ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રમંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.
મંત્રી શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ ૮,૬૪,૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.
મંત્રીશ્રીએ તમામ ઉમેદવારોને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ ઉપરાંત ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.