દેશમાં લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીના પરિમામો ઉપર નજર નાંખીએ તો ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અપડાઉનમાં ચાલી રહી છે ત્યારે બહુજન સમાજવાદી પાર્ટીનો હાથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.
હાલના રાજકારણમાં મોટા અને સર્વેસર્વા કહેવાતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સત્તા માટે એક બીજાને હાથતાળી અને મ્હાત આપી રહ્યા છે. ક્યારેક કમળનું પલ્લુ ભારે બને છે તો ક્યારેક પંજો બાજી મારી જાય છે. 1999ની ચૂંટણીમાં ભાજપે વધુ બેઠકો કબ્જે કરી હતી તો 2004માં કોંગ્રેસે વધુ બેઠકો પોતાની જોળીમાં નાંખી હતી. બંનેમાંથી કોઇ પણ માટે નક્કર વાત કરી શકાતી નથી ત્યારે માયાવતીની આગેવાનીમાં ચાલી રહેલ બહુજન સમાજવાદી પાર્ટીનો હાથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ અને આગળ વધી રહ્યો છે.
બસપાનો ગ્રાફ દિવસે દિવસે ઉંચે ચડી રહ્યો છે. વર્ષ 1998ની ચૂંટણીમાં માત્ર 5 બેઠકો મેળવનાર બસપાએ 1999માં 14 બેઠકો તથા 2004માં 19 બેઠકો ઉપર પોતાના હાથીને બેસાડ્યો હતો. ઉત્તરપ્રદેશ વિધાનસભા તો હાથીના કબ્જામાં છે જ ત્યાં આ ચૂંટણીમાં પણ હાથી કમાલ કરી જાય તો નવાઇ નહી.
યુપી હાથીની સવારી પર ! એક સમયે માત્રને માત્ર ડિપોઝીટ ડુલ થવા માટે જ ચૂંટણી જંગમાં હાથીની સવારી કરતા ઉમેદવારો આજે હાથી ઉપર વિજય સરઘસ કાઢી રહ્યા છે. ધીમી પણ મક્કમ ગતિએ ચાલતા હાથીએ આજે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા કબ્જે કરી છે અને લોકસભાની ચૂંટણીમાં પણ તેનો ગ્રાફ ઉંચે જઇ રહ્યો છે.
આ રાજ્યો મહત્વના ! ભાજપ કોંગ્રેસ માટે આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિતને કેટલાક રાજ્યો જાદુઇ સાબિત થઇ રહ્યા છે. આ રાજ્યો એક વખતે ભાજપને ખોબલે ખોબલે મત આપે છે તો બીજી વખતે કોંગ્રેસને પોતાના માથે બેસાડે છે.