હોળીમાં વપરાત રંગો ઘાતક-ચામડી સર્જન
હોળીના રંગોમાં સૌથી જોખમકારક વસ્તુ હોય તો એનિલિન ડાય એટલેકે કૃત્રિમ રંગો છે
હોળી એ રંગોનો અને કેસુડાથી રંગાઈ જવાનો તહેવાર છે, એક બીજા પર ગુલાલ છાંટીને પિચકારીઓ ફેકી આનંદ મનાવવાનો તહેવાર છે પરંતુ આજના જમાનામાં હોળીમાં વપરાતા રંગો એ આનંદ નહી પરંતુ ખેલૈયાઓના સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડા કરતા ઘાતક રંગો છે. એવું કહેવાય છે કે આજકાલ હોળીના રંગોમાં જે મીલાવટ થાય છે તે રસાયણો આપણા માટે ખુબ ઘાતક છે. હકીકતમાં તો આ રંગો રસાયણિક દવાઓ અને કપડા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા હોય છે.પ્રાપ્ય માહિતી અનુસાર, હોળી- ધુળેટીનાં પર્વ દરમિયાન બજારમાં મળતા વિવિધ રંગોમાં હાનિકારક કેમિકલ્સ હોય છે. આ રંગોમાં કાપડમાં વપરાતાં વિવિધ કલર્સનાં પિગમેન્ટને નદીની રેતી, ડોલામાઇટ, વાસણ ઘસવાના પાવડર અને કાચના બારીક ભૂકાને એક મિકસર જેવા મશીનમાં બારીક કરીને જોઇતો કલર બનાવાય છે. પરંતુ, રંગોની કાપડ પર પ્રોસેસ થવાથી ચામડી પર વિપરિત અસર થતી નથી, જયારે પ્રોસેસ વગરનાં રંગોમાંથી લેડ ઓકસાઇડ, કોપર સલ્ફેટ, મરકયુરી સલ્ફાઇડ, સીલિકા, એસ્બેસ્ટોસ જેવાં તત્ત્વો છૂટાં પડે છે, જેથી આ રંગો ચામડી સાથે એવાં ચીપકી જાય કે ચાર દિવસ સુધી પીછો છોડતા નથી, પર્વનાં ઉન્માદમાં આ રંગોથી વ્યકિતનાં આંખ, નાક અને ચામડી જેવાં અંગો પર ઘાતક અસર થવાથી કેટલાંક લોકો અસાઘ્ય બીમારીનો ભોગ પણ બની શકે છે.આ જ સંદર્ભે રાજકોટની શિવમ હોસ્પિટલના આંખના સર્જન(આઇસ સ્પેશિયાલિસ્ટ) ડો. આર કે પરિખ જણાવ્યું કે, હોળીમાં વપરાશમાં લેવાતા રંગબેરંગી રંગોમાં ભારે પ્રમાણમાં મેટલ, એસિડ, અલ્કલીઝ અને કાચનો ભૂકો જેવા ઝેરી પદાર્થો હોય છે, જેનાથી રમવાથી અનેક પ્રકારના ત્વચાના રોગો, એલર્જી, આંખના રોગો, કીકીને નુક્શાન અને અનેક પ્રકારની ગંભીર સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ ઊભી થવાના જોખમો છે. હોળીના રંગોમાં સૌથી જોખમકારક વસ્તુ હોય તો એનિલિન ડાય એટલેકે કૃત્રિમ રંગો. ચિંતા જનક બાબત એ છે કે હોળીમાં કુદરતી રંગોની જગ્યાએ આજકાલ આ પ્રકારના રંગોનું જ વધારે ચલણ છે. જ્યારે સ્કીન(ચામડી) સર્જન(ડરમિટિલોજી) ડો. એસ.ટી. પટેલે જણાવ્યું હતું કે, પેસ્ટ તરીકે બજારમાં ઉપલબ્ધ રંગોમાં ઝેરી તત્વોનો પ્રમાણ વધુ હોય છે જેમાં એન્જીન ઓઈલ અથવા અન્ય ઉતરતી કક્ષાના ઓઈલનું મિશ્રણ હોય છે જે ત્વચાને ખુબ જ નુક્સાન પહોંચાડે છે. ક્યારેક તો આ પ્રકારના રંગો જો આંખમાં જાય તો હંગામી રીતે દ્રષ્ટિ ખોવાઈ જવાનો ભય પણ ઊભો થાય છે.
એવું નથી કે માત્ર ખતરનાક કૃત્રિમ રંગો જ નુક્સાન પહોંચાડે છે. આપણે જે રીતે હોળી રમતા હોઈએ છીએ તે પણ ક્યારેક ઘાતક નીવડે છે. ડો. પટેલે આ બાબતે વધુમાં કહે છે કે હોળીમાં અનેક લોકોને ખાસ કરીને બાળકોને પાણી કે રંગો ભરેલા ફુગ્ગા ફેંકવાની આદત હોય છે જે ક્યારેક આંખમાં કે કાનમાં ઈજા પહોંચાડે છે. આથી આવી હોળી રમવાની રીતોથી બચવું જોઇએ. હોળી એ નિર્દોષ તહેવાર છે આથી તેની સુંદરતા પણ રાસાયણિક રંગોથી નહીં પરંતુ કુદરતી રંગોથી રમવાથી જ નીખરી આવે છે.
કુદરતી રંગોમાં ફૂલોના રંગ, બીટ, હળદર, રેડ સેંડલવુડ પાવડર કે પછી સુરક્ષિત ખાવાના રંગોનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત કેસુડા અને કુદરતી ગુલાલ તો ખરા જ. હોળીમાં બને એટલા કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો બધા માટે હિતાવહ છે.