Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્રિજ ના હોય ત્યારે ખાવા-પીવાની વસ્તુઓ કેવી રીતે બગડતા બચાવવી?

ફ્રિજ ના હોય ત્યારે ખાવા-પીવાની વસ્તુઓ કેવી રીતે બગડતા બચાવવી?
, ગુરુવાર, 11 જૂન 2015 (14:59 IST)
આજકાલ ફ્રિજ વગરનું ઘર શોધવું મુશ્કેલ વાત છે પણ એટલું તો તમે માનશો જ કે ઘણીવાર આપણું ફ્રિજ અચાનક ખરાબ થઇ ગયું હોય કે ક્યારેક વીજળીના ધાંધિયા થાય ત્યારે ફ્રિજમાં રાખેલા ખાદ્યપદાર્થો બગડવા માંડે કે સડી જતાં હોય અને છેવટે એ ફેંકી દેવા પડતા હોય છે. ઘણીવાર બહાર રાખેલા ખાદ્યપદાર્થો ગરમીને કારણે કે અન્ય કોઇ કારણસર બગડી જતા હોય છે. અનેક ઠેકાણે કાયમી વીજળીકાપ ચાલતો હોય છે. તો આવી સ્થિતિમાં મહિલાઓ માટે ખાદ્યપદાર્થને કઇ રીતે સુરક્ષિત રાખવો એ મોટી સમસ્યાનો વિષય બનતો હોય છે. આજે આ લેખમાં કેટલાંક ખાદ્યપદાર્થોને કઇ રીતે બગડતા બચાવવા એ વિશે થોડીક ટિપ્સ આપવા માગું છું.

ફ્રિજ ખાદ્યપદાર્થોમાં બેક્ટેરિયાના ઉત્પાદનને રોકવા સાથે એમને તાજાં રાખે છે. આ લેખમાં આપેલા ઉપાયો જો તમે તમારી માતાને કહેશો તો એમને જરાય નવાઇ નહીં લાગે કારણ કે પહેલાના જમાનામાં જયારે ફ્રિજ ઘરેઘર નહોતું પહોંચ્યું ત્યારે આ રીતે ખાવાપીવાની વસ્તુઓની કાળજી લેવામાં આવતી હતી.

શાકભાજી

શાકભાજીને સુરક્ષિત રાખવાનો એક ઉપાય છે એમને કાપીને તડકામાં સુકવી દેવી. તડકામાં સુકવવાથી એમાંના બેકટેરિયાનો નાશ થશે. સુકવવાથી શાકભાજીમાંથી પાણી નીકળી જવાને કારણે એનો સ્વાદ પણ વધારે સારો બનશે. રાજસ્થાનમાં તો આજની તારીખમાં પણ શાકભાજીને સૂકવવાની પ્રણાલી કાયમ છે. ત્યાં બજારમાં તમને કોથમરી પણ સુકવેલી અને કોથળીમાં પેક કરીને વેંચાતી દેખાશે.

દૂધ

દૂધને ફ્રીઝ વગર માત્ર ઉકાળીને જ સાચવી શકાય. જો તમે ગરમ પ્રદેશમાં રહેતા હો તો કયાં તો એને અમુક કલાકને અંતરે સતત ઉકાળતા રહેવું અથવા તો એ ઉકાળ્યા બાદ એમાં એક ચમચો મધ મેળવી દેવું. મધ મેળવવાથી ખાદ્યપદાર્થો જલ્દીથી ખરાબ નથી થતા.

બટર અને જેમ

બજારમાંથી ખરીદેલાં બટર અને જેમમાં રાસાયણિક પ્રિઝર્વેટિવ મેળવેલા હોવાથી એ જલ્દીથી ખરાબ નથી થતા. ઘરમાં બનાવેલા બટર અને જેમ ખરાબ થવાની શક્યતા વધારે હોય છે. બટર અને જેમને બગડતાં બચાવવા માટે એમને ઠંડા પાણીમાં રાખવા જોઇએ. આ જેમની બોટલને ઠંડા પાણીમાં રાખવાથી એ વધુ વખત સચવાઇ રહેશે. બટરને વાટકીમાં ઠંડું પાણી લઇને એમાં રાખવું હિતાવહ છે.

બિસ્કિટ અને સ્નેક્સ

બિસ્કિટ અને સ્નેક્સ મોટેભાગે શેકેલા અથવા તો તળેલાં હોવાથી આમ તો જલ્દીથી બગડતા નથી, પરંતુ ઘણીવાર નરમ થઇ જતા અથવા તો હવાઇ જતા હોય છે. બને ત્યાં સુધી આવી વસ્તુઓને ફ્રિજમાં રાખવાને બદલે હવાચુસ્ત ડબ્બામાં અથવા તો હવે તો બજારમાં હવાચુસ્ત કોથળીઓ મળે છે એવી કોથળીઓમાં રાખવા જોઇએ.

ઇંડાં

આમ તો મોટાભાગના ગુજરાતી ઘરોમાં ઇંડાં ખાવાનો રિવાજ ઓછો છે પરંતુ આજકાલનાં મોર્ડન ગુજરાતી ઘરોમાં અને ખાસ કરીને જયાં પતિપત્ની બંને નોકરીએ જતાં હોય છે એમનાં ઘરોમાં ઇન્સ્ટન્ટ ખોરાક તરીકે ઇંડાં ખાવાનું પ્રચલન વધ્યું છે. ઇંડાને ગરમીને કારણે બગડવાની શક્યતા ટાળવા માટે તમે એને કયાં તો ઠંડા પાણીમાં મૂકી રાખો અથવા તો ઇંડાને ઉકાળીને તળી લેવા. ઉકાળીને તળેલા ઇંડાને કાગળ વીંટાળીને વાટકામાં રાખવાથી એ બગડતા નથી.

સૂકોમેવો

સૂકોમેવો સૂકવેલો હોવાથી મહિનાઓ સુધી બગડતો નથી, પરંતુ તમને કદાચ અનુભવ હશે કે ઘણીવાર સૂકામેવામાં જીવડાં પડી જતાં હોય છે. આ જીવડાં થવાનું કારણ વાતાવરણમાં રહેલો ભેજ છે. ભેજવાળા વાતાવરણમાં સૂકામેવામાં કીડા થઇ જતાં હોય છે. આ માટે તમારે સૂકામેવાને થોડીવાર તડકામાં રાખવા અને પછી હવાચૂસ્ત ડબાઓમાં ભરી દેવા જોઇએ. કીડાથી બચાવવા માટે તમારે સૂકામેવાને રોજ તડકે મૂકવા.



Share this Story:

Follow Webdunia gujarati