલા સ્વાઈન ફ્લૂ પ્રત્યે પૂરતી જાગૃતિ અને સાવચેતી કેળવીને ચાલતા હતાં તેઓ આજે બિલકુલ બેફિકર બની ગયાં છે. બીજી તરફ એવું ણ નથી કે, દેશમાંથી આ ભયાનક બીમારી પોતાનો પ્રકોપ છોડીને ક્યાંય દૂર ચાલી ગઈ છે. જો એવું જ હોત તો હજુ સુધી તેના કારણે મરનારા લોકોની સંખ્યાનો આંક ક્યારનો સ્થિર થઈ હોત.

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, દિલ્હી અને ગુજરાત એવા રાજ્યો છે જ્યાં 13 મે બાદ સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી ગઈ છે. અહીંના લોકો આ વાત સારી પેઠે જાણે છે પરંતુ તેઓ પણ શું કરે જ્યારે આપણી સરકાર આ ભયાનક બીમારીનો તોડ શોધવામાં વિદેશી કંપનીઓ પર મદાર રાખીને બેઠી છે.

લોકો પણ હવે સ્વાઈન ફ્લૂના ભયથી કંટાળી ગયાં છે. તેઓએ કદાચ ધારી લીધું છે કે, હવે જે પણ થવાનું હશે તે થશે. મૃત્યુ રૂપી અંધકારને ભૂલવા માટે તેઓ પ્રકાશના પર્વ ગણાતા દીવાળીના તહેવારની ખરીદીમાં વ્યસ્ત છે. મુંબઈ કે જ્યાં સ્વાઈન ફ્લૂના કારણે સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે ( 160 મૃત્યુ, 3,321 કેસ) ત્યાંના લોકો પણ પણ હવે અહીંની લોકલ ટ્રેનોની ભરચક ગિરદીમાં પોતાને સુરક્ષિત અનુભવે છે. શાળાના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓ માટે દિવાળીનું લાંબુ વેકેશન રાખવાનું ટાળ્યું છે. જો કે, સ્વાસ્થ્ય અધિકારીઓ તો હજુ એ જ કક્કો ઘુંટે છે કે, આ બધુ સરકાર દ્વારા સ્વાઈન ફ્લૂ સામે હાથ ધરવામાં આવેલા નિરંતર અભિયાનના કારણે શક્ય બન્યું છે.

અંતે એટલું જ કહીશ કે, સ્વાઈન ફ્લૂની બિમારી હજુ પણ આપણા દેશના ખુણે-ખાચરે પોતાનો કહેર વરસાવી રહી છે. તેવા સમયે જો લોકો તેના પ્રત્યે બિલકુલ બેજવાબદાર થઈ જશે તો એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં આ ભયાનક બિમારીના કારણે મરનારા લોકોની સંખ્યામાં સમગ્ર વિશ્વમાં વધું હશે.

મિત્રો, આનંદ ઉલ્લાસ સાથે કોઈ પણ તહેવારની ઉજવણી કરવી એ વાત સારી છે પરંતુ સાથોસાથ જો થોડી સાવચેતી પણ દાખવવામાં આવે તો 'સોનામાં સુગંધ ભળી' એ કહેવત જરૂર સાર્થક થશે.

Share this Story:

Follow Webdunia gujarati