કચ્છના વિખ્યાત ધોરડો રણઉત્સવનો આ વર્ષે નિયત સમયમર્યાદા કરતાં વહેલો પ્રારંભ થયો છે. ત્રણ માસ સુધી ચાલનારા આ રણ ઉત્સવમાં ટેન્ટ સિટીની બાજુમાં ખાનગી જમીન પર ટેન્ટ ઉભા કરવાનું ચલણ તો વર્ષોથી છે, પણ આ વર્ષે આ તંબુઓને કારણે આયોજકોને ટેન્ટસિટીના ભાવ ઘટાડવાની ફરજ પડી છે. આ વર્ષે 90ના બદલે 120 દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે.કચ્છના ધોરડો રણ ઉત્સવનો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી પ્રારંભ થઈ ૨૦મી ફેબ્રુઆરી સુધી ઉત્સવ ચાલતો હોય છે. તેના બદલે આ વર્ષે દિવાળી વેકેશનનો લાભ લેવાના હેતુથી નવેમ્બરથી જ રણ ઉત્સવનો ઉદ્દઘાટન વગર પ્રારંભ થયો છે. વિધિવત ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 13મી ડિસેમ્બરના રોજ થશે. ટુરિઝમ વિભાગ દ્વારા ખાનગીકરણ કરાતા પ્રવાસીઓને અનેક મુશ્કેલી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે.
ટુરિઝમ વિભાગ દ્વારા પાંચ કેટેગરીમાં ટેન્ટ સિટીમાં 400 ટેન્ટ લગાવેલા છે. જે જુદી-જુદી કંપનીઓને લીઝ પર ફાળવાયા છે. પરંતુ ટેન્ટ સિવાય બહારની ખાનગી જમીન પર તેના માલિકો દ્વારા તંબુ તાણવામાં આવ્યાં છે. જેનું ભાડું ઓછું હોય છે અને ઓરિજનલ કચ્છી સ્વાદિષ્ટ ભોજન ઓફર કરાય છે. જેથી પ્રવાસીઓ મોંઘાદાટ ટેન્ટમાં રહેવાના બદલે આવા તંબુમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય આ વર્ષે ટેન્ટના ભાડામાં ઘટાડો કરવાની આયોજકોને
ફરજ પડી છે. આયોજકો દ્વારા મોબાઇલ પર ટેક્સ્ટ મેસેજ કરી ટેન્ટના ભાડામાં ૪૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરાય છે અને સંપર્ક કરાય ત્યારે આયોજકો ટેન્ટ સિટીના ભાડા ખાનગી ટેન્ટના માલિકો દ્વારા વસૂલાતાભાડાંની સરખામણીમાં ઓછા હોવાનો દાવો કરે છે. ટુરિઝમ વિભાગે પણ સ્વીકાર્યું કે ટેન્ટસિટી સિવાય પણ ટેન્ટ તાણવામાં આવ્યાં છે. ગત વર્ષે 20,635 પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રહ્યાં હતા. અધર સ્ટેટના 7249, ગુજરાતના ૧૩,303 અને વિદેશના માત્ર 83 પ્રવાસીઓ હતા. વિદેશી નાગરિકો સ્વચ્છતાની બાબતમાં જરા પણ બાંધછોડ કરતા હોતા નથી. તેની સામે અહીં ઘણી વખત ઊંટની દુર્ગંધ સહિતની ગંદકીની ફરિયાદો ઉઠી હતી. તેનું પરિણામ વિદેશીઓની સંખ્યા ઘટવા સ્વરૂપે આવ્યું છે.