મુંબઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 31મી મેના શનિવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ ઈલેવન વચ્ચે ઈન્ડિયન પ્રિમિયર લીગની બીજી સેમીફાઈનલ રમાશે. ટ્વેન્ટી 20 ક્રિકેટમાં કંઈ પણ કહી શકાય નહીં જો કે શોન માર્શ સહિતના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને ધ્યાનમાં લેતા ચેન્નઈ કરતાં પંજાબની સ્થિતિ વધુ મજબૂત જણાય છે.
ઓસ્ટ્રેલિયાના આ ડાબોડી ખેલાડીએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે. અન્ય તમામ બેટ્સમેનોને ઝાંખા પાડીને તેણે પોતાની અદભૂત રમતથી કરોડોના દિલ જીત્યા છે. ચેન્નઈની ટીમના વિજયના માર્ગમાં તે સૌથી મોટો અવરોધ હોવાનું જણાય રહ્યું છે. તેણે 10 મેચમાં 593 રન ખડક્યા છે.
આ બાજુ આજે આઇપીએલમાં લગભગ દોઢ મહિના સુધી હાર-જીતનો સામનો કર્યા બાદ પોઇન્ટ ટેબલમાં મોખરે રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ શુક્રવારે ચોથા ક્રમની દિલ્હીની ટીમ સામે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ સેમીફાઇનલમાં ટકરાશે.
બંન્ને સેમીફાઈનલના વિજેતાઓ પહેલી જૂનના રોજ ટકરાશે. પંજાબ પાસે માર્શ સિવાય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સ પણ છે. કુમાર સંગકારા અને માહેલા જયવર્ધનેનો દેખાવ પણ શ્રેષ્ઠ રહ્યો છે. પ્રથમ ટ્વેન્ટી 20 કપમાં પોતાના દેખાવથી સ્તબ્ધ કરનાર યુવરાજ પણ પંજાબની તાકાત છે.