Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

૩૦૧૫ હેકટર વિસ્તારનો અંદાજે રૂ. ૧૦ હજાર કરોડનો લિગ્નાઈટનો જથ્થો GMDC માટે અનામત રાખવા નિર્ણય

૩૦૧૫ હેકટર વિસ્તારનો અંદાજે રૂ. ૧૦ હજાર કરોડનો લિગ્નાઈટનો જથ્થો GMDC માટે અનામત રાખવા નિર્ણય
, સોમવાર, 9 મે 2016 (17:31 IST)
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકારે ગુજરાતના હિતમાં અનેકવિધ ઝડપી નિર્ણયો લઈને ગુજરાતના વિકાસવેગને પ્રેરકબળ પુરૂં પાડ્યું છે. તાજેતરમાં જ કેન્દ્રની એન.ડી.એ. સરકારે ભરૂચ જિલ્લાના વાલિયા આસપાસના ૩૦૧૫ હેકટર લિગ્નાઈટ સંપન્ન વિસ્તારને રાજ્ય સરકારની કંપની ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. માટે અનામત રાખવાની ગુજરાત સરકારની દરખાસ્તને સ્વીકારીને મંજૂરીની મહોર મારી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારતા રાજ્યના ઊર્જા મંત્રી  સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી વાલિયા વિસ્તારમાં પેટાળમાં રહેલાં અંદાજે ૮૦ થી ૧૦૦ મિલિયન ટન જેટલો લિગ્નાઈટનો જથ્થો જી.એમ.ડી.સી.ને ઉપલબ્ધ થશે અને તેના દ્વારા લિગ્નાઈટ ખનીજનું ખોદકામ કરાશે જેથી રાજ્યના ઉદ્યોગોને ટૂંકા અંતરેથી સમયસર અને પોષણક્ષમ ભાવે બળતણ મળી રહેશે.

    તેમણે ગુજરાતમાં લિગ્નાઈટ ખનીજની ઉપલબ્ધિ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કચ્છ, ભરૂચ, સુરત તથા ભાવનગરના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૨૯૦૦ મીલીયન ટન લિગ્નાઈટ જથ્થો રહેલો છે. રાજ્યમાં ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. દ્વારા કચ્છમાં પાનન્ધ્રો તથા માતાનો મઢ, ભરૂચ તથા સુરત જીલ્લામાં અનુક્રમે રાજપારડી તથા તડકેશ્વર અને ભાવનગર જીલ્લામાં સુરકા(ઉત્તર) લિગ્નાઈટ ખાણમાંથી અંદાજે ૧૦ થી૧૧ મીલીયન ટન જેટલા લિગ્નાઈટનું વાર્ષિક ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. દ્વારા ઉત્પાદિત થતો લિગ્નાઈટ રાજ્યમાં ટેક્ષટાઈલ્સ, કેમીકલ્સ, સીરામીક તથા ઈંટોના ભઠ્ઠા જેવા ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. આ ઉપરાંત રાજ્યમાં કચ્છ સ્થિત અકરીમોટા લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં તથા રાજ્ય સરકારના કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનમાં ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. દ્વારા બળતણ તરીકે વપરાતા લિગ્નાઈટનો જથ્થો પુરો પાડવામાં આવે છે.
    આ ઉપરાંત રાજ્યના ભરૂચ જીલ્લામાં વાલિયા પાસે રાજ્ય સરકારના અન્ય સાહસ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન લિ., દ્વારા લિગ્નાઈટ ખનીજનું ખાણકામ કરી તેઓના ૫૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટમાં લિગ્નાઈટનો ઉપયોગ કરવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભૌગોલીક દૃષ્ટીએ ગુજરાતનું સ્થાન ખનીજ કોલસો પેદા કરતા રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરીસ્સા તથા આંધ્રપ્રદેશથી ઘણું દૂર આવેલું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં ખનીજ કોલસો મળી આવતો નથી. તેવા સંજોગોમાં ગુજરાત પાસે બળતણ તરીકે પ્રાપ્ત લિગ્નાઈટ એક માત્ર વિકલ્પ રહેલો છે.
    એક અંદાજ પ્રમાણે આવનારા સમયમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને ધ્યાને રાખીએ તો લિગ્નાઈટ ખનીજની માંગ લગભગ ૩૦ થી ૩૫ મીલીયન ટન પ્રતિવર્ષ થવાની સંભાવના રહેલી છે. જેના કારણે રાજ્યમાં નવી લિગ્નાઈટ માઈન્સ શરૂ કરવાની જરૂરીયાત ઊભી થશે. રાજ્યના દક્ષિણ ગુજરાતના વાલિયા વિસ્તારમાં નવી લિગ્નાઈટ માઈન્સ શરૂ થતાં આસપાસના ઉદ્યોગોને ટુંકા અંતરેથી સમયસર અને વ્યાજબી ભાવે બળતણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની વિપુલ તકો ઉભી થશે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. માટે અનામત રાખવામાં આવેલ વાલિયા વિસ્તારમાં "ઈએફજી લિગ્નાઈટ બ્લોક''માં રહેલ લગભગ ૧૦૦ મીલીયન ટન લિગ્નાઈટના જથ્થાની હાલના ભાવે બજાર કિંમત લગભગ રૂા.૧૦ હજાર કરોડ થાય તેમ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

100 કિલો સોનાથી સોમનાથ મંદિર સોને મઢાયું , દર્શનાર્થીઓ ઘેલા બન્યાં