Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધંધા અર્થે શહેરો તરફ યુવાવર્ગનો ધસારો વધતો હોવાથી મહેસાણા જિલ્લાના ચાંદણકી ગામમાં માત્ર વૃદ્ધોનો વસવાસ

ધંધા અર્થે શહેરો તરફ યુવાવર્ગનો ધસારો વધતો હોવાથી મહેસાણા જિલ્લાના ચાંદણકી ગામમાં માત્ર વૃદ્ધોનો વસવાસ
, સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (14:55 IST)
ગ્રામીણ વિસ્તારોમાંથી રોજગાર ધંધા અર્થે શહેરો તરફ યુવાવર્ગનો ધસારો વધતો જાય છે.આથી અનેક અંતરિયાળ ગામો યુવાનો વગરના અને માત્ર વડિલોના ગામ બની ગયા છે. આવું જ એક ગામ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામ છે. આ ગામમાં ૨૫ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતો એક પણ યુવાન જોવા મળતો નથી. ગામમાં પ્રવેશો એટલે ૬૫ થી ૮૦ વર્ષના વડિલો જ જોવા મળે છે. ગામના વડિલોના જણાવ્યા અનુસાર એક સમયે ગામની વસ્તી ૧૫૦૦ લોકોની હતી જે ઘટીને માત્ર ૩૦૦ની રહી ગઇ છે. આ ગામના ૯૦૦ થી પણ વધુ યુવાનો નોકરી ધંધા અર્થે અમદાવાદથી માંડીને અમેરિકા સુધી સેટ થયા છે.ગામના ૨૦ થી પણ વધુ યુવાનો રાજયમાં જુદા જુદા સ્થળે ડૉકટર તરીકે સેવા આપી રહયા છે.આ ગામમાં વાર તહેવાર તથા લગ્ન પ્રસંગે બહાર વડિલોના સંતાનો આવે ત્યારે ગામમાં ગાડીઓ મુકવા માટે પાર્કિગની જગ્યા પણ ઓછી પડે છે. વડિલો પણ શહેરોમાં રહેતા પોતાના સંતાનોના ઘરે થોડોક સમય રહેવા જાય છે પરંતુ તેમને ગ્રામીણ સંસ્કૃતિ અને જીવન એવું માફક આવી ગયું છે કે તેઓ પાછા આવી જાય છે.વડિલોના વૈકુંઠ સમા આ ગામમાં પંચાયતનો વહિવટ ઉંમરલાયક મહિલાઓ સંભાળે છે.  ગુજરાત રાજયમાં પંચાયત રાજની સ્થાપના થઇ પછી આજ સુધી આ ગામમાં એક પણ વાર સરપંચની ચૂટણી થઇ નથી.આજ સુધી જેટલા પણ સરપંચ બન્યા તે બધાએ ગામના વિકાસને જ પોતાનું લક્ષ્‍ય રાખ્યું હોવાથી ગામનો વિકાસ ઉડીને આંખે વળગે છે. ચાંદણકી ગામને સમરસ ગ્રામ પંચાયતની ગ્રાંટ મેળવે છે તે બધી જ ગામના વિકાસકાર્યમાં વપરાય છે. શેરીએ શેરીએ પાકા રસ્તા અને ચોખ્ખાઇ ધ્યાન ખેંચે તેવી છે.૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય, શેરીએ શેરીએ લાઇટ   ૨૪ કલાક વીજળી તથા પાણીની સગવડ હોવાથી ગામના લોકોને કોઇ જ અગવડનો અનુભવ થતો નથી. આ ગામના વડિલો બાપદાદાની ખેતીલાયક જમીન પણ ધરાવે છે. જો કે ઉંમરના કારણે તેઓ ખેતરમાં મહેનત કરી શકતા ન હોવાથી ભાગીયા રાખીને ખેતી કરાવે છે. દરરોજ ૫૦ થી ૬૦ જેટલા વડિલો મંદિરમાં ભેગા મળીને બેસે છે.સંતાનો તરફથી તેમને કોઇ જ સમસ્યા નથી.તેમને પૈસાની મદદ પણ કરતા રહે છે. ગામના બધા જ વડિલો એક પરીવારની ભાવનાથી રહે છે.જીવનની લીલીસૂકીને યાદ કરે છે.જો કે વડિલોને ગામમાં કોઇ એસ ટી બસ આવતી ન હોવાથી બહારગામ જવા માટે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે.આથી બસ શરુ થાય તેવી માંગણી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેરાલુના ગુરૂનાનકના મંદિરમાં ઘુસી પાગલ મહિલાએ પવિત્ર ગ્રંથ ફાડ્યા