Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજની હોળી ક્યાં પહોંચી છે !

આજની હોળી ક્યાં પહોંચી છે !
હોળી એટલે ઘાણી-ચણા-ખજૂર ખાવાનો દિવસો, હોળી એટલે સેવઈઓ બનાવવાના દિવસો, હોળી એટલે રંગબેરંગી રંગોનો તહેવાર. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ તહેવાર એવો નથી હોતો જેને કોઈ નાપસંદ કરતુ હોય કે કોઈ તહેવાર એવો નથી જે દિવસે કોઈ બહાર નીકળવાનુ ટાળતુ હોય. પણ હોળી એ એક એવો દિવસ છે જેમાં તમને 40 ટકા લોકો એવા જોવા મળશે જે આ તહેવારને નાપસંદ કરતા હોય. તહેવાર ના પસંદ કરવનુ કારણ માત્ર છે આજની બેઢંગ રીતે રમાતી હોળી.

હોળીના દિવસે જરૂરી નથી કે આપણે લાકડા જ બાળવા જોઈએ, તે દિવસે તમે તમારુ જૂનુ ફર્નિચર, કાગળો વગેરે જેવી વસ્તુઓ પણ ભેગી કરીને બાળી શકો છો, પણ હોળી આવતા જ લોકો ગમે તે રીતે જોયા વગર ઘણીવાર લીલા ઝાડ પણ કાપી નાખે છે. હોળીના નામે લોકો રસ્તામાં લોકો પાસેથી જબરજસ્તી ફાળો એકઠો કરે છે.

હોળીના દિવસે તો આપણે પૂજન કરવામાં અને અવનવી મીઠાઈઓ ખાવામાં વીતાવીએ, પણ બીજા દિવસે એટલેકે ઘૂળેટીના દિવસે મોટા ભાગના લોકો એવુ વિચારે છે કે ચાલો આજે ક્યાંક આઉટ ઓફ સીટી નીકળી જઈએ. કેટલાક ઘરની અંદર જ એક રૂમમાં બંધ થઈને ટીવી સામે ગોઠવાઈ જાય અને ઘરમાં બધાને કહી દે કે જો કોઈ મારી પૂછપરછ કરે તો કહેજો કે હું ઘરમાં નથી. રંગબેરંગી રંગ કોણે ન ગમતા હોય ? જેનુ જીવન નીરસ હોય તે જ આ બધી વાતોથી દૂર રહે.

સાચુ કહીએ તો કોઈ રંગોથી દૂર ભાગવા નથી માગતુ, પણ આજે જે રીતે ધૂળેટી રમવાનુ પ્રચલન શરૂ થઈ ગયુ છે તેનાથી મોટાભાગના લોકોને આની ચીડ ચડે છે. આજે કોઈ ગુલાલ માત્રથી જ રમતા નથી, પણ પાકાં રાસાયણિક રંગોથી હોળી રમે છે. જે રંગો અઠવાડિયા સુધી નીકળતા નથી અને સ્કીન પર અને આંખો પર અસર થાય છે તે જુદી. કેટલીક જગ્યાએ તો માટીનુ કાદવ બનાવીને તેમાં લોકોને પકડી પકડીને નાખવામાં આવે છે. આ પ્રકારની જબરજસ્તી કોઈના માટે મજાક છે તો કોઈના માટે અપમાન.

ઘૂળેટી રમવાનો વિરોધ નથી પણ નુકશાનદાયક રંગોથી રમવુ, યુવતીઓ પર પાણી નાખીને તેમની મજાક ઉડાવવી, રસ્તામાં જતા લોકો પર ગમે તેવા રંગો ફેંકવા એ કેટલી હદે યોગ્ય છે ? ઘણા લોકો તો નાના-નાના બાળકોને પણ પકડીને રંગ લગાવીને મજા લે છે, પણ એ નથી જોતા કે નાના બાળકોના આંખમાં કે મોઢામાં રંગ જવાથી તેની અસર શુ થશે.

આજે આપણા દેશની એક મોટી સમસ્યા પાણી છે. જેને બચાવવુ દરેક નાગરિકનુ કર્તવ્ય છે. પણ એક હોળીના દિવસે જ એટલુ પાણી વેસ્ટ જાય છે જેટલુ એક અઠવાડિયામાં પણ નહી જતુ હોય. એક સાચા નાગરિક તરીકે આપણે આવા દિવસે કોરી હોળી રમવી જોઈએ. કુદરતે આપણને ઘણા કુદરતી રંગ આપ્યા છે. આ ઉપરાંત અબીલ, ગુલાલ વગેરે એવા રંગો છે જેનાથી કોઈ નુકશાન પણ નથી થતુ અને જેને કોરો લગાડીને પણ ધૂળેટી રમી શકાય છે.

હોળીનો તહેવાર એવી રીતે ઉજવવો જોઈએ જેનાથી આપણે કારણે બીજી વ્યક્તિને કોઈ પણ જાતનુ મનદુ:ખ કે નુકશાન ન થાય, આવી રીતે હોળી ઉજવીશુ તો લોકો આવતા વર્ષે હોળી આવવાની આતુરતાથી રાહ જોવાશે.

Share this Story:

Follow Webdunia gujarati