Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું એઠું ભાણું જમતો નથીઃ બગાવતનું રણશીંગુ ફુંકતાં માજી સાંસદ

હું એઠું ભાણું જમતો નથીઃ બગાવતનું રણશીંગુ ફુંકતાં માજી સાંસદ
, સોમવાર, 24 માર્ચ 2014 (17:47 IST)
P.R
વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ડૉ. કે.સી. પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરતાં રાજ્યસભાના માજી સાંસદ અને ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી કાનજીભાઇ પટેલે બગાવતનું રણશીંગુ ફુંકતાં દક્ષિણ ગુજરાત ભાજપમાં હડકંપ મચી ગયો છે. ચીખલીના સુરખાઇ ગામે ધોડિયા સમાજની વાડીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોને સંબોધતાં કાનજીભાઇએ કહ્યું કે, વલસાડ બેઠક પર લાયકાતના ધોરણે નહીં પરંતુ સત્તાના દલાલોએ પાર્ટીની સાંઠગાંઠ વચ્ચ ટીકિટ અપાવી છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાંક ગામના રહીશ એવા રાજ્યસભાના માજી સાંસદ કાનજીભાઇ પટેલે વલસાડ લોકસભાની બેઠક માટે ભાજપે ડૉ. કે.સી. પટેલને ટીકિટ આપતાં બળાપો કાઢ્યો હતો. ચીખલીના સુરખાઇ ગામે ધોડીયા સમાજની વાડીમાં હાજર ભાજપ કાર્યકરો સમક્ષ વ્યથા ઠાલવતા કાનજીભાઇએ કહ્યું કે, ભૂતકાળમાં અનેક કડવા ઘૂંટડાઓ પીધા છે અને આ એક કડવો ઘૂંટડો પણ ઉતારી ગયો છું. મહાદેવને પ્રાર્થના કરું છું કે આ કડવો ઘૂંટડો પચાવવાની શક્તિ આપે. પાર્ટીને વર્ષોથી વફાદર રહ્યો છું, હું ટીકીટ માગનારો માણસ નથી. આજ સુધી ટીકીટ માંગી પણ નથી. પરંતુ ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ટીકીટ નહી માંગી એટલે કાર્યકરોને સારા પ્રતિનિધિ ન મળી શક્યા. કાર્યકરોએ ખૂબ જ ટૂંકી નોટીસમાં વલસાડ લોકસભા બેઠક માટે આગ્રહ રાખ્યો હતો. જેના કારણે ટીકીટની માંગણી કરી હતી અને દુર્ભાગ્યે જે બન્યું છે એ આપ સૌની સામે જ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ પાર્ટીને વફાદાર રહ્યો છું. પરંતુ પાર્ટીએ મને અન્યાય કર્યો છે.

વલસાડ બેઠક ઉપર જે વ્યક્તિને ટીકીટ આપી તેનો ઇતિહાસ મોટો છે. વલસાડ લોકસભાની બેઠકના ઉમેદવારને લાયકાતના ધોરણે નહીં પરંતુ પૈસાના ધોરણે ટીકીટ અપાય છે. કાનજીભાઇ પટેલે વલસાડ બેઠકના નિરીક્ષકોને અગાઉથી જ ચેતવ્યા હતા. છતાં પણ તેમની ચેતવણીને ગણકારવામાં આવી નથી. મારી સામે આંગળી ચિંધાય એવો કોઇ દાખલો નથી. છતાં પણ ટીકીટ આપવામાં આવી નથી. ડૉ. કે.સી. પટેલ પાટલીબદલું છે, ભૂતકાળમાં પણ એમની સામે મોરો વિરોધ હતો અને આજે પણ છે. વલસાડની બેટક ભાજપ જીતવા માટે મનોકામના સેવતી હશે તો નિષ્ફળતા મળશે. હું સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવા માંગતો નથી. વલસાડ લોકસભા બેઠકની ફાળવણી બાદ ભાજપના કોઇ નેતા મારા સંપર્કમાં રહ્યા નથી. કે.સી. પટેલ સિવાય બીજા કોઇને પણ ટીકીટ આપો હું કામ કરવા તૈયાર છું. હું એઠું ભાણું જમતો નથી. નરેન્દ્રભાઇ મોદી જ્યારે પીએમ તરીકે પ્રોજેકટ થયા છે ત્યારે એક સીટ ઘટે તો કેવી અસર પડશે ?


Share this Story:

Follow Webdunia gujarati