સમગ્ર દેશની પ્રજાને અચ્છે દિનના સ્વપ્ના બતાવી સત્તા મેળવનાર ભાજપ સરકારે બે વર્ષની ઉજવણીના તાયફાઓ વચ્ચે સર્વિસ ટેક્ષ વધારીને ૧પ ટકા કરવા ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો કરવા સાથે મોંઘવારીનો કમરતોડ બોજો ઝીંકી પ્રજાની ક્રુર મશ્કરી કરી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, માત્ર ને માત્ર સત્તા લાલસા માટે અચ્છે દિનના સ્વપ્ન બતાવનાર ભાજપ સરકારનું ગુજરાત મોડેલ ફકત બે વર્ષમાં પ્રજાજનો માટે દુઃખદ અને અસહ્ય બની ગયું છે. ભાજપ દ્વારા મોદી સરકારની પ્રશસ્તી માટે દેશભરમાં બે વર્ષની ઉજવણીના તાયફાઓ કરી કરોડો રૂપિયા વેડફવામાં આવી રહયા છે ત્યારે બીજી તરફ ગઇકાલથી સર્વિસ ટેક્ષમાં વધારો કરી ૧પ ટકા કરવામાં આવ્યો છે. ઉપરથી આજે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ લીટરે ર.પ૦ જેટલો તોતીંગ વધારો કરી સામાન્ય પ્રજાની કમરતોડી નાખવામાં આવી છે. ભાજપ સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં ત્રણ ટકા જેટલો સર્વિસ ટેક્ષમાં વધારો ઝીંકી પ્રજાના બજેટને વેરવિખેર કરી નાખવામાં આવ્યું છે.
મોદી સરકારે માત્ર સર્વિસ ટેક્ષમાં જ વધારો કર્યો નથી પરંતુ તેની સાથે સર્વિસ ટેક્ષના દાયરામાં આવતી વસ્તુઓ અને સેવાઓમાં વધારો કરતાં મધ્યમ વર્ગને ભારે ભીંસમાં મૂકી દીધો છે. એક તરફ છેલ્લા ચાર મહિનામાં વિકાસ ગ્રોથ વધવા સાથે ફુગાવામાં ઘટાડો થયો હોવાના બણગાં ફુંકવામાં આવે છે. પરંતુ આ અનેક પ્રકારના સેસ અને ટેક્ષના કારણે શાકભાજી, કરીયાણું, વિજળી - પાણી સહિત જીવન જરૂરી તમામ સેવાઓ મોંઘીદાટ થઇ ગઇ છે. આમ, માત્ર બે વર્ષમાં જ અચ્છે દિનના આવા દુસ્વપ્ન બતાવનાર મોદી સરકાર સામે મોંઘવારીના કારણે પ્રજાનો આક્રોશ તીવ્ર ગતિએ વધી રહ્યો હોવાનું ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે.