તા.૭ અને ૮ જુલાઇ, ૨૦૧૩નાં રોજ બે દિવસ માટે પાંચ ગ્રહોનો સંયોગ થઇ રહ્યો છે. યોગાનુયોગ તા. ૮ જુલાઇનાં રોજ સોમવતી અમાસનો પણ સમન્વય થઇ રહ્યો છે અને આ જ દિવસે શનિ પણ માર્ગી થઇ રહ્યો છે. મિથુન રાશિમાં પાંચ ગ્રહોની જે યુતિ થાય છે, તેમાં ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ અને ગુરુનો સમાવેશ થાય છે. પાંચ ગ્રહોનાં આ સંયોગને વિવિધ દ્રષ્ટિકોણથી જોઇએ તો સૂર્ય અને ગુરુનો સંયોગ આત્મા અને પરમાત્માનું સૂચન કરે છે. આવો યોગ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ લઇ જનાર બને છે. જોકે, સત્તાધીશો અને રાજકીય ક્ષેત્ર માટે આ સમય કષ્ટદાયી રહેશે.આ અંગે જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે સામાન્ય રીતે ગ્રહોનું ફળ વ્યક્તિગત રીતે જોવાનું રહે છે. ઉપરાંત, અંશાત્મક રીતે અને જે-તે ગ્રહો ઉપર પડતી અન્ય ગ્રહોની દ્રષ્ટિની રીતે પણ તેનું બળાબળ નક્કી થતું હોય છે. છતાં સર્વ સામાન્ય રીતે પાંચ ગ્રહોની યુતિ કહીં ખુશી, કહીં ગમ - જેવી નીવડશે. તેમાં પણ તા.૭ અને ૮ જુલાઇ, ૨૦૧૩નાં રોજ થનારી પાંચ ગ્રહોની યુતિ સત્તાધીશોની ઊંઘ હરામ કરનાર નીવડશે. પછી સત્તાધીશ ગમે તે પક્ષનો હોય.તેમણે કહ્યું કે ખ્યાતનામ રાજનેતાઓ માટે આ યુતિ કોઇ સારો સંકેત સૂચવતી નથી. સામાન્ય રીતે જનતાને પણ વિવિધ પ્રશ્નોનો સામનો કરાવનાર નીવડશે. વિદ્યાર્થીઓ માટે આ યુતિ મિશ્ર ફળદાયી બની રહેશે. જે જાતકોની જન્મકુંડળીમાં ચંદ્ર અને ગુરુનો યોગ અથવા સૂર્ય અને ગુરુનો યોગ હશે, તેમને માટે આ યુતિ ફાયદાકારક નીવડશે. મંગળ અને ગુરુનાં યોગવાળા જાતકોને પણ તે લાભદાયી બની રહેશે. જોકે, તા.૮મી જુલાઇનાં રોજ શનિ માર્ગી બની રહ્યો છે, તે એક સારો સંકેત છે.પંચગ્રહી યુતિ અંતર્ગત તેમણે જણાવ્યું કે ચંદ્ર અને ગુરુની યુતિ ગજકેસરી યોગ બને છે. આ યોગ જીવનમાં આગળ વધવામાં સહાયક મનાય છે અને ધન-સંપત્તિ વગેરે સંપદાનો કારક ગણાય છે. ચંદ્ર અને બુધની યુતિ વિચાર અને વાણીમાં સંયોજનની યુતિ ગણાય છે. વિચારમાં સમજણ અને વાણીમાં પ્રભાવકતા લાવનાર આ યોગ સમાજમાં મહત્વનું સ્થાન આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ યોગ વાણીનાં કારણે લોકપ્રિયતા આપવામાં સહાયક બને છે. બળ અને શક્તિનાં પ્રતિનિધિ મંગળ અને પરમાત્માનાં પ્રતિનિધિ ગ્રહ એવા ગુરુની યુતિ પણ જીવનને દરેક રીતે પ્રગતિનાં પંથે દોરી જનાર બને છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે સોમવતી અમાસ છે, જે પિતૃ કૃપા મેળવવાનો પણ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશિષ્ટ ઉપાસના પણ કરવામાં આવે છે. અનેક લોકો આ દિવસે પીપળાની પ્રદક્ષિણા સહિતનાં પુણ્ય-ફળદાયી કાર્યો કરશે.
આગળ બારેય રાશિઓના જાતકોને પંચગ્રહી યુતિનું શુભા-શુભ ફળ
જૈન મુનિ મિત્રાનંદસાગરજીએ પંચ ગ્રહી યુતિનું બારેય રાશિનાં જાતકોને શુભા-શુભ ફળ દર્શાવ્યુ છે, જે આ મુજબ છે
મેષ(અ,લ,ઇ) ઃ લાભદાયી સમય, આકસ્મિક સારા સમાચાર મળી શકે.
વૃષભ (બ,વ,ઉ) ઃ મધ્યમ ફળદાયી સમય, વિલંબથી કામ થઇ શકે.
મિથુન (ક,છ,ઘ) ઃ અત્યંત શ્રેષ્ઠ સમય બની રહે.
કર્ક (ડ,હ) ઃ એકંદરે સમય લાભકારક બની રહે.
સિંહ (મ,ટ) ઃ સમય સાવચેતીનો બની રહે, વાહન ચલાવતા સંભાળવું.
કન્યા (પ,ઠ,ણ) ઃ મધ્યમ ફળદાયી યોગ બની રહે.
તુલા (ર,ત) ઃ સારા સમાચારો આવવાનાં શરુ થઇ જશે.
વૃશ્ચિક (ન,ય) ઃ સંભાળવા લાયક સમય બની રહે.
ધન (ભ,ધ,ફ,ઢ) ઃ મધ્યમ ફળદાયી બને, અટકીને કાર્ય થાય.
મકર (ખ,જ) ઃ આ યુતિ ફાયદાકારક બની રહે.
કુંભ (ગ,શ,ષ,સ) ઃ સમય લાભદાયક બની રહે.
મીન (દ,ચ,ઝ,થ) ઃ યુતિની અસર મિશ્ર ફળદાયી બની રહે.