મુંબઇ. આજે આઇપીએલમાં ખરાખરીનો જંગ ખેલાશે વોર્ન અને સેહવાગની ટીમ સેમી ફાઇનલ જીતવા આતુર છે. આજે રાત્રે 8.00 કલાકે સેટ મેકસ પરથી પ્રસારણ થશે. આઇપીએલમાં લગભગ દોઢ મહિના સુધી હાર-જીતનો સામનો કર્યા બાદ પોઇન્ટ ટેબલમાં મોખરે રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ આજે ચોથા ક્રમની દિલ્હીની ટીમ સામે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં ટકરાશે.
18મી એપ્રિલથી શરૂ થયેલી આઇપીએલની ટ્વેન્ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ જોરદાર રમત દાખવી હતી અને તેમાંથી મોખરે રહેલી ચાર ટીમો વરચે બે સેમિફાઇનલ રમાશે. રાજસ્થાનની ટીમ ટુર્નામેન્ટમાં 14માંથી ત્રણ મેચ જ હારી છે જેની સરખામણીએ દિલ્હીની ટીમ 14માંથી છ મેચ હારી છે.
બંને ટીમ સરખી જ તાકાત ધરાવે છે ત્યારે શુક્રવારનો મુકાબલો રોમાંચક બને તેવી સંભાવના છે. આ મેચમાં જે ટીમ છેક સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવતી હશે અને સામે આવેલી તક ઝડપી લેવાની તાકાત ધરાવતી હશે તે રવિવારે રમાનારી ફાઇનલમાં પહોંચશે અને શનિવારની બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સામે રમશે. શનિવારે ચેન્નાઇ અને પંજાબ વરચે બીજી સેમિફાઇનલ રમાશે.
આઇપીએલનો પ્રારંભ થયો ત્યારે કોઇએ રાજસ્થાન રોયલ્સને ટાઇટલની દાવેદાર તો શું પણ સેમિફાઇનલ સુધી પહોંચવાની આશા પણ રાખી નહોતી. એમાંય પહેલી જ મેચમાં દિલ્હી ડેર ડેવિલ્સ સામે 129 રનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ખખડી ગઇ કે તરત જ તેના નામનું અનેકે નાહી નાખેલું .
ક્રિકેટમાં કોઇ એક મેચનું પરિણામ પથ્થરની લકીર નથી હોતું એ વાત સતત સરસ પરફોર્મન્સથી શેન વોર્નની ટીમે પુરવાર કર્યું. તો દિલ્હી ડેરડેવિલ્સ માટે પણ આઇપીએલની સફર રોલર કોસ્ટર રાઇડ જેવી રહી છે.બે જીત બાદ એક હાર અને પછી બે જીતો બાદ સતત ચાર મેચોમાં હારથી દિલ્હી ડેરડેવિલ્સના સેમિફાઇનલમાં પ્રવેશ સામે શંકા સેવાતી હતી.
રાજસ્થાન વતી સોહૈલ તનવીરે 21 વિકેટ લઇ આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની પર્પલ કેપ મેળવી છે. તો, સૌથી વધુ રન કરનારાઓની યાદીમાં દિલ્હીના ગૌતમ ગંભીર પાસેથી શૌન માર્શે ઓરેન્જ કેપ મેળવી છે. વાનખેડે સ્ટેડિયમમાં પહેલી સેમિફાઇનલને લઇને ઉત્સાહમાં થોડી ઓટ આવી છે, કેમકે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આઉટ થઇ ગઇ છે.