ભાજપને મોટો ફટકો : ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાની વિધાનસભાની ચૂંટણી રદ
, શુક્રવાર, 12 એપ્રિલ 2019 (17:13 IST)
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે 2017માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે. 2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક સામે ચૂંટણી લડેલા મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગોરિયાએ દાવો કર્યો હતો કે પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે, આથી તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. મેરામણભાઈ ગોરીયાએ પોતાના વકીલ મારફતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે 20-11-2017ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-૧માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પરથી ચૂંટણી લડી શક્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.
આગળનો લેખ