Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અકબર બિરબલની વાર્તા - શુકન અપશુકન

અકબર બિરબલની વાર્તા - શુકન અપશુકન
, બુધવાર, 4 મે 2022 (14:31 IST)
Akbar Birbal Stories - એક વખત બાદશાહ અકબર સવાર-સવારના ઊઠીને પોતાના ઝરૂખામાં ઊભા હતાં. અકબરે રસ્‍તા પર નજર નાખીં તો ત્‍યાં રાજાનો એક કૂબડો સેવક પસાર થતો હતો. સેવકે રાજાને જોઇને તેમને સલામ કરી. ત્‍યાર બાદ અકબર નાસ્‍તો કરીને બગીચામાં ફરવા નિકળ્યાં.
 
બગીચામાં રંગ-બેરંગી ફૂલો ખીલ્‍યાં હતાં. તેમાં એક ગુલાબના છોડ પર સુંદર મજાનું ગુલાબનું ફૂલ ખીલ્‍યું હતું. અકબરને ફૂલોમાં ગુલાબ સૌથી ‍વધુ પ્રિય હતું. ગુલાબનું ફૂલ જોઇને અકબરનું મન લલચાયું. તેણે ફૂલ તોડવા હાથ લંબાવ્યો, પરંતુ અકબરને ગુલાબનો કાંટો આંગળીમાં ચૂભ્યો. તેની આંગળીમાંથી ખૂબ લોહી નીકળ્યું.
 
આ જોઇને તેના સેનાપતિએ અકબરને પુછ્યું બાદશાહ સલામત આજે સવારે તમે જરૂરથી કોઇ અપશુકનિયાળનું મુખ જોયું હશે. તેના કારણે તમારી આંગળીમાં કાંટો ચૂભ્યો. અકબરે વિચાર કરીને કહ્યું, હા સાચી વાત છે. આજે મેં સવારના મેં કૂબડા સેવકનું મુખ જોયું હતું. તે અપશુકનિયાળ છે. તેને જીવવાનો અધિકાર નથી. માટે તેને ફાંસીએ ચડાવી દો.
 
અકબરના આ ફરમાનથી બીચારો તે સેવક કંપી ગયો. તે સીધો બીરબલ પાસે ગયો. સેવકે બિરબલને સઘળી વાત કરી. સેવકની વાત સાંભળી બિરબલે હંમેશની જેમ પોતાની બુદ્ધિ દ્વારા સેવકને એક યુક્તિ જણાવી.
 
સેવક ખુશ થતો થતો સીધો બાદશાહ અકબરના દરબારમાં ગયો. સેવકે બાદશાહને ફરીયાદ કરી, જહાંપના મને ન્યાય આપો. તમે જે રીતે સવારનાં મારૂં મુખ જોયું હતું તેમજ મેં પણ એક વ્યક્તિનું મુખ જોયું હતું. તેના અપશુકનથી મને પણ આજે આપે ફાંસીની સજા કરી છે. માટે મેં જેમનું મુખ જોયું હતું તેને પણ સજા કરો.
 
આ સાંભળી બાદશાહ બોલ્યા જરૂર તે વ્યક્તિ તો તારાથી પણ વધુ અપશુકનિયાળ છે. કારણ કે તારૂં મુખ જોવાથી મને ફક્ત કાંટો વાગ્યો જ્યારે તેનાં કારણે તને ફાંસીની સજા થઇ છે. માટે તેને પણ જરૂર સજા કરવામાં આવશે. અકબરે સેવકને કહ્યું તું તેનું નામ કહે.
 
સેવકે કહ્યું મહારાજ આજે સવારના સૌપ્રથમ મેં તમારૂં મુખ જોયું હતું. આ સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયાં. થોડી વાર વિચાર કર્યા બાદ પોતાની ભુલ સમજાણી.
 
અકબરે વિચાર્યું આ યુક્તિ પાછળ જરૂરથી બિરબલનો હાથ હશે. તેમણે સેવકને ઇનામ આપી ખરી હકીકત જાણ્યા બાદ બિરબલની બુદ્ધિના વખાણ કરી તેને પણ ઇનામ આપ્યું.
 
બાદમાં બાદશાહે રાજ્યમાં ફરમાન કર્યું કે કોઇ પણ વ્યકિત શુકનિયાળ કે અપશુકનિયાળ હોતા નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mother's Day - મધર્સ ડે મા ને ગિફ્ટ કરો આ 5 ખાસ વસ્તુઓ, દરેક Gift માં ઝલકશે દિલમાં છુપાયેલો પ્યાર