વરસાદે ધોઇ નાખી દિલ્હી ડેવિલ્સની આશાઓ
દિલ્હી અને કોલકાતા ટીમને એક-એક પોઇંટ, દિલ્હીનો સામનો હવે મુંબઇ સામે
નવી દિલ્હી. છેલ્લે જે વાતનો ડર હતો તે જ થયું અને દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે આઇપીએલની દિલ્હી ડેર ડેવિલ્સની આશાઓનું ખુન કરી નાખ્યું. અને જેના કારણે મેચ નહીં રમાતા દિલ્હી અને કોલકાતા ટીમને એક-એક પોઇંટ મળ્યાં તેમજ હવે સેમિફાઇનલમાં પ્રવેશવા દિલ્હી માટે હવે કપરાં ચડાણ બની રહેશે.
આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેંટમાં પહેલીવાર કોઇ મેચ એક પણ બોલ ફેંકાયા વિના પડતી મુકાઇ હતી. આ સાથે બંને ટીમને એક-એક પોઇંટ ફાળવવામાં આવ્યા હતા. દિલ્હીના હવે 13 મેચોના 13 પોઇંટ થયાં અને શનિવારના રોજ મુંબઇ ઇંડિયંસ સામે રમવાની તેઓની છેલ્લી મેચ ખૂબજ નિર્ણાયક સાબિત થશે.
ગઇકાલે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે રમાનારી મેચ વરસાદને કારણે પડતી મૂકવામાં આવી હતી. આયોજકો અને અમ્પાયર્સે લગભગ બે કલાક સુધી રાહ જોયા બાદ અંતિમ નિણર્ય લીધો હતો. દિલ્હીમાં સાંજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ સાથે બંને ટીમને એક-એક પોઇંટ મળતાં આ ટૂર્નામેંટ રસપ્રદ બની ગઇ છે.
હવે દિલ્હી 13 મેચમાંથી 13 પોઇંટ ધરાવે છે. જયારે કોલકાતાની ટીમ 13 મેચમાંથી 11 પોઇંટ સાથે છઠ્ઠા ક્રમે છે. તેમજ મુંબઇની ટીમ 11 મેચમાંથી 12 પોઇંટ હાંસલ કરીને પાંચમા ક્રમે આવી ગઇ છે પણ તેને ત્રણ મેચ રમવાની છે. હવે દિલ્હી તેની બાકી રહેલી એક મેચ મુંબઇ સામે જીતી જાય તો તેના 15 પોઇંટ થાય આ સંજોગોમાં મુંબઇએ તેની ત્રણ મેચમાંથી બે મેચ જીતીને દિલ્હીથી આગળ નીકળવાનું રહેશે.
આગામી શનિવારને 24મીએ દિલ્હી અને મુંબઇ વચ્ચે ફિરોઝ શાહ કોટલા ખાતે જ આગામી મેચ રમાવાની છે. જે બંને ટીમ માટે અત્યંત મહત્ત્વની બની રહેશે.