વેડરોડ ખાતે આવેલી પરજીયા જ્ઞાતિ સમાજની વાડીમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. પરજીયા વણકર, મેઘવાળા, સૌરકીયા અને વડીયારા સમાજના આગેવાનો ભેગા થઈને લગ્નમાં જાનૈયાઓને જમાડવાના બદલામાં ચા પીવડાવીને નવો ચીલો પાડ્યો હતો. શહેર આખું પૈસાની લેવડ દેવડ કરવા બેંકોમાં દોડી રહ્યુ છે, જ્યારે બીજી તરફ લગ્નસરા પણ શરૂ થતાં લોકોની મુશ્કેલીનો પાર નથી. 500 અને 1000ની નોટ વગર પણ લગ્નની વિધી સારી રીતે થઈ શકે તેનો દાખલો છે. સમાજની વાડીમાં ભરત અને દક્ષા નામનું યુગલ લગ્ન ગ્રંથીથી જોડાયું બંન્ને પક્ષે યોગ્ય ચર્ચા કરી આ નિર્ણય લીધો હતો. જાનૈયાઓ અને માંડવીયા બન્ને સાથે મળીને કરેલા નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો છે. જાનૈયાઓએ તો ત્યાં સુધી કહીં દીધું હતું કે, અમારે તો માત્ર દીકરી જોઈએ છે. ચા પીવડાવવાનો ચીલો ખૂબ જ સારો છે. જો બધા લગ્નમાં આ પ્રકારનો ચીલો પાડવામાં આવે તો લગ્નમાં ભોજનને લઈને થતાં ખર્ચમાં પણ ધટાડો થઈ શકે છે.નવયુગલ ભરત અને દક્ષાએ જણાવ્યું હતું કે, અમારા લગ્ન ખૂબ જ યાદગાર બન્યા છે. વડિલોએ કરેલા નિર્ણયને બધાએ આવકાર્યો છે. અમારા લગ્નના નવો ચીલા ઘણા પરિવાર માટે લાભદાયી થઈ શકે તેમ છે. હાલ નોટબેનના કારણે ઘણા લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે. જેમાં આ પ્રકારનો ચીલો પાડવામાં આવે તો લગ્ન ખર્ચ પણ ઘટી શકે છે.