Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ સાથે એક મુલાકાત

ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ સાથે એક મુલાકાત

હરેશ સુથાર

પાક્કા ગુજરાતી, સ્વભાવે શરમાળ પ્રકૃતિ, વાત કર્યા પછી લાગે એક અદ્દલ ગુજરાતી. પરંતુ શાંત દેખાતી આ વ્યક્તિમાં ખંતનો દરિયો ઘુઘવી રહ્યો છે. એક સમયે બાંધકામ માટે આપણે વિદેશમાંથી મશીનો આયાત કરવા પડતા હતા. પરંતુ ગુજરાતના આ સાહસવીરે આ ક્ષેત્રે ઝંપલાવી ચિત્ર બદલી નાખ્યું. ગુજરાત એપોલો રોડ પેવર સહિતના મશીનોનું સફળતા પૂર્વક ઉત્પાદન કરી આયાતને નિકાસમાં ફેરવી, આ સાહસવીર એટલે મહેસાણાના વતની અને ગુજરાત રાજ્યના માજી ઉદ્યોગમંત્રી અનિલભાઇ પટેલ.

ત્રણ દાયકા અગાઉ શરૂ કરેલી ગુજરાત એપોલોમાં બનતા રોડ પેવર મશીનો આજે 25 જેટલા દેશોમાં નિકાસ થાય છે. તો આવો આજે અદના ઉદ્યોગપતિ, સફળ ઉદ્યોગમંત્રી સાથે તેની સફળતાના રહસ્યો માણીએ....


પ્રશ્ન : આપને રોડ પેવર જેવા મોટા મશીન બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ?

હું અમેરિકામાં એંજિનિયરીંગનો અભ્યાસ કરી આવ્યો હતો. કંઇક નવું કરવાની તમન્ના હતી. અમેરિકન કંપનીઓનો સંપર્ક કરીને ગુજરાત સરકારના જી.આઇ.આઇ.સી સાથે રહીને ગુજરાત એપોલો કંપનીની સ્થાપના કરી. અને એમાં અમેરિકન ટેકનોલોજી આધારીત મશીનરી બનાવવાનું શરૂ કર્યું. જે સમગ્ર ભારતમાં બાંધકામ ક્ષેત્રે ખૂજ જ સ્વીકૃતી પામી.

પ્રશ્ન : ગુજરાત એપોલોના શરૂઆતના દિવસો કેવા હતા ?

શરૂઆતની સફળતાથી પ્રેરાઇને અમે એ પ્રકારના મશીનોને વધારેને વધારે માર્કેટમાં મુક્યા, પરતું 1980ના દાયકા પછી ખાસ કરીને 1985 પછી જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી આવ્યા ત્યારે કેન્દ્ર સરકારે પણ આધુનિકરણનો એક કોન્સેપ્ટ "બાંધકામ ક્ષેત્રે આધુનિકરણ" દાખલ કરવાનું નક્કી કર્યું. ભારતમાં રોડ, રસ્તા બનાવવા માટે વાજપાઇ સરકારે ગોલ્ડન કોર્ડએંગલ અને ઇસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ હાઇવેના મોટા કામોની શરૂઆત કરી ત્યારે આવા આધુનિક મશીનરી દ્વારા ઝડપથી રસ્તા બની શકે એ પ્રકારની મશીનરીની જરૂરીયાત ઉભી થઇ, એ વખતે એંજિનિયરોને તાલીમ આપવામાં, કામદારાને તાલીમ આપવામાં ખાસી જરૂરી સ્પેરપાર્ટસ મેળવવામાં તકલીફ પડી હતી. પરંતુ દરેક ક્ષેત્રે અન્ય કંપની સાથે સહયોગ કરી મુશ્કેલીઓ હલ કરી હતી.

પ્રશ્ન : સરકાર તરફ કોઇ પ્રોત્સાહન મળ્યું હતું ખરૂ ?

1990ના દાયકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે જ્યારે ટાઇફ્કેટ (ટેકનોલોજી ફોર ઇન્ફોર્મેશન એસેસમેન્ટ કાઉન્સિલ) માં બાંધકામ ક્ષેત્રે આધુનિકરણનો કોન્સેપ્ટ આપી જે મશીનો 1980-90ના દાયકામાં વિદેશથી આયાત થતા હતા તે મશીન ભારતમાં કેવી રીતે બની શકે એ માટે અમને પ્રોત્સાહિત કર્યા. અમે આ પડકાર ઉપાડ્યો હતો અને તનતોડ મહેનતના અંતે ધારી સફળતા મેળવી સ્વદેશી બનાવટની મશીનરી બનાવી હતી.

પ્રશ્ન : આ કાર્યમાં કોઇ વિદેશ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે ખરો ?

જાપાનીઝ કંપની સાથે પણ સહયોગ કરી પેવર સાથે આસફાલ્ટ બેચ મીક્સ પ્લાન્ટ પણ અમે આજે ગુજરાત એપોલોમાં બનાવીએ છીએ. આ ક્ષેત્રે દેશની જે જરૂરીયાતો હતી તે આજે અમે મહંદઅંશે પુરી કરીએ છીએ.

પ્રશ્ન : સ્વદેશી રોડ પેવર મશીનોની વિદેશમાં કેવી ડિમાન્ડ છે ?

ગુજરાત એપોલોમાં બનેલા મશીનોનો આજે દુનિયાના 25 કરતાં વધુ દેશોમાં ઉપયોગ થાય છે. ઓસ્ટ્રેલીયા, થાઇલેન્ડ, મીડલ ઇસ્ટમાં આફ્રિકન દેશ, યુરોપના પણ કેટલાક દેશોમાં પણ અમારી મશીનરીને મોકલી શક્યા છીએ.

પ્રશ્ન : વિદેશની સામે આપણી મશીનરી કેવી છે ?

આ મશીનરીને ભારતમાંથી આયાત કરી આ મશીનરીને જે પ્રકારની બનાવટ છે એમાં ભારતને ખર્ચની દ્રષ્ટિએ ફાયદો છે. આટલા ખર્ચમાં બીજા દેશો આ ઉત્પાદન ના કરી શકે. આપણા ત્યાં જે સ્કીલ્ડ વર્કસ છે તે અન્ય કોઇ ના કરી શકે.

પ્રશ્ન : આ સફળતા બાદ આપ શુ અનુભવો છો ?

ભારતના ઇજનેરો દ્વારા બનાવેલી બાંધકામ ક્ષેત્રની મશીનરી વિશ્વના અન્ય દેશોમાં સ્વીકૃતિ પામી છે અમારે મન ગૌરવ છે. જે મારૂ સપનું હતું તે પૂર્ણ થયેલું લાગ્યુ, ત્યાંથી આગળ વધી અન્ય વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણનો લાભ મળી રહે એ માટે ગણપત યુનિવસિર્ટીની સ્થાપના કરી.

પ્રશ્ન : સફળતાનો શ્રેય આપ કોને આપો છો ?

સફળતાનો ક્ષેય જે મેં એંજિનિયરીંગની તાલીમ લીધી તે, હુ એંજિનિયર થયો, મને એ વખતે મારા પરિવારના સભ્યોએ એંજિનિયરીંગ માટે પ્રોત્સાહિત કર્યો. મારા વડીલ બંધુ મણીભાઇએ પરદેશ જવા માટે પ્રોત્સાહિત કર્યો અને પરદેશમાં ગયા પછી મને વિશ્વના ઉદ્યોગો અંગેની જાણકારી પ્રાપ્ત થઇ એના કારણે હું માનું છું કે હું આ સફળતા મેળવી શક્યો છું.

પ્રશ્ન : સફળ ઉદ્યોગપતિ બનવા યુવાનોને આપ શુ કહેશો ?

મારૂ તો એવું માનવું છે કે યુવાને પોતાની યુવાનીમાં શિક્ષણ પ્રત્યે સવિશેષ ધ્યાન આપવું જોઇએ. અને પોતાની રૂચિ જોઇને જે પ્રકારના વ્યવસાયમાં તે સફળ થઇ શકે. પરંતુ એના માટે એને પ્રાથમિક તાલીમ જોઇએ, કારણકે તાલીમ વિના સફળતા હવેના જમાનામાં શક્ય બનાવાની નથી., કોમ્પ્યુટરનું એજ્યુકેશન, અંગેજીનું જ્ઞાન અને સામાન્ય પર્સનાલીટી ડેવલપમેન્ટ તેમજ જે તે વિષયમાં નિપુણતા મેળવવી જરૂરી છે.

પ્રશ્ન : ગુજરાતી યુવાનો અંગે આપ શુ કહેશો ?

ગુજરાતીઓના સ્વભાવમાં સાહસિકતા પડેલી છે, અને એના કારણે તેઓ ટેકનીકલ ક્ષેત્રે, ફાર્મસીના વ્યવસાયમાં, મેનેજમેન્ટ, નાણાકીય વિભાગમાં પોતાનું કે વ્યાપર રોજગારમાં પણ આગળ વધી શકે છે.

પ્રશ્ન : આપ એક ઉદ્યોગમંત્રી રહી ચુક્યા છો, તો ઉદ્યોગમંત્રીની નજરે ગુજરાતનો વિકાસ કેવો છે ?

ઉદ્યોગમંત્રી તરીકે મેં ગુજરાતના મુખ્યમંત્રીની પ્રેરણાથી જે ઉદ્યોગ નીતિ બનાવી હતી. એના ખૂબ સારો પરિણામો ગુજરાત રાજ્યે જોયા છે. ગુજરાત આજે ઔદ્યોગિક ક્ષેત્રે ડબલ ડીઝીટ ગ્રોથ, જેને કહેવાય 10 ટકા કરતાં વધુ વિશેષ વિકાસ દર, જે નવિશ્વના જે ભાગ્યે જ કોઇ દેશ હાંસલ કરી શક્યું છે.

પ્રશ્ન : આગામી સમયમાં લઘુ ઉદ્યોગો ટકી રહે છે ખરા ?

લઘુ ઉદ્યોગોને જરૂર સમસ્યા છે. જે માટે ભારતક સરકારે માઇક્રો સ્મોલ મીડિયમ ઇન્ટરપ્રાઇઝનો કાયદો બનાવ્યો છે. અને રાજ્ય સરકારે પણ આ અંગે અનુસાંગિક પગલાં ભર્યા છે.

વેબ દુનિયાને શુભેચ્છા

મને જણાવતાં હર્ષ થાય છે કે વેબ દુનિયા મારફતે જુદા જુદા વિષયોને લઇને પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે ત્યારે હું આ વેબ ચેનલ અને દર્શકો સુધી પહોંચવાના તેમના અભિગમને હાર્દિક અભિનંદન પાઠવું છુ.

Share this Story:

Follow Webdunia gujarati