Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાલે રવિવારે એક સાથે સાત પર્વ અને યોગનો સંયોગ

કાલે રવિવારે એક સાથે સાત પર્વ અને યોગનો સંયોગ
, શનિવાર, 7 જૂન 2014 (16:20 IST)
તા. ૮ જૂનનાં રોજ એક સાથે ૬ યોગનો સંયોગ થઇ રહ્યો છે. જેમાં પર્વની સાથે જ્યોતિષીય યોગનો સમન્વય થઇ રહ્યો છે. આ સાત સંયોગમાં ગંગા દશહરા, રામેશ્વર પ્રતિષ્ઠા દિન, ગાયત્રી જયંતી, ગાયત્રી પરિવારનાં સંસ્થાપક, પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પુણ્યતિથિ, રવિવાર અને હસ્ત નક્ષત્રનો, રવિયોગ અને અમૃતસિદ્ધિયોગનો સમન્વય થઇ રહ્યો છે, જે શુભ-માંગલિક કાર્યો માટે શુભ છે. સાથે જ સૂર્ય ઉપાસના, ગાયત્રી ઉપાસના અને આરોગ્ય પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.

સાથે જ આ પ્રસંગે અમદાવાદમાં ગરમીનાં પ્રકોપમાં ઘટાડો અને સારા વરસાદ માટે નવ કુંડીય ગાયત્રી યજ્ઞ અને નિ:શુલ્ક વિદ્યારંભ સંસ્કાર અને ગાયત્રી યંત્રનું વિતરણ પણ થશે. આ અંગે ભવિષ્યવેત્તા વ્યાપક લોઢાએ જણાવ્યું કે તા.૮મી જૂનનો દિવસ ધાર્મિક અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મહત્વનો બની રહેશે. આ દિવસે સાત પર્વો એકસાથે આવી રહ્યાં છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવાર અને હસ્ત નક્ષત્ર સૂર્ય ઉપાસના માટે સર્વોત્તમ છે. રાજકીય ક્ષેત્રે પ્રગતિ માટે, આરોગ્ય પ્રાપ્તિ માટે અને સારા કાર્યો કરવા માટે આ દિવસ ખૂબ જ સર્વોત્તમ છે. ગાયત્રી માતાજીની પૂજા, સૂર્યને અર્ઘ્ય પ્રદાન, લાલ વસ્ત્ર, ગોળ અને ચણાની દાળનું દાન ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથે જ આ દિવસે જન્મનાર વ્યક્તિ તેજસ્વી, જ્ઞાની ગણિતનો પ્રકાંડ જાણકાર બને છે. શક્તિ ઉપાસક બને છે.

કન્યા રાશિ અને ચંદ્ર અને હસ્ત નક્ષત્ર હોવાથી વાતાવરણમાં પણ વિચિત્ર પલટો જોવા મળી શકે છે. આ દિવસે શિવલિંગ પર જળાભિષેક અને દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ છે.

આ અંગે ગાયત્રી પરિવારનાં કનુભાઇ પટેલે જણાવ્યું કે યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ, નારણપુરા દ્વારા આયોજિત રવિવારે ગાયત્રી જયંતી, ગંગા દશહરા અને પં.શ્રીરામ શર્માજીની પુણ્યતિથિ નિમિત્તે નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ગંગા પૂજન અને કળશ પૂજન દ્વારા પંચતત્વનું પૂજન, વધુ ગરમી પડી રહી છે ત્યારે અગ્નિ તત્વનું વિશિષ્ટ પૂજન અને સારા વરસાદ માટે વિશિષ્ટ આહુતિ વરુણ દેવતાને અપાશે. પંચતત્વની શાંતિ પણ થશે.

તેમણે કહ્યું કે સોમવાર અથવા ત્યારબાદ શાળાઓ ખુલી રહી છે ત્યારે વિદ્યારંભ સંસ્કાર અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થાય, આત્મિક-આધ્યાત્મિક પ્રગતિ માટે ગાયત્રી યંત્ર પણ ભેટ આપવામાં આવશે. આ સમગ્ર આયોજન નિ:શુલ્ક કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati