ગુજરાતમાં ચૂંટણીનો માહોલ નિરસ બની રહ્યો છે. એક બાજુ કોંગ્રેસમાંથી ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમય બની રહ્યાં છે તો બીજી બાજુ લોકો ભાજપને સ્થાનિક મુદ્દાઓ વિશે જણાવી રહ્યાં છે પણ એક પણ પક્ષ લોકોની વાતોને પ્રાધાન્ય આપ્યા વિના માત્ર એકબીજા પર ટીકાઓ વરસાવી રહ્યાં છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 બેઠક માટે પ્રચાર કર્યા બાદ આગામી દિવસોમાં હજુ તેઓ બે વખત ગુજરાત આવશે અને વધુ 8 બેઠક માટે પ્રચાર કરશે. મોદી 17મીએ સુરેન્દ્રનગર અને આણંદ ખાતે જાહેર સભાન સંબોધશે. 20મીએ તેઓ પાટણ ખાતે ઉત્તર ગુજરાતની ચાર બેઠકો માટે જાહેર સભા યોજશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે અને પ્રદેશ નેતાઓ સાથે બેઠકોનો દોર ચલાવી તમામ 26 બેઠકોની સ્થિતિની સમીક્ષા કરશે. તેઓ પોતાની ગાંધીનગર લોકસભા બેઠકમાં પ્રચાર માટે ફરી 14મી એપ્રિલે આવશે. આ દિવસે તેઓ ગાંધીનગરથી કલોલ સુધી રોડ શો કરશે અને જાહેર સભાન પણ સંબોધશે. બીજીતરફ ભાજપના કેન્દ્રીય નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. 12થી 18 એપ્રિલ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, વી.કે.સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ પણ વિવિધ વિસ્તારમાં પ્રચાર કરશે.