અમદાવાદ શહેરના લોકો હવે ફરી એક વાર ભય હેઠળ આવી ગયા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઇ છે. ગમે તે સમયે ઘરમાં ઘૂસી લૂંટના ઇરાદે અને અંગત અદાવતમાં તેમજ સામાન્ય બાબતમાં લોકો ઉપર હુમલા અને હત્યાના બનાવો બની રહ્યા છે. છેલ્લા બે મહિના અને ૧૦ દિવસમાં જ રપ જેટલી હત્યાઓ શહેરમાં થઇ ચૂકી છે. જ્યારે સાત લોકો ઉપર હુમલાના બનાવો બન્યા છે. છતાં શહેર પોલીસ પાંગળી બની બેસી રહી છે અને હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હત્યાઓનું મુખ્યકારણ માત્ર સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલા કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. લોકો જાહેરમાં જ તિક્ષ્ણ હથિયાર સાથે સામ સામે આવી જઇ એકબીજા પર હુમલા કરે છે. શહેર પોલીસ કમિશનર દ્વારા હથિયારો અંગે જાહેરનામું બહાર પડાયું હોવા છતાં લોકો ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરે છે. પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ કોઇ કાર્યવાહી કરાતી નથી. પોલીસ દ્વારા આવી કોઇ કાર્યવાહી ન થતી હોઇ લોકોના મનમાં પોલીસનો કોઇ ડર રહ્યો નથી. છેલ્લા દસ દિવસની વાત કરીએ તો પાંચેક જેટલી હત્યાના બનાવો બની ચૂક્યા છે. જેમાં વટવામાં કાદવ ઉછળવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા કરાઇ હતી. વેજલપુરમાં પણ ઝઘડાની અદાવતમાં, કૃષ્ણનગર વિસ્તારમાં ઝઘડો થતા, ઇસનપુર વિસ્તારમાં કારખાનું બંધ થવા બાબતે જ્યારે નારણપુરામાં પણ સામાન્ય ઝઘડાની બાબતે હત્યાઓ થઇ ચૂકી છે. આ તમામ હત્યાઓમાં મુખ્યત્વે ઝઘડો થતા તેની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને હાઇપ્રોફાઇલ મર્ડર કેસમાં પણ પોલીસ હજી સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી. સાબરમતીમાં થયેલી બે યુવકોની હત્યા, ગોમતીપુરમાં ૮ વર્ષના બાળકની હત્યા, નગરંગપુરામાં લૂંટના ઇરાદે વૃદ્ધાની ઘરમાં ઘૂસી હત્યા, જમાલપુરમાં બિલ્ડર હનીફ દાઢીની હત્યા વગેરે કેસમાં પોલીસ હજી અંધારાંમાં ફાંફાં મારી રહી છે. આ કેસમાં પોલીસને કોઇ સફળતા ન મળતાં ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ છે. હત્યાનો બનાવ બને ત્યારે ક્રાઇમ બ્રાંચ પણ તપાસ કરતી હોય છે. પરંતુ ક્રાઇમ બ્રાંચને પણ કોઇ કડી ન મળી હોવા છતાં તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવાય છે. તાજેતરમાં જ થયેલી હત્યાઓની વાત કરીએ તો ગાયકવાડ હવેલી વિસ્તારમાં લૂંટના ઇરાદે બે શખ્સોએ ઘરમાં ઘૂસી મહિલાની હત્યા કરી નાખી હતી. વાસણા વિસ્તારમાં પણ અંગત અદાવતમાં યુવક પર મોડી રાત્રે હુમલો કરી હત્યા કરી દેવાઇ છે. શહેરમાં ખુલ્લેઆમ ઘાતક હથિયારો લઇ ટોળાં ભેગાં થતાં હોય છે અને મારા મારીના બનાવો બનતા હોય છે. પરંતુ પોલીસ આવાં અસામાજિક તત્ત્વો સામે કોઇ પગલાં ભરતી નથી. જે બનાવોમાં હત્યાનું કારણ સ્પષ્ટ હોય તેવા કેસમાં પોલીસને સફળતા મળી છે. પરંતુ હાઇપ્રોફાઇલ હત્યામાં પોલીસને ફાંફાં પડી રહ્યાં છે. શહેરમાં બનેલી હત્યાઓની ઘટનામાં વિવેક હત્યા કેસ, હનીફ દાઢી હત્યા કેસ, સાબરમતીમાં બે યુવકની હત્યા અને નિર્મળાબહેનની હત્યાના કેસમાં હજી સુધી આરોપીઓ મળ્યા નથી. સ્થાનિક પોલીસ દ્વારા કોઇ કામગીરી ન જતાં ક્રાઇમ બ્રંાચને આ તમામ અનડિટેક્ટ મર્ડરની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે.