Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ભાજપને મારા જેવી વ્યક્તિની જરૂર નથી પણ...' મોઢવાડિયાએ ભાજપમાં જોડાતાં જ શું કહ્યું?

Lok Sabha Election 2024 Gujarat Congress Ex President Arjun Modhwadia Joins Bjp
, રવિવાર, 10 માર્ચ 2024 (16:14 IST)
સોમવારે કૉંગ્રેસ છોડ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર મંગળવારે કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ગયા હતા. એમની સાથે મૂળુ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ગયા.
 
સામાન્ય રીતે ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો, કાર્યકરોનું ભાજપમાં જવું એ કોઈ નવી વાત નથી. આ સિલસિલો ઘણા સમયથી ચાલ્યો આવે છે. જોકે આ વખતે ચર્ચા એ માટે વધુ થઈ રહી છે કે એક સમયના કૉંગ્રેસના વિપક્ષ નેતા, પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા એવા દિગ્ગજ અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
 
અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "મેં આજે ધારાસભ્ય તરીકે, કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે."
 
તેમણે કહ્યું કે "જ્યારે રામમંદિરનું કૉંગ્રેસને આમંત્રણ મળ્યું ત્યારે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જેનો મેં વિરોધ કર્યો હતો. ત્યાર બાદમાં મેં મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ મને સફળતા મળી નહોતી. આથી મેં આ નિર્ણય લીધો છે."
 
ભાજપમાં જોડાતી વખતે અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું? કઈ ખાતરી આપી?
 
અર્જુન મોઢવાડિયાએ ભગવો ખેસ ઓઢ્યા બાદ પોતે ભાજપમાં કેમ જોડાયા એ અંગે વાત કરી હતી.
 
અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું, "1947માં દેશને આઝાદી મળી એ પહેલાં સમગ્ર દેશની જનતા પ્રબુદ્ધ નાગરિકો, ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકઠા થયા અને એ લક્ષ્ય હતું રાજકીય આઝાદી. એ રાજકીય આઝાદી 1947માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. હજી આજે પણ આ સપનું અધૂરું દેખાય છે."
 
"એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, બન્ને ગુજરાતના પનોતા પુત્ર, દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. વિકસિત ભારતનું સપનું લઈને, દિવસ અને રાત જોયા વગર માનનીય વડા પ્રધાન કામ કરી રહ્યા છે."
 
તેમણે ઉમેર્યું હતું, "એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી અને હવે સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની છે. એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો, તમામ વિચારધારાના લોકો એ એક છત્ર નીચે ભેગા થયા હતા. આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિકો એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લાવવાનું કામ કરી રહ્યા છે. "
 
કૉંગ્રેસમાં ચાર દાયકા લાંબી કારકિર્દી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું, "હું કૉંગ્રેસ પક્ષ સાથે 40 વર્ષથી પ્રતિબદ્ધતા સાથે જોડાયો હતો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું હતું. મારાં 40 વર્ષના જાહેર જીવનમાં 20 વર્ષ તો મેં કૉંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું હતું. કોઈ નિઃસ્વાર્થ હોત તો એ વખતે જ જોડાઈ ગયા હોત."
 
ભાજપને તેમના જેવા લોકોની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યું હતું અને કહ્યું હતું, "અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવી કોઈ નવી વ્યક્તિની જરૂર નથી, એ મેં આગેવાનોને પણ સ્પષ્ટ કરેલું છે. ગુજરાતમાં 156 બેઠકો છે. આખા હિંદુસ્તાનની અંદર રેકૉર્ડબ્રેક બેઠકો ગુજરાતમાં મળી છે. લોકસભાની અંદર એનડીએની બહુમતી છે. એટલે કંઈ ખૂટતું હતું અને (હું) ઉમેરવા આવ્યો છું એવું નથી. પણ મેં પણ એક સપનું જોયું હતું કે રાજનીતિમાં આવીને સામાજિક અને આર્થિક બદલાવ સમાજમાં લઈ આવવો અને એના માટે કામ કરતો હતો."
 
"અત્યારે એમનું (કૉંગ્રેસનું) એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે. ત્યાં બદલાવ લાવવાના તમામના પ્રયાસો નિષ્ફળ ગયા છે. એટલે જે સપનું મેં મારા પોરબંદર માટે જોયું હતું, મારા ગુજરાત માટે જોયું હતું એ સપનું આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈને નેતૃત્વમાં પરિવર્તિત થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલાં વર્ષોના સંબંધો તોડી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું. "
 
તેમણે એવું પણ જણાવ્યું હતું, "આ પક્ષમાં, ભારતીય જનતા પાર્ટીમાં રહીને, મારામાં જે શક્તિ છે એને પ્રતિબદ્ધતાથી આપવાની હું અહીં જાહરેમાં ખાતરી આપું છું."
 
"હું જે પક્ષમાં હતો એમાં જેટલી શક્તિથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિ સાથે અહીં એક કાર્યકર તરીકે કામ કરવાની ખાતરી સાથે કોઈ લોભલાલચ, કોઈ ટિકિટની અપેક્ષા વગર પક્ષમાં જોડાયો છું."
 
કૉંગ્રેસ પાર્ટી કેમ છોડી?
પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસ પક્ષ છોડવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ કેટલાક સમયથી કૉંગ્રેસ પાર્ટીમાં ગૂંગળામણ અનુભવી રહ્યા હતા.
 
અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, "1982 વિદ્યાર્થી તરીકે જોડાયો હતો, પોરબંદર તાલુકા યુવક કૉંગ્રેસથી શરૂ કરીને, ધારાસભ્ય, વિધાનસભામાં વિપક્ષનો નેતા, પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ રહ્યો છું. કૉંગ્રેસ પક્ષમાં કેટલાક સમયથી ગૂંગળામણ અનુભવતો હતો, જે આશાએ કૉંગ્રેસમાં આવ્યો હતો, તે નહોતું થઈ રહ્યું."
 
તેમણે કહ્યું કે જે પક્ષ માટે લોહી પસીનો પાડ્યા તેને છોડી દેવો મુશ્કેલ હતો.
 
સમાચાર સંસ્થા એએનઆઈએ અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ સોશિયલ મીડિયા વેબસાઇટ 'એક્સ' પર કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે લખેલો પત્ર ટ્વીટ કર્યો હતો.
 
એ પત્રમાં મોઢવાડિયાએ રાજીનામું આપવા પાછળનાં કારણો જણાવ્યાં હતાં. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમથી કૉંગ્રેસે જાળવેલા અંતરથી મોઢવાડિયા નારાજ હોવાનું પત્રમાં જણાવાયું છે.
 
ખડગેને સંબોધતાં મોઢવાડિયાએ લખ્યું છે, 'કૉંગ્રેસના નેતૃત્વે બાળ રામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ અસ્વીકારતાં મેં 11 જાન્યુઆરીએ મેં મારો વિરોધ નોંધાવ્યો હતો. પ્રભુ રામ માત્ર હિંદુઓના જ પૂજનીય નથી પણ તેઓ ભારતની આસ્થા છે. આમંત્રણનો અસ્વીકાર કરીને ભારતના લોકોની લાગણી દુભાવી છે અને કૉંગ્રેસ લોકોની લાગણી કળવામાં નિષ્ફળ નીવડી છે.'
 
'અયોધ્યામાં મહોત્સવનો બહિષ્કાર કરીને કૉંગ્રેસ પક્ષે જે રીતે ભગવાન રામનું અપમાન કર્યું છે, એનાથી દુભાયેલા કેટલાય લોકોનું હું મળ્યો છું.'
 
'આ પવિત્ર પ્રસંગને અપમાનિત કરતાં રાહુલ ગાંધીએ આસામમાં હોબાળો કર્યો હતો, જેનાથી પક્ષના કાર્યકરો અને ભારતના નાગરિકોના ગુસ્સામાં વધારો થયો હતો. આ ઉપરાંત છેલ્લાં કેટલાંય વર્ષોથી મેં મારા જિલ્લા પોરબંદર અને ગુજરાતના લોકો માટેના યોગદાન આપવામાં મારી જાતને અસહાય અનુભવી છે. એટલે જે પક્ષ સાથે હું 40 વર્ષથી જોડાયેલો હતો અને મારું આખું જીવન આપી દીધું એમાંથી હું રાજીનામું આપું છું.'
 
ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં કૉંગ્રેસને 77 સીટ અને ભાજપને 99 સીટ મળી હતી. જોકે એ પછીની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ 156 સીટ મળી હતી.
 
2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કૉંગ્રેસના બે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હવે મોઢવાડિયાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસ પાસે 14 ધારાસભ્યો બચ્યા છે.
 
તો લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા અને પાંચ વાર સાંસદ રહી ચૂકેલા કૉંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે.
 
ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય હતા. તો લોકસભામાં ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે? આ તારીખ બહાર આવી