પાટીદાર આંદોલન શાંત પડ્યા પછી ફરીવાર જાગ્યુ હોય એવા દ્રશ્યો પ્રકાશમાં આવ્યાં છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના વડગામડા અને કેશરગંજ ગામના પાટીદારો રવિવારે અને સોમવારે રાત્રે માથે જય સરદાર લખેલી ગાંધી ટોપી પહેરી થાળી-વેલણ વગાડતા ગરબે ઘૂમી સમાજને યોગ્ય ન્યાય અપાવવા રાજય સરકારને સંદેશ આપવા પ્રયાસ કર્યો હતો. જેથી વડાલી તાલુકામાં પાટીદાર અનામત આંદોલનમાં પુન: સળવળાટ જોવા મળી રહ્યો છે. વડાલી તાલુકા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા નવરાત્રિ પૂર્વે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર રમેશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, રાજુભાઇ પટેલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અનામત માટે પાટીદાર સમાજને યોગ્ય ન્યાય અપાવવા થાળી-વેલણ સાથે નવરાત્રિ દરમિયાન પાટીદાર ગામોમાં ગામોમાં ગરબા રમવાનું નક્કી કર્યુ હતું. જે અંતર્ગત તાલુકાના વડગામડા ગામે રવિવારે પાટીદાર મહિલાઓ થાળી-વેલણ અને માથે જય સરદાર, જય પાટીદાર લખેલી ગાંધી ટોપી પહેરી ગરબાની રમઝટ ઉડાડી હતી. સોમવારે કેશરગંજ ગામમાં મહિલાઓ તેમજ પુરૂષોએ માથે જય સરદાર, જય પાટીદાર લખેલી ટોપી પહેરી ગરબે ઘૂમ્યા હતા અને પાટીદાર સમાજને અનામત માટે યોગ્ય ન્યાય મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.