Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ - મંદીમાંથી મિલિયોનેર કેવી રીતે બની ?

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ - મંદીમાંથી મિલિયોનેર કેવી રીતે બની ?
, ગુરુવાર, 26 મે 2016 (14:39 IST)
એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો લોકોનાં મનમાં વસી ગઈ હતી પણ એક દશકો એવો પણ આવ્યો જ્યારે આ ફિલ્મો જોવાનું જ લોકોએ બંધ કરી દીધું, આને માટે નિષ્ણાંતોએ વધી રહેલી પશ્ચિમી સંસ્કૃતિના વળગણને જવાબદાર ઠેરવ્યું હતું. જ્યારે લોકો એવું કહેતા જોવા મળ્યાં હતાં કે ગુજરાતી ફિલ્મોમાં એવું હવે શું રહ્યું છે કે તે જોવા જાય. એના કરતાં તો સાઉથની ફિલ્મો અને હોલિવૂડની ફિલ્મોમાં સારૂ મનોરંજન મળે છે. અમારે પાઘડા કે ખેતરોમાં થતો દેશી રોમાંસ નથી જોવો. તે છતાંય કેટલાક વર્ગને ગુજરાતી ફિલ્મો ગમતી હતી, જેમાં વિક્રમ ઠાકોર અને મમતા સોની જેવા કલાકારો સાવ અલગ અને દેશી અંદાજમાં લોકોની સામે પ્રકાશમાં આવ્યાં. આ દશકો એવો હતો જ્યાં કોઈ પણ પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મમાં પૈસા રોકતાં પહેલાં 10 વખત વિચાર કરતો હતો. જ્યારે ફિલ્મો મંદીમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યારે સરકારે ગુજરાતી ફિલ્મોને કરમુક્ત જાહેર કરીને તેને વ્યવહારૂ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે છતાય લોકોમાં ગુજરાતી ફિલ્મો જોવા માટેનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો.
ત્યાર બાદ છેલ્લા ચાર પાંચ મહિનાથી એવો પ્રવાહ વહ્યો જેમાં અર્બન ફિલ્મોના નામે ગુજરાતી ફિલ્મો અચાનક ચાલવા માંડી, બે યાર અને કેવી રીતે જઈશ થી લઈને ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોએ થીયેટરોમાં ધૂમ મચાવી દીધી, મુંબઈમાં પણ ગુજરાતી ફિલ્મોનો ધડાકો થયો, મુંબઈમાં પણ ગુજરાતી ફિલ્મો સારી રીતે ચાલવા માંડી. હાલમાં જોઈએ તો નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે 200થી વધુ ફિલ્મો હાલ ફલોર પર છે. અહીં એક સવાલ થાય છે કે એક સમયે માત્ર 10થી 15 લાખમાં બનતી ફિલ્મો અચાનક 2થી 3 કરોડ રૂપિયાના બજેટમાં બનવા માંડી અને તેમાંય વળી બોલિવૂડના કલાકારોની એન્ટ્રી જોવા મળી. નોંધનીય વાત એ છે કે આજે એક રીયાલિટી સંગીતના શોનો છોકરો દર્શન રાવલ રોમકોમ નામની ફિલ્મમાં ચમક્યા બાદ 50 લાખ રૂપિયાનું બજેટ માંગવા માંડ્યો છે. આટલું બજેટ કદાટ નરેશ કનોડિયા કે હિતેન કુમારે પણ નહીં માંગ્યું હોય, આ સમયમાં ગુજરાત સરકારે પણ સોનામાં સુગંધ ભળે તેમ ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવાની જાહેરાત કરી અને આખી ઈન્ડસ્ટ્રીમાં હર્ષ ફેલાઈ ગયો,
ફિલ્મકારો જ્યારે બેથી ત્રણ કરોડના બજેટમાં ફિલ્મો બનાવે ત્યારે તેમને પાંચ લાખ રૂપિયાની સબસીડી લેવી ગમે કે નહીં એતો તેમને ખબર પણ સામાન્ય રીતે જોઈએ તો પાંચ લાખ રૂપિયા એતો માત્ર ચાપાણી જેવી રકમ કહેવાય. અહીં સવાલ એ છે કે આટલા મોંઘા બજેટમાં અચાનક આટલી બધી ફિલ્મો કેમ બનવા માંડી, પ્રોડ્યુસરોએ ઈન્ડસ્ટ્રીઝમાં એવું તે શું જોયું કે તેમને ગુજરાતી ફિલ્મોમાં રોકાણ કરવાનું રીસ્ક લેવું પડ્યું, હાલમાં બોલિવૂડની સ્ટાઈલમાં ગુજરાતી ફિલ્મોનું પ્રમોશન થઈ રહ્યું છે, ટ્રેલર પોસ્ટર અને મ્યુઝિક રીલિઝની પ્રેસ કોન્ફરન્સો થાય છે. ત્યારે શું ખરેખર ગુજરાતી ફિલ્મો હવે કમાણી કરતી થઈ ગઈ છે એવો સવાલ લોકોના મનમાં સણસણી રહ્યો છે. કોણ આપે છે આટલા બધા રૂપિયા એવું કહેતા લોકો પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યાં છે. આખરે સવાલ એક જ છે કે મરી પરવારેલી ગુજરાતી ફિલ્મોને બજેટ અને માર્કેટ એકદમ કેવી રીતે મળ્યું, કેમ અચાનક અર્બન ફિલ્મો ચાલવા માંડી, શું સબસીડી માટે લોકો ફિલ્મો બનાવે છે. ક્યાંથી આવે છે આટલા બધા રૂપિયા, ફિલ્મકારો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે ફિલ્મના શૂટિંગ માટે તેમને ફાર્મ હાઉસ અને રીસોર્ટ એકદમ સસ્તા ભાવે મળે છે, તેમને ફિલ્મો પર કોઈ કર લાગતો નથી. તો પછી આટલું મોટું બજેટ ખર્ચાય છે શેમાં આવા અનેક સવાલો હાલમાં ફિલ્મ રસીકો કરી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

* ગુજરાતી જોકસ- ચાંદ બનશો.