જાણીતા લેખક દિગ્દર્શક ચિન્મય પુરોહિત દિગ્દર્શિત ગૌરવશાળી ગુજરાતી ફિલ્મ ‘OXYGEN’, - સંબંધોની નવી દુનિયા 11મી મેના રોજ સમગ્ર ગુજરાત સહિત મુંબઈ અને પુણેના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. આ ફિલ્મનું ટ્રેલર-મ્યુઝિક અમદાવાદ ખાતેના ટાઈમ સિનેમા ખાતે અમદાવાદના નામાંકિત મહાનુભાવો અને આ ફિલ્મના નિર્માતા રાગિણી પુરોહિત અને હરેશ મકવાણા સહિત ફિલ્મના દિગ્ગજ કલાકારોની હાજરીમાં રિલિઝ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક ચિન્મય પુરોહિતે જણાવ્યું હતું કે, આજે અમને એક અલગ જ વિષય આધારિત ગુજરાતી ફિલ્મ ‘OXYGEN’નું ટ્રેલર-મ્યુઝિક રિલિઝ કરતાં ખૂબ આનંદ થાય છે.
‘OXYGEN’ ફિલ્મનું સુમધુર સંગિત પાર્થ ભરત ઠક્કરે આપ્યુ છે, ફિલ્મમાં કુલ બે જુના ગુજરાતી કર્ણપ્રિય ગીતોને નવી પેઢીને ગમે તેવી શૈલીમાં રજૂ કરવામાં આવ્યા છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે. ‘OXYGEN’ ફિલ્મ સંબંધોના સુપરહીરોની કથા આધારિત એક પારિવારિક-મનોરંજક ફિલ્મ છે, વર્તમાન સમયમાં દુનિયા ઘણી આગળ વધી રહી છે પરંતુ સંબંધોની દુનિયાને આપણે ઘણી પાછળ છોડી દીધી છે, અને એટલે જ સંબંધોમાં શૂન્યાવકાશ સર્જાયો છે, પરાણે સાથ નિભાવીએ છીએ, સમાધાન કરીને પોતે જ પોતાના ગાલે થપ્પડ મારીને ગાલ લાલ રાખીએ છીએ, ભીડમાં પણ જાણે કે એકલા છીએ અને આના જ કારણે મનને મળતો ‘OXYGEN’ ઓછો થઈ ગયો છે, સંબંધોમાં પણ લાગે છે કે આ ‘OXYGEN’ ખલાસ ગઈ ગયો છે.
ચિન્મય પુરોહિતે વધુમાં જણાવ્યું હતું કે, ‘OXYGEN’, - સંબંધોની નવી દુનિયામાં 55થી વધારે રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મના કલાકારો તેમજ મુંબઈના જાણીતા અનુભવી કસબીઓએ આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે. અત્યાર સુધી દુનિયાની કોઈપણ ભાષામાં ન બનેલી હોય તેવી અદભૂત અને મજાની વાત આપણી ગુજરાતી ભાષામાં નિર્મિત થયેલી ફિલ્મ ‘OXYGEN’માં દર્શાવવામાં આવી છે.
આ ફિલ્મમાં અંશુલ ત્રિવેદી, વ્યોમા નાંદી, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા, અન્નપૂર્ણા શુક્લ, પંકજ પાઠકજી, ધ્વનિ ત્રિવેદી, શૌનક વ્યાસ, કમલ જોશી, દેવાંગી જોશી, સુભાષ બ્રહ્મભટ્ટ જેવા ઘણા જાણીતા કલાકારોની સાથે રોહિણી હટંગડી અને પ્રતિક્ષા લોણકર જેવા હિન્દી-મરાઠી પડદાના દિગ્ગજ કલાકારો પણ ‘OXYGEN’ ફિલ્મ દ્વારા ગુજરાતી પડદે પદાર્પણ કરી રહ્યા છે. ‘OXYGEN’ ફિલ્મનો નોખો, અનોખો અને છતાં મજાનો કન્સેપ્ટ જ આ બધાં દિગ્ગજ કલાકારોને અને કબસીઓને એક સાથે ભેગા કરી શક્યો છે.