હિન્દી ફિલ્મોમાં પહેલા આવનારી ફિલ્મનું પોસ્ટર લોન્ચ થાય, પછી તેનું મ્યુઝિક આલ્બમ લોન્ચ થાય ત્યાર બાદ ટ્રેલર રિલીઝ થાય અને છેવટે ફિલ્મ. આ જ પેટર્નને હવે ગુજરાતી ફિલ્મો પણ ફોલો કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ ‘થઇ જશે’ નું લગભગ એક મહિના અગાઉ અમદાવાદમાં પોસ્ટર લોન્ચ થયું હતું અને હાલમાં જ તેનું મ્યુઝિક આલ્બમ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
અમદાવાદની સ્ટાર હોટલમાં ઉજવાયેલી ગ્રાન્ડ સેરેમની દ્વારા કરાયેલા આ લોન્ચ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર અજય પટેલ, વિજય પટેલ તેમજ ભાવેશ પટેલ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર નીરવ બારોટ પણ હાજર રહ્યા હતા. હેમાંગ ધોળકિયાની આ પહેલી ફિલ્મ છે અને ફિલ્મના ગીતો મિલિન્દ ગઢવી અને જય ભટ્ટે લખ્યા છે. મિડિયા સાથે ચર્ચા કરતા હેમાંગ ધોળકિયાએ જણાવ્યું હતું કે ‘થઇ જશે’ નું સંપૂર્ણ મ્યુઝિક તૈયાર કરતા તેમને લગભગ સાત મહિનાનો સમય લાગ્યો હતો. હેમાંગભાઈએ ફિલ્મનું સંગીત જાણીતા બોલિવુડ ટેકનિશિયન્સ સાથે મળીને તૈયાર કર્યું છે અને તેનું માસ્ટર અને મિક્સિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. આમ ગુજરાતી ફિલ્મો પણ હવે લેટેસ્ટ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે.
‘થઇ જશે’ ના મુખ્ય કલાકારોમાં મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, હેમાંગ દવે, ભાવિની જાની, કુમકુમ દાસ અને મનોજ જોશી મુખ્ય છે.