પાલનપુર કલેકટર કચેરી માં સવારે ૧૧-૩૦ કલાકે આત્મવિલોપન કરવાની ચિમકી આપનાર યુવક હાથમાં કેરોસીન ભરેલી બોટલ લઇ આવી પહોચ્યો હતો. અને ઉપર કેરોસીન છાંટતાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી. જોકે, દિવાસળી ચાંપે તે પહેલા પોલીસ તેને ઘેરી લઇ પ્રયાસ નાકામ બનાવ્યો હતો. અને અટકાયતી પગલા ભર્યા હતા. કલેકટર કચેરીના દરવાજા આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં દિનેશભાઇ દરવાજો પસાર કરી સિક્યુરીટીની કચેરીથી કલેકટર કચેરી તરફ આવી ગયા હતા. જ્યાં પ્રથમ નજરમાં પોલીસે તેને ઓળખ્યો ન હતો. અને તેમના ખીસ્સા ફંફોસી મોબાઇલ સહિતના ચિજવસ્તુઓ કબજે લઇ દિનેશભાઇની અટકાયત કરી હતી. આ ઘટના ક્રમને પગલે કલેકટર કચેરીના પ્રાંગણમાં કામ અર્થે આવેલા લોકોનુ ટોળુ એકત્ર થઇ ગયું હતું. જ્યાં ભારે ઉત્તેજના ભર્યા માહોલ વચ્ચે દિનેશભાઇ દોશીને પોલીસ મથકે લઇ જવાયા હતા. અને સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ખાતે બનાવેલા ઓવરબ્રીજના બોગદામાં વરસાદી પાણી ભરાઇ રહે છે. જેનાથી સ્થાનિક લોકોતેમજ યાત્રિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે ચિત્રાસણીના દિનેશભાઇ દોશી દ્વારા વર્ષ 2014થી જિલ્લા વહિવટીતંત્રને રજુઆતો કરાઇ હતી. જોકે, કોઇ કામગીરી ન થતાં દસ દિવસ અગાઉ પાલનપુર કલેકટર કચેરીએ આવી આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.જેની મુદત સોમવારે પૂર્ણ થતી હોઇ સવારે 10:00 કલાકથીજ પાલનપુર પશ્ચિમ પીએસઆઇ આર.સી.વ્યાસ, પીએસઆઇ એ.જે.ચૌહાણ, તાલુકા પીએસઆઇ જે.એચ.સિંઘવ સહિત ડીસ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવી સ્થિતિ ઉપર નિગરાની રાખવામાં આવી હતી.