કોંગ્રેસ મુક્ત અને ભાજપ યુક્ત ઉંઝાના વિધાનસભાના ઉમેદવાર આશાબેનનો ઓડિયો વાયરલ

શનિવાર, 20 એપ્રિલ 2019 (12:22 IST)
પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારના સભ્યોને નોકરી અપાવવાની અને હાર્દિક પટેલના ફેક્ટરને ટાઢું પાડી દેવા માટે બ્રિજેશ પટેલને રૂ. 50 લાખ કરતાંય વધુ રકમની ઑફર કરતો આશા પટેલ અને બ્રિજેશ પટેલની વાતને રજૂ કરતાં ઑડિયો આજે સોશિયલ મિડીયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો છે.

ઊંઝા વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા આશા પટેલના ઊંઝા ખાતેના મકાનમાં ગત ચોથી એપ્રિલે 11 વાગ્યાના અરસામાં આ ચર્ચા થઈ હોવાનો ઑડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

ડૉ. આશા પટેલ અત્યારે ઊંઝા વિધાનસભાના મતવિસ્તારની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કમુ પટેલ સામે લડી રહ્યા છે. તેઓ અત્યારે નારણ લલ્લુ અને અન્ય ભાજપના નેતાઓના વિરોધ વચ્ચેય વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે ટિકીટ મેળવવામાં સફળ રહ્યા છે. 
આમ નારણ લલ્લુ પટેલ અને તેમના સમર્થકો ઉપરાંત પાટીદારોના હિત સાથે સમાધાન કરતાં હોવાની ઑડિયો ક્લિપ વાયરલ થતાં પાટીદારોમાં પણ તેમની ઇમેજમાં ધક્કો લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાજપના બનાસકાંઠાના નેતાના કહેવાતા ઇશારો પાટીદારો પર દમનનો કોરડો વીંઝવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરનાર આ ઑડિયો ક્લિપમાં આશા પટેલ સાથે વાત કરતાં બ્રિજેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના કાકા કનુભાઈ અંબાલાલ પટેલ પાટીદાર આંદોલનમાં શહીદ થયા હતા.
તેમના પરિવારના સભ્ય વિરોધ ન કરે તે માટે તેમના પરિવારના સભ્યને આર્થિક સહાય કરવાની ઑફર આશા પટેલે ઑડિયો ક્લિપમાં કરી હતી. તેમ જ તેમના પરિવારના સભ્યને આર્થિક સહાય કરાવીને ભાજપનો વિરોધ બંધ કરાવી દઈને મામલો થાળે પાડી દેવાની વાત કરી હતી.

તેમ જ શહીદ થયેલા અન્ય 14 પાટીદાર યુવકોના પરિવારના સભ્યને નોકરી અપાવી દેવાની ઑફર આશા પટેલે કરી હોવાનું ઑડિયો ક્લિપિંગના સંવાદોમાં જણાઈ રહ્યું છે. તેમ જ બ્રિજેશ પટેલને રૂ. 50 લાખ અથવા તો 35-35 લાખ મળીને 70 લાખ કે પછી 50 અને 35 લાખ મળીને કુલ રૂ. 85 લાખની ઑફર કરતા સંવાદો ઑડિયો ક્લિપમાં થઈ રહ્યા છે.

આ પૈસાનો ઉપયોગ હાર્દિકના પરિબળને શાંત કરી દેવા માટે કરવાની વાત કરવામાં આવી હોવાનું બ્રિજેશ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું. આ રીતે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા લોકોમાં ફૂટ પડાવીને સમગ્ર વિરોધને તિતરબિતર કરાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું બ્રિજેશ પટેલનું કહેવું છે. સમગ્રતયા બનાસકાંઠા, મહેસાણા અને ઊંઝાના પટ્ટામાં પાટીદારોનો વિરોધ શમાવી દેવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બ્રિજેશ પટેલ સાથેની ઑડિયો ક્લિપ અને તેને પરિણામે ઊભા થયેલા વિવાદ અંગે ડૉ. આશા પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમને બ્રિજેશ નામનો યુવાન મળવા આવ્યો હતો અને આર્થિક સહાયની વાત કરી હતી. મેં તેને સીધી સહાય આપવાની વાત કરી નહોતી. સરકારમાં વાત કરીશ, કોઈ સહાય મળતી હોય તો કરાવી આપીશ એમ જણાવ્યું હતું. મેં તેની સાથે બીજા શહીદો અંગે વાત કરી નહોતી.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ચૂંટણી ટાણે જ અમદાવાદની બેંકોમાં નક્લી નોટો જમા કરાવવાના કાવતરાનો પર્દાફાશ