લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે ભાજપ સરકારે મોરચો સંભાળ્યો છે. આ અંગે આજે ગાંધીનગરમાં સી. આર પાટીલના ઘરે મહત્તવની બેઠક યોજાઇ રહી છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સી. આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજને પાર્ટી સાથે ફરીથી જોડાવવા માટે હાથ જોડીને વિનંતી કરી છે.અમદાવાદમાં બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઇ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે. વિરોધ વધતાં ગાંધીનગર ખાતે સી.આર. પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી.આ બેઠક બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે,પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટીપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતા રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે.પાટીલે આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયત્ન કરશે.