એક વખત ગુરૂ પોતાના શિષ્ય સાથે જાણીતા મંદિર પાસેથી કારમાં પસાર થઈ રહ્યા હતા. મંદિરની બહાર દર્શનાર્થીઓની લાંબી લાઈન લાગી હતી. કેટલાક લોકો પગમાં ચપ્પલ વિના ઉભા હતા. એ મંદિરમાં દર્શનનો મહિમા બહુ હોવાથી પગપાળા લોકો ચાલીને આવતા હતા. કેટલાક તો રોડ પર આળોટતા આવ્યા હતા. લોકો કલાકોથી દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા. આ બધાને જોઈને શિષ્ય દયાભાવે ગુરૂને પ્રશ્ન કર્યો. ગુરૂજી ભગવાનના આ ભક્તો આટલુ કષ્ટ કેમ વેઠી રહ્યા છે. છતા ઈશ્વર દર્શન આપવામાં આટલી પરીક્ષા કેમ કરે છે ? ઈશ્વર નિર્દયી કેમ બને છે.
ગુરૂજીએ શિષ્યની વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેમણે કાર સાઈડમાં ઉભી રાખવા ડ્રાઈવરને સૂચના આપી અને શિષ્યને કહ્યુ, હુ રાહ જોઉ છુ તુ આ દર્શન માટેની લાઈનમાં ઉભા રહેલાઓને જઈને પૂછી આવ કે એ લોકો અહી લાઈનમાં કેમ ઉભા છે. શિષ્યને ગુરૂજીની વાત જરા વિચિત્ર લાગી. તેણે કહ્યુ દર્શન માટે જ સ્તો ઉભા છે ને. ગુરૂજીએ કહ્યુ, હા તુ જ્યારે તેમને પ્રશ્ન પૂછીશ તો તેઓ પણ પહેલા આવો જ જવાબ આપશે,પણ તુ જરા ધીરજપૂર્વક તેમની સાથે વાત કરજે અને પછી મને આવીને કહેજે. શિષ્યને આ અજબ લાગ્યુ. પણ કરે શુ શકાય ગુરૂની આજ્ઞા છે. એટલે એ લાઈનમાં ઉભેલા લોકો પાસે પહોંચી ગયો. તેણે જ્યારે ત્યા ઉભેલા ભક્તોને પ્રશ્ન કરવા લાગ્યો ત્યારે પહેલા તો દરેક વ્યક્તિએ એમ જ કહ્યુ કે પ્રભુના દર્શન કરવા આવ્યો છે. પણ શિષ્ય જેમ જેમ વાત કરતો ગયો તેમ તેમ તેણે જાણવા મળ્યુ કે કોઈ નોકરી માટે, કોઈ પોતાના પર ચાલી રહેલ કેસ માટે તો કોઈ લગ્ન માટે. કોઈ છુટાછેડા માટે કોઈ પોતાની માનતા પુરી કરવા તો કોઈ માંગણી પુરી થાય એ માટે માનતા માનવા આવી હતી.
થોડા કલાકો પછી શિષ્ય પોતાના ગુરૂ પાએ આવ્યો તો ગુરૂજીએ તેની સામે સ્મિત કરી રહ્યા હતા. શિષ્યે કારમાં બેસતાવેત જ અકળાઈને કહ્યુ, બધા કોઈને કોઈ દુ:ખમાંથી મુક્તિ કે પછી સુખ સચવાય રહે એ માટે આવ્યા છે. ગુરૂજીએ જરાપણ વિચલિત થયા વિના શાંત ચિત્તે જવાબ આપ્યો, ભાઈ હવે તુ જ કહે કે જો કોઈને ઈશ્વરના દર્શન જોઈતા જ નથી તો ઈશ્વરના દર્શન તેમને ક્યાથી થાય. જો કે ઈશ્વરે દર્શન આપવાની જરૂર જ નથી. કારણ કે ઈશ્વર તો દર્શન દઈ જ રહ્યો છે. પણ કોઈને આમાથી કોઈને તેમની સામે જોવાની ફુરસત નથી.
આપણે પણ નવા વર્ષના દિવસે મંદિરમાં કે પછી પોતાના ઘરના મંદિરમાં બિરાજતા બહુચર મા, અંબાજી, ચામુંડા. શિવ, હનુમાનજી, સાંઈબાબ, ગણપતિદાદા પાસે હાથ જોડીને આપણા અને આપણા સ્વજનો માટે માંગણી કરતી પ્રાર્થનાઓ કરીએ જ છીએ ને.. જો કે આને પ્રાર્થના કરતા યાચના કહેવી વધુ યોગ્ય રહેશે. કારણ કે પ્રાર્થના તો ઈશ્વર સાથે સંવાદ છે. ભક્તનુ હ્રદય જ્યારે ભાવથી ભરાઈને છલકાય જાય છે ત્યારે પ્રાર્થના શબ્દો બની વહે છે. પ્રાર્થના તો ભીતરના મૌનનુ બોલકુ સ્વરૂપ છે. ભક્તોએ પણ પોતાના ભગવાન પાસે માંગણીઓ કરી છે પણ તેમની માંગણી આપણી માંગણી જેવી સંપત્તિ. મિલકત કે દુ:ખના અભાવ અને સુખના અંબારની નથી.