મોટા ઉપાડે લોકસભામાં ચૂંટાયા બાદ કેટલાક સાંસદો પગ ઉપર પગ ચડાવી બેસી રહે છે કે પછી પોતાનો વેપલો કરવા લાગી જાય છે. પોતાના ગજવાના નહીં પરંતુ સરકારના રૂપિયા પણ વિકાસ કાર્યોમાં વાપરતાં અચકાતા હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ મામલે અલગ તરી આવે છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે લગ્ન કરનાર સોનિયા ગાંધીનો જન્મ ઇટાલીના ટ્યૂરીન શહેરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. મોટા વિવાદ બાદ 1999માં પહેલી વાર અખિલ ભારતીય કોંગ્રેસની ટીકીટ પરથી પહેલીવાર ચૂંટાયા હતા.
રાયબરેલીથી લોકસભામાં ચૂંટાઇ આવેલા સોનિયા ગાંધીએ વર્ષ 2004-2008 દરમિયાન પોતાના મત વિસ્તારમાં 4.63 કરોડ રૂપિયા વિકાસ માટે વાપર્યા છે. રસ્તા, ગલી તથા ફુટપાથ બનાવવા માટે 124.8 લાખ, નાળા બનાવવા 5.5 લાખ રૂપિયા, પાણી માટે 113.1 લાખ રૂપિયા, શાળા માટે 152.3 લાખ રૂપિયા, હોલ, ધર્મશાળા 25.8 લાખ રૂપિયા, સ્મશાન માટે 14.6 લાખ રૂપિયા, સુનામી રાહત કોષમાં 5 લાખ રૂપિયા, અન્ય 18.2 લાખ રૂપિયા મળી કુલ 463.6 લાખ રૂપિયા વાપર્યા છે.