રાજસ્થાન 105 રનથી જીત્યું-ફાઇનલમાં પ્રવેશ
દિલ્હીને 105 રને પરાજય આપ્યો, વોટસન પ્રથમ સેમીફાઇનલનો "મેન ઓફ ધ મેચ"
મુંબઇ. રાજસ્થાન ટીમનો ઓલરાઉન્ડર વોટસન અને યુસુફ પઠાણની શાનદાર ફટકા બાજીથી તેમજ બોલર્સના ઘાતક પ્રદર્શનથી રાજસ્થાન રોયલ્સનો પ્રથમ સેમિફાઇનલમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે 105થી શાનદાર વિજય થયો છે. અને દિલ્હીની ધડમુળથી અલગ કરીને રાજસ્થાને ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કરી લીધો હતો.
રાજસ્થાનના નવ વિકેટે 192 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર દિલ્હીની ટીમ 16.2 ઓવર્સમાં માત્ર 87 રન બનાવી શકી હતી. આઇપીએલમાં આ બીજો સર્વશ્રેષ્ઠ વિજય રહ્યો હતો. વોટસન અને મુનાફે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જંગી સ્કોર સામે મેદાને પડેલી દિલ્હીની ટીમ વોટસનના આક્રમણ સામે ઝૂકી ગઇ હતી અને તેણે સુકાની સેહવાગ (3) સહિત માત્ર 24 રનના જુમલે તેના ટોચના ત્રણ બેટ્સમેન ગુમાવી દેતાં તેનો માર્ગ કપરો બન્યો હતો.
ગંભીર(11) અને ધવન(5) ટૂંકા ગાળામાં આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ મુનાફ અને સિદ્ધાર્થે રાજસ્થાનને વધુ બે સફળતા અપાવતાં ફાઇનલમાં પ્રવેશ કરવાની દિલ્હીની આશાઓ ધૂંધળી બની હતી. સુકાની શેન વોર્ને દિલ્હી તરફથી સર્વાધિક 33 રન નોંધાવનાર દિલશાનને આઉટ કર્યા બાદ મહારૂફને પણ પેવેલિયન પરત મોકલ્યો હતો.આ અગાઉ યુસુફ પઠાણની તોફાની ઇનિંગ્સ અને વોટસનની અડધી સદી વડે રાજસ્થાનની ટીમે નવ વિકેટે 192 રન નોંધાવ્યા હતા. યુસુફે ચાર સિકસર અને ત્રણ બાઉન્ડ્રી વડે 45 રન બનાવ્યા હતા.
25 વર્ષીય વડોદરાના ઓલરાઉન્ડરે વોટસનને સારો સાથ આપ્યો હતો. વોટસને 29 બોલમાં ચાર સિકસર અને ત્રણ બાઉન્ડ્રીની મદદથી 52 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર્સ ગ્રીમ સ્મિથ (25) અને આસનોડકરે (39) પ્રથમ વિકેટે 40 બોલમાં 65 રનની ભાગીદારી નોંધાવીને પોતાની ટીમને આક્રમક શરૂઆત કરી આપી હતી. રાજસ્થાનની ટીમે છેલ્લી દસ ઓવરમાં 109 રન નોંધાવીને પોતાની સ્થિતિ અત્યંત મજબૂત કરી લીધી હતી.