આસારામ આશ્રમના ગુરુકુળમાં બે માસુમ બાળકોના રહસ્યમય અપમૃત્યુ બાદ અપાયેલા અમદાવાદ બંધના એલાન દરમિયાન આસારામ આશ્રમના સાધકોએ પત્રકારો અને સ્થાનિક લોકો પર હુમલો કરવાના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હીતની રીટમાં હાઇકોર્ટના મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ એમ.એસ.શાહ અને ન્યાયમૂર્તિ ડી.એમ.વાઘેલાએ ઇજાગ્રસ્ત લોકોની ફરિયાદ નોંધવા નિર્દેશ કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, આસારામ આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતા બે માસુમ બાળકો દિપેશ અને અભષેકના ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. આ મામલે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ દ્વારા ગત 18મી જુલાઇએ ગુજરાત બંધનું એલાન અપાયું હતું.
ગુરૂપૂર્ણિમાનો દિવસ હોવાથી આસારામે આશ્રમમાં પ્રવચન આપ્યા હતા. તેમના પ્રવચન બાદ સાધકો લાકડી, પાઇપો લઇ પત્રકારો અને સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. તે દરમિયાન આશ્રમના સાધકોએ રામાકાકાની ચાલી અને વેલજીભાઇના કુવા પાસે રહેતા સ્થાનિક લોકોની મારઝુડ કરી હતી તેમજ તેમની માલમિલ્કતોને નુકશાન પહોંચાડ્યું હતું,
આ મામલે પોલીસે ઇજાગ્રસ્ત લોકોની ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો છે. આસારામ સાધકોના આવા હિંસક વર્તન અંગે જનસંઘર્ષ મંચે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.
જેમા આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિની બેંચે ડી.સી.બીના પી.આઇ જે.ડી.ચુડાસમાને અસરગ્રસ્તોની મુલાકાત લઇ તેમની ફરિયાદ નોંધવા નિર્દેશ કર્યો હતો. આ અંગે વધુ સુનાવણી આગામી 8મી ઉપર રાખવામાં આવી છે.