Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી રેસીપી- ટોપ 10 ગુજરાતી રેસીપી

Top 10 gujarati dishes

ગુજરાતી રેસીપી- ટોપ 10 ગુજરાતી રેસીપી
, શુક્રવાર, 24 જૂન 2016 (14:44 IST)
આજે અમે તમને ગુજરાતની મોસ્ટ પોપ્યુલર વાનગી વિશે જણાવી રહ્યા છે. આજે એ ગુજરાતી ડિશ તમારી થાળીની શોભા વધારશે અને તમારા મોઢાના સ્વાદ પણ વધશે. તો તૈયાર થઈ જાઓ સંપૂર્ણ ગુજરાતી વાનગી માટે જે તમારા મોઢામાં પાણી લાઈ શકે છે.. 

1. ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી : ખાંડવી (khandvi) 

મિશ્રણ બનાવવા માટે સામગ્રી - 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં. 2 કપ પાણી, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/6 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું.


વઘાર માટે સામગ્રી - 1 ચમચો તેલ, 1 નાની ચમમી રાઇ, 3થી 4 લીલા મરચાં, 

ગાર્નિશિંગ માટે - 1 ચમચો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો છીણેલું નારિયેળ.

બનાવવાની રીત - ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો. ચમચાથી હલાવી લગભગ 8-9 મિનિટ સુધી મિશ્રણને રાંધો. પહેલા ગેસની વધુ આંચે ગરમ કરો અને જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને મિશ્રણમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. તમને લાગે કે મિશ્રણ બરાબર ચઢીને ઘટ્ટ થઇ ગયું છે એટલે તેને ગેસની આંચ પરથી ઉતારી લો.

હવે આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો. વધુમાં વધુ 10-15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની મદદથી 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટીમાં કાપી લો. આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો.

નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાંખો. રાઇ તતડે એટલે ઉપરથી લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર રેડો. ઉપરથી સમારેલી કોથમીર અને નારિયેળની છીણથી ગાર્નિશ કરો. આ ખાંડવી તમે કોથમીરથી ચટણી સાથે અને એકલી પણ ખાઇ શકો છો.

 

 
                                                                    બીજી રેસીપી માટે આગળ કિલ્ક કરો........  

શિયાળાની સ્પેશ્યલ વાનગી - સૂરતી ઊંધિયું

સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાકા, ૫૦૦ ગ્રામ શક્કરિયાં, ૧૫૦ ગ્રામ રતાળુ, પ્રમાણસર તેલ, ૧૦૦ ગ્રામ ચણાનો જાડો લોટ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી બૂરું ખાંડ, ૧૫૦ ગ્રામ મેથીની ભાજી, ૧૫૦ ગ્રામ નાના કાળા કે લીલા રવૈયા, ૨૫ ગ્રામ આદુ, ૧૦૦ ગ્રામ લીલાં મરચાં, ૧ મોટી ઝૂડી કોથમીર, ૨ ચમચી ખાંડ, અર્ધી ચમચી સાજીના ફૂલ, ૧ ચમચી ગરમ મસાલો, ૨ ચમચી તલ, પા ચમચી હિંગ, અર્ધી ચમચી નારિયેળનુ ભીનાશવાળુ કોપરૂ, ૭૫ ગ્રામ લસણ, ૪ આખા મરચાં(જો કે આ માપ તમે તમારે જોઈતી તીખાશ પ્રમાણે ઓછુ વત્તુ કરી શકો છો), ૧ ચમચી અજમો, ૫૦૦ ગ્રામ ફોલવાની પાપડી, ૧૫૦ ગ્રામ દાણા વગરની પાપડી, ૩૫૦ ગ્રામ તુવેર, પ્રમાણસર મીઠું.

webdunia










 

વાનગી બનાવવાની રીત - બટાકા, શક્કરિયા અને કંદને છોલી, ધોઈ લૂછી, ટુકડા કરો અને ત્રણેય ચીજને તેલમાં નાખી તળી નાખો. ચણાના જાડા લોટમાં ઘઉંનો  જાડો લોટ, મીઠું, અર્ધી ચમચી મરચું, અર્ધી ચમચી હળદર, અર્ધી ચમચી ધાણાજીરું, ૧ ચમચી બૂરું ખાંડ નાખો. તેમાં મોણ નાખો. હવે મેથીની ભાજીને સમારીને, ધોઈને ચળણીમાં કાઢો. તેમાં મીઠું નાખ્ર્ર મસળો અને પાણી કાઢી નાખો, આનાથી કડવાશ જતી રહેશે. જાડા લોટમાં આ ભાજી નાખી લોટને મસળી કઠણ મૂઠિયા વાળી ગરમ તેલમાં તળી લો. 

 
રવૈયાને ધોઈને બે તરફથી કાપા કરો. વાટેલા આદુ-મરચાં, કોથમીર, ખાંડ, મીઠું, ધાણાજીરું, સહેજ સાજીના ફૂલ, ગરમ મસાલો, તલ ભેગાં કરી મસાલો રવૈયામાં ભરો. લીલવા પણ વાટીને નાખી શકાય.
 
એક વાસણમાં તેલ લઈને હિંગ નાખી રવૈયા વધારો અને ચડાવો. કોથમીરને ઝીણી સમારી ધોઈને થાળીમાં મૂકો. તેમાં વાટેલું આદુ, વાટેલાં મરચાં નાખો. તલ, કોપરાની છીણ, વાટેલું લસણ, ખાંડ, મીઠું અને ધાણાજીરું નાખો. બધુ ભેગુ કરીને મસાલો તૈયાર કરો. વધારે તેલ મૂકીને તેમાં આખાં લાલ મરચાં, અજમો, મરચું, હળદર અને હિંગ નાખી પાપડી, વાલના દણા અને લીલા તુવેરના દાણા નાખો. થોડું મીઠું અને સાજીના ફૂલ પાણીમાં ઓગાળીને  નાખવા. ઢાંકીને ચડવા દો. કૂકરમાં એક વ્હીસલ વગાડીને પણ બાફી શકો.કોથમીરમાં નાખેલા મસાલામાં ગરમ મસાલો નાખો અને બટાકા, શક્કરિયાં, રતાળુ તળીને નાખો. પછી બધું ભેળવો. પછી તેમાં મૂઠિયાં અને ચડેલા રવૈયા નાખો. દાણા ચડી જાય એટલે આ બધું તેમાં નાખી દો. બરાબર મિક્સ કરો. ઉંધિયા પર કોથમીર અને કોપરાની છીણ ભભરાવી ગરમ ગરમ પીરસો.
                                                                ગુજરાતની ત્રીજી રેસીપી માટે આગળ જુઓ..... 
 
 
 
 
 
 

ગુજરાતી કઢી (Gujarati kadhi) 
સામગ્રી - 1/2 લીટર ખાટી છાશ, 1/2 કપ બેસન, 2 ટી સ્પૂન ખાંડ, 1 ડાળી કઢી લીમડો, 1/2 ટી સ્પૂન રાઈ, સ્વાદમુજબ મીઠુ, લાલ મરચુ, હિંગ, હળદર, લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન ઘી. 
webdunia
બનાવવાની રીત - સૌ પહેલા છાશમાં બેસન, મીઠુ, મરચું, 1/2 ટી સ્પૂન હળદર, ખાંડ, મિક્સ કરીને ખીરુ બનાવો. વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો. રાઈ તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉકાળો આવતા સુધી થવા દો. ઉકાળો આવતા ધીમા તાપ પર 10 મિનિટ થવા દો. છેવટે લીલા ધાણા નાખીને તાપ બંધ કરી દો. ગરમાગરમ ગુજરાતી કઢીને ખિચડી કે પુલાવ સાથે સર્વ કરો.
 

 
 
ગુજરાતી વાનગી - દાળ ઢોકળી (Dal dhokli)
સામગ્રી - 200 ગ્રામ તુવર-દાળ, 200 ગ્રામ ઘઉંનો લોટ, 2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, લવિંગ-3, તજ-2, રાઈ- એક ચમચી, લીમડાનાં પાન - 10, લસણ-મરચાંનુ પેસ્ટ - બે ચમચી. હિંગ ચપટી, 2 ટામેટાનું પેસ્ટ, સીંગદાણા- 15-10 દાણા, તેલ 3 ચમચી, મીઠુ સ્વાદમુજબ. 
webdunia
dal dhokli
બનાવવાની રીત - પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને સીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો. હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમા અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ, અને એક ચમચી તેલ નાખી મધ્યમ લોટ બાંધી લો. 
 
બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમા પ્રમાણસર પાણી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, હિંગ, તજ-લવિંગ અને કડી લીમડો નાખી તતડાવો, હવે તેમા ટોમેટો પેસ્ટ, લસણ-મરચાનું પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો. દાળ ઉકળવા દો. 
 
હવે લોટના લૂંઆ કરી તેની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો. તમે ચાહો તો દાળમાં ગળપણ તરીકે ગોળ નાખી શકો છો. કુકરનું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લો. તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગર્મ સર્વ કરો. 
 
દાળ ઢોકળીમાં બાફેલી આખી તુવેર નાખી દો તો પણ તે ખૂબ સ્વાદિષ્ટ લાગશે. 
 
(ઢોકળીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે તેમા આંબલીનુ પાણી પણ નાખી શકો છો.

ગુજરાતી ખમણ ( gujarati khaman)
સામગ્રી : 500 ગ્રામ ચણાની દાળ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો) 
webdunia
બનાવવાની રીત - સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ તેલને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.

ભાતના મુઠિયા 

સામગ્રી 
 - ભાત એક વાડકો, કણકી કોરમાંનો લોટ એક વાડકો, આદુ મરચાંનુ પેસ્ટ બે ચમચી, દહીં અડધો કપ, ખાંડ બે ચમચી, સમારેલા ધાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ, મરચુ એક ચમચી, હળદર. 

webdunia

કણકી કોરમાંના લોટ માટે - 1 કિલો ચોખા, 100 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ તુવેરની દાળ ને 100 ગ્રામ મગ દાળ નાખીને કકરો લોટ દળાવી મુકો. 

વધાર માટે - બે ચમચી તેલ, રાઈ, તલ અને કઢી લીમડો. 

રીત - ભાત અને કણકી કોરમાનો લોટ ભેગા કરો, હવે તેમાં આદુ મરચાંનુ પેસ્ટ, દહી, ખાંડ, મીઠુ, મરચું, ધાણા, હળદર વગેરે નાખીને ઢીલો લોટ બાંધી લો. હવે આના મુઠિયા વાળી લો. એક તપેલામાં પાણી ઉકાળો, તેમા ચારણી મુકી તેની પર આ મુઠિયા મુકીને બાફી લો. 

બાફેલા મુઠિયાને ઠંડા થવા દો, ઠંડા થયા પછી કાપી લો. એક કઢાઈમાં બે-ત્રણ ચમચી તેલ તપાવી લો, તેમાં રાઈ, તલ, કઢી લીમડો તતડાવી આ મુઠિયા વધારી લો. થોડા કુરકુરા થવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. આ મુઠિયાને સોસ સાથે પરોસો. 

આ મુઠિયા રાતના વધેલા ભાતના પણ બનાવી શકાય છે.

ગુજરાતી નાસ્તો - હાંડવો(handvo)
સામગ્રી - 2 કપ ચોખા, 1 કપ તુવેરની દાળ, અને અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ, ઘઉં, ખાટું દહીં આ બધી સામગ્રી 1/4 કપ. લીલા મરચાં 10-12 ચમચાં, આદુનો એક નાનો ટુકડો, દુધી 500 ગ્રામ, 100 ગ્રામ તેલ. 1 ચમચી લાલ મસાલો, 1/2 ચમચી હળદર, 2 ચમચી રાઈ, 2 ચમચી તલ, ખાંડ ત્રણ ચમચી. 2 ચમચી અજમો, અડધી ચમચી મેથી દાણા,1/2 ચમચી હિંગ, મીઠુ પ્રમાણસર. 
webdunia
બનાવવાની રીત  - ચોખા અને બધી પ્રકારની દાળ અને ઘઉંને ભીના કપડાંથી લૂંછી નાખો, હવે આને ભેગા કરી તેનો કકરો લોટ દળો. હવે આ મિશ્રણમાં ખાટું દહીં, ગરમ પાણી, વગેરે મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી મુકો. આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, સોડિયમ બાયકાર્બોનેટ, ખાંડ, લાલ મસાલો, આદુ મરચાંનુ પેસ્ટ છીણેલી દૂધી(પાણી દબાવીને કાઢી નાખવુ)હળદર, મીઠું નાખીને મિક્સ કરો. 
 
હવે એક ડબ્બામાં, કે હાંડવાના કૂકરમાં તેલ લગાવી આ ખીરુ પાથરો. કઢાઈમાં પાંચ છ ચમચી તેલ નાખીને તેને ગરમ કરો. તેમાં રાઈ નાખો. 1 મિનિટ પછી તલ, અજમો, મેથી અને હિંગ નાખો. થોડુ લાલ થયા પછી તેને ખીરાં પર પાથરી દો. હવે હાંડવાના કૂકરને ઢાંકીને નીચે ધીમા ગેસ પર અડધો પોણો કલાક સુધી થવા દો. 
 

કેસર શ્રીખંડ kesar srikhand
 
સામગ્રી - 500 ગ્રામ શ્રીખંડ બનાવવા માટે 1 લીટર દૂધ, કેસર, ઈલાયચી, દહી મોળુ 50 ગ્રામ, ખાંડ 200 ગ્રામ, જાયફળ પાવડર એક ચમચી, ચારોળી 5 ગ્રામ. 
webdunia
રીત - સૌ પ્રથમ દૂધને ગરમ કરો, હવે એક કપમાં થોડુ દૂધ લઈ તેમાં કેસર ઓગાળી આ દૂધ સમગ્ર દૂધમાં મિક્સ કરો. દૂધ એકદમ ઠંડુ થાય કે તેમા બે ચમચી દહીં ઉમેરી દો. હવે આ દૂધને ગાળી લો. પછી બધુ દહી દૂધમાં નાખી દો. જો તમે રાતે આવુ કરશો તો સવાર સુધી દહી તૈયાર થશે. 
 
હવે એક થાળી પર કોટન કપડુ પાથરો અને ઉપરથી દહીં પાથરી દો. ધીરે ધીરે દહીમાં રહેલુ પાણી નીકળી જશે લગભગ એક કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય. હવે કપડાને દહી સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીને મસકો કહે છે. હવે આ મિશ્રણમાં ખાંડ નાખી મિક્સ કરો. ખાંડ ઓગળી જાય કે તેને ઝીણા કપડાં વડે ગાળી લો. ઉપરથી ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડુ કરી ગરમા ગરમ પૂરી સાથે પરોસો.
 
આ શ્રીખંડમાં કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન પણ ઉમેરીએ તો ફ્રુટ શ્રીખંડ બની જશે.

ગુજરાતી વાનગી - મેથીના થેપલા( methi thepla)
સામગ્રી- લોટ 1/4 કપ ચણાનો લોટ 2/3 કપ ,સમારેલી મેથી 1- કપ , લાલમરચાનો પાવડર  1 નાની  ચમચી,બે ચમચી દહી, અડધી ચમચી ખાંડ, અડચી ચમચી વરિયાળી અને અજમો, મીઠું સ્વાદપ્રમાણે ,તેલ
webdunia
બનાવવાની રીત- લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલમરચાંનો  પાવડર  ,મીઠું દહી,ખાંડ, વરિયાળી, અજમો, અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી  દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો. 

ગુજરાતી વાનગી - ખીચું


સામગ્રી - 250 ગ્રામ ચોખાનો લોટ, 1 ચમચી જીરા પાવડર, બે ચમચી વાટેલા મરચાનું પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ, ચપટી સોડા. 
webdunia
બનાવવાની રીત - એક પ્લાસ્ટિકના બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવુ. આ મિશ્રણને ઓવનમાં 3-4 મિનિટ માટે મુકી દેવુ. બહાર કાઢીને ફરી સારી રીતે હલાવી લેવુ અને પછી 2-3 મિનિટ ઢાંકીને ફરી ઓવનમાં મુકવુ. બહાર કાઢીને ગરમા ગરમ તેલ નાખીને પીરસવું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેલ્શિયમ કઈ વસ્તુમાં કેટલુ?