Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક પુત્રી, એક વૃક્ષ અને એક શિક્ષક

એક પુત્રી, એક વૃક્ષ અને એક શિક્ષક
, સોમવાર, 4 જૂન 2018 (11:24 IST)
મને જાણીને આનંદ થયો કે દિકરીનાં જનમ પર એક વૃક્ષ વાવવું જોઈએ એવી મારી ટ્વીટ ઘણા લોકોને પસંદ પડી. પર્યાવરણની રક્ષા માટે તમને રસ પડે છે એ વાત સરાહનીય છે. તમને આ બાબતમાં રસ પડે છે તો ચાલો હું તમને બાગકામ કે ખેતકામ કરતી વખતે પાણીની બચત કેવી રીતે થઈ શકે તે અંગેની એક સરસ ટીપ આપું.

 
ગ્લેઝ કર્યા વિનાનું એક માટલું લો, તેમાં પાણી ભરીને ઢાંકી દઈને તેને વૃક્ષ કે છોડનાં મૂળિયા પાસે જમીનની અંદર મૂકી દો. એકાદ અઠવાડિયા સુધી તમારે છોડને પાણી પાવાની જરૂર નહિ રહે. માટલું ટપક સિંચાઈનાં એક સાધન તરીકે કામ કરશે. યાદ રાખો, તમારે માટલામાં કાણા પાડવાની જરૂર નથી. અને હજી વધારે સારું પરિણામ મેળવવું હોય તો માટીથી વાસણ ઘસ્યા બાદ જે પાણી વધ્યું હોય તે પાણી માટલામાં ભરી દો. આ પધ્ધતિનો ઉપયોગ ગુજરાતનાં ઘણા ભાગોમાં થાય છે. જો આપણે સંકલ્પ કરીએ તો આટલું નાનું કામ ઘણું મોટું પરિણામ આપી જાય છે.
 
મને એક બીજો હ્રદયસ્પર્શી પ્રસંગ યાદ આવે છે. કોઈકે એકવાર મને પત્ર લખીને આ પ્રસંગ જણાવ્યો હતો. પ્રસંગ છે સૌરાષ્ટ્રનાં વેરાવળ નજીકનાં એક ગામનો. ગામની એક શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં પાણીની અછત હતી એટલે ત્યાં વૃક્ષો માટે પાણી મેળવવાનો પ્રશ્ન હતો. એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની માતા માટીથી વાસણો ઘસી લે પછી તે માટીવાળુ પાણી એક બોટલમાં ભરી લાવવાનું કહ્યું. પ્રત્યેક વિદ્યાર્થી દરરોજ માટીનાં પાણીવાળી એક બોટલ ઘેરથી લઈ આવવા માંડ્યો. શિક્ષકે વિદ્યાર્થીઓને આ જ પાણી ઝાડને પીવડાવવા માટે કહ્યું. દિવસો વીતતા ગયા અને શાળાની સામે એક લીલોછમ બગીચો તૈયાર થઈ ગયો. એક શિક્ષકનાં નાનકડા પ્રયોગે નકામા પાણીનાં ઉપયોગથી સૂકા પ્રદેશમાં હરિયાળી લાવી દીધી અને વળી આ પ્રયોગનાં માધ્યમથી શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રકૃતિમાતા સાથે મિત્રતા કેળવવાનું પણ શીખવી દીધું. મને આ ઘટના ઘણી સ્પર્શી ગઈ. આશા છે કે તમને પણ એ સ્પર્શી જશે.
 
પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની ટીપ્સ અને પ્રયોગોની જાણકારી પરસ્પર આપતા રહીએ. ચાલો આપણે સૌ પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો આપીએ.


webdunia
      
(સાભાર - નરેન્દ્ર મોદી બ્લોગ) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું